કચ્છ કલેક્ટર આનંદ પટેલને સચિવ સંવર્ગમાં અપાયું પ્રમોશન
પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર અને ગાંધીધામના મ્યુ.કમિશનર મનીષ ગુરવાણીના ગ્રેડમાં બઢતી અપાઈ
ગાંધીધામ - કચ્છ ઉદય : ગત રોજ વર્ષ ર૦રપ ના અંતિમ દિવસે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં અધિકારીઓની બઢતી-બદલીના હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કચ્છ કલેક્ટરને સચિવ તરીકે, પૂર્વ કચ્છના એસપી, ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરને એ ગ્રેડમાં પ્રમોશન સાથે જિલ્લાના આરટીઓ અધિકારીની પણ પ્રમોશન સાથે બદલી થઈ છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત સરકારે ગઈકાલે મોડી રાત્રે પાંચ આઈએએસ અને ૪૯ આઈપીએસ અધિકારીઓના પ્રમોશનના હુકમ કર્યા છે. જે મુજબ ર૦૧૦ની બેચના અધિકારીઓને સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલને સચિવ સંવર્ગમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રમોશન સાથે હાલે તેઓને કચ્છ કલેક્ટરની પોસ્ટ પર યથાવત રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમની બદલી થશે. રાજ્ય સરકારે વર્ષ ર૦૧૭ ની બેચના ૧ર સનદી અધિકારીને ગ્રેડમાં પ્રમોશન આપ્યું છે. જેમાં ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીને ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ ર૦૧૭ ની બેચના પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેઓને પણ હાલની જગ્યાએ જ રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમની પણ બદલી થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત ૧૪ આઈપીએસ અધિકારીઓને ડીઆઈજી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. જેમાં અગાઉ પશ્ચિમ કચ્છના એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને કડક અધિકારીની છાપ ધરાવતા સૌરભસિંગ, ડો.કરણરાજ વાઘેલાનો સમાવેશ થાય છે.

Comments