ગાંધીધામ મનપાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું
મેઘપર કુંભારડી વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ગાંધીધામ - કચ્છ ઉદય : રાજ્ય સરકારની સૂચના મુજબ ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગાંધીધામ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા વિશાલ ઉર્ફે રાધે જગદીશભાઈ જોષીના ગેરકાયદેસર દબાણને આજ રોજ નોટિસ અને કાયદેસર પ્રક્રિયા બાદ દૂર કરવામાં આવ્યું હતું. કાર્યવાહીમાં મનપાના અધિકારીઓ અને અંજાર પોલીસનો પૂરતો બંદોબસ્ત રહ્યો હતો. મેઘપર કુંભારડીની ભક્તિધામ સોસાયટીમાં રહેતા ર૪ વર્ષિય વિશાલ સામે વ્યાજખોરી, ગુનાહિત ધમકી, પ્રોહિબિશન, ખૂનની કોશીશ, એટ્રોસિટી, મારામારી સહિતના ગુના નોંધાયેલા છે. આરોપીએ ભક્તિધામ સોસાયટીમાં પોતાના રહેણાકના સ્થળે સરકારી રસ્તા પર દબાણ કરી ગેરકાયદે રીતે મકાનની બાજુમાં શેડ બનાવ્યો હતો. જે દબાણ મહાનગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને તોડવામાં આવ્યું હતું.

Comments