Trending News
સ્થાનિક સમાચાર

ભુજ-અમદાવાદ ફ્લાઇટ પુનઃ શરૂ કરવા અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડએરપોર્ટના વિકાસ અંગે દિલ્હીમાં રજૂઆત

01 January


કચ્છમાં વિમાની કનેક્ટિવિટીને લઈને દિલ્હીમાં ફોકીઆએ નાગરિક ઉડ્ડયન નિયામક સાથે મહત્વની ચર્ચા કરી : સાંસદ વિનોદ ચાવડાનું માર્ગદર્શન સાંપળ્યું

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના વિમાની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ)ના પ્રતિનિધિ મંડળે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક સાથે દિલ્હીમાં તાજેતરમાં મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ભુજ-અમદાવાદ હવાઈ સેવા પુનઃશરૂ કરવા તેમજ કંડલામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
ફોકિઆના એમ.ડી. નિમિષ ફડકેના કહેવા મુજબ બેઠક દરમિયાન નાગરિક ઉડ્ડયન નિયામક શંખેશ મહેતાએ જણાવ્યું હતું કે, ભુજ-અમદાવાદ રૂટ પહેલાં ઉડાન યોજના હેઠળ સંચાલિત થતો હતો, જેમાં ભારત સરકાર તરફથી ત્રણ વર્ષના સમયગાળા માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ (વીજીએફ) આપવામાં આવતું હતું. ઉપલબ્ધ માહિતી અનુસાર આ ફ્લાઇટની ઓક્યુપન્સી આશરે ૭૦ ટકા રહી હતી, જે દર્શાવે છે કે આ રૂટ વ્યાપારી ધોરણે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. જો કે, જો ઓપરેટરને વ્યાપારી વાયેબિલિટીમાં પડકારોનો સામનો કરવો પડે તો રાજ્ય સરકાર પરસ્પર સહમતિના આધારે સહાય આપી શકે છે. આ અંગે સ્ટાર એરના સીઈઓ અને જનરલ મેનેજર માર્કેટીંગ સાથે ટેલીફોનીક ચર્ચા કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, આ સેવા પુનઃ શરૂ કરવા માટે ગુજરાત સરકાર શક્ય તેટલી સહાય આપે તેવી વિનંતી કરવામાં આવી છે. વધુમાં આ પ્રતિનિધિ મંડળે ભુજ-મુંબઈ અને ભુજ-દિલ્હી વચ્ચે ઈન્ડીગો દ્વારા સેવા શરુ કરવા અંગે ચર્ચા કરી હતી.
આબેઠકમાં કંડલા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ફોકિઆની દીનદયાલ પોર્ટ ઓથોરિટી સાથેની ચર્ચા આધારે પોર્ટ ઓથોરિટીએ જરૂરી જમીન એરપોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ને સોંપવાની તૈયારી દર્શાવી છે. આ પ્રક્રિયાને આગળ વધારવા માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ગુજરાતના મુખ્ય સચિવને જમીનની વિગતો સાથે પત્ર લખી શકે છે. ત્યારબાદ મુખ્ય સચિવ એએઆઈને ફીઝિબિલિટી સ્ટડી કરાવવા માટે જણાવી શકે છે. જાણકારી અનુસાર, એએઆઈ બે ફીઝિબિલિટી સ્ટડી નિઃશુલ્ક કરી શકે છે. આ પ્રતિનિધિમંડળમાં શ્રી ફડકેની સાથે ઉદ્યોગપતિ ભાવેન ઠક્કર પણ જોડાયા હતા. 
----------

Comments

COMMENT / REPLY FROM