મુંદરા-અંજારમાં કેનાલ‘સાફ-સફાઈ’ના નામે સિંચાઈમાં મોટા આર્થીક ઘોટાળાનો કારસો
ચેકડેમ-કેનાલોની સાફ-સફાઈમાં વિસંગતતાઓ, વર્ક ઓર્ડર પહેલાં કામ, કાગળ પર બિલો અને કટકીની ગોઠવણીઓનો ગંભીર અંગુલીનિર્દેશ : વર્ક ઓર્ડર કયારે નીકળ્યો, તેના કેટલા દીવસમાં કામ રાખનાર એજન્સીએ કામ થઈ ગયાના બીલો કર્યા રજુ? જેટલા દીવસોમાં કામ પૂર્ણ થઈ ગયાનુ બતાવાય છે તે સમયમાં આટલુ મોટું કામ પૂર્ણ થાય ખરૂં? : સિંચાઈવિભાગના ડીઈ કક્ષાના અધિકારીને આંખે પાટ્ટા છે કે પછી તેઓ સરકારી ગાઈડલાઈનની ઐસીતૈસી બાબતે કરી રહ્યા છે આંખમિંચામણાં?
આક્ષેપો ખોટા છે, હજુ સુધી એક પણ બીલ મારી સમક્ષ નથી મુકાયુ, એક નવા પૈસાનું ચુકવણું અમારા દ્વારા કરવામાં નથી આવ્યું, સરકારી ધારાધોરણો અનુસાર જ કામ થઈ રહ્યા છે : શ્રી કમલ ગઢવી(ના.કા.ઈ. સિંચાઈ માંડવી-અંજાર)
પ્રજાકીય પ્રતીનિધીઓ કેમ આવા કિસ્સાઓમાં નથી આવતા આગળ! : સરકાર પાણી આપે છે, મંજુરીના અભાવે ખેડુતોને છત્તે પાણીએ તડપવું પડે છે? કોણ જવાબાદર? ખેડુતોને બેવડા મારથી બચાવો, જો કયાંક ગેરરીતી-સિન્ડીકેટ બનાવીને ખેડુતોના હિતોના ભોગે રચાતી હોય તો તેમની સામે કડકમાં કડક પગલા લેવા તે માટે સરકારમાં પણ કરી દેખાડો ધારદાર રજુઆતો : ઠેકેદાર, ભ્રષ્ટ અધિકારીઓ પોતાના સ્વાર્થી મતલબ માટે ખેડુતોના ખોડ કાઢી નાખતા હોય તે જરા સહેજ પણ ન ચલાવી લેવાય
જો કડક અને તટસ્થ તપાસ હાથ ધરાશે તો કચ્છવ્યાપી એટલે કે અબડાસા, ભુજ-ભચાઉ- સહિતમાં આવા મોટા આર્થિક ભોપાળાઓ આવશે બહાર
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં સિંચાઈ તંત્ર દ્વારા ચેકડેમો અને કેનાલોની સાફ-સફાઈના નામે મોટા આર્થિક ભોપાળાની ગંધ ફેલાઈ રહી છે. ખાસ કરીને મુંદ્રા અને અંજાર તાલુકામાં તાજેતરમાં કરાયેલા કામોમાં અનેક ગંભીર વિસંગતતાઓ સામે આવી હોવાનું ચર્ચા છે, જેને લઈને જાણકાર વર્ગમાં ભારે ચકચાર મચી ગઈ છે. સવાલ એ ઊભો થાય છે કે સિંચાઈ વિભાગના ડી.ઈ. (ડિવિઝનલ ઇજનેર) તથા જિલ્લા કક્ષાના કાર્યપાલક ઇજનેર આ સમગ્ર ગડબડથી અંધારામાં છે કે પછી આંખે ચામડા પહેરીને બેઠા છે? કારણ કે નિયમ મુજબની પ્રક્રિયા અહીંયા ખુલ્લેઆમ ધજાગરા કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.નિયમ અનુસાર, ચેકડેમો અને કેનાલોની સાફ-સફાઈ માટે પ્રથમ વર્ક ઓર્ડર આપવામાં આવે, ત્યારબાદ કામ શરૂ થાય. કામ શરૂ કરતાં પહેલા અને પૂર્ણ થયા બાદની સ્થિતિના ફોટોગ્રાફ્સ,
માપણી અને વિગતવાર અહેવાલ કોન્ટ્રાક્ટરે સિંચાઈ વિભાગને આપવાના હોય છે. તે પછી સિંચાઈ વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી સંતોષકારક કામગીરી અને ટેન્ડરની શરતો મુજબ કામ થયું હોય તો જ બિલ પાસ કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે.પરંતુ અત્રે ચિત્ર કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. ઠેકેદારોએ વર્ક ઓર્ડર મળતાં પહેલાં જ કામ કરી લીધા હોવાના દાવાઓ સાથે કાગળ પર કામ બતાવી બિલો ઉતારવાની રચનાઓ થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે વિવિધ નામે કામો કરનારી
પેઢીઓ અલગ-અલગ દર્શાવાય છે, પરંતુ હકીકતમાં ઠેકેદાર એક જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કહેવાય છે કે આ ઠેકેદારે સિંચાઈ વિભાગના અમુક બની બેઠેલા ‘ભ્રષ્ટ’ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ કરી કટકી-કમિશનની ગોઠવણીઓ કરી છે. નિયમવિરુદ્ધ રીતે જે કામો હકીકતમાં થયા જ નથી, તેવા કામોના બિલો રજૂ કરી પ્રજાના ટેક્સના રૂપિયાને સરકારી તિજોરીમાંથી ઉઘાડી લોટ ચલાવવાની યોજના ઘડાઈ ચુકી હોવાનો અંગુલીનીર્દેશ થયો છે. આ મામલે સૌથી મહત્વનો સવાલ એ છે કે જ્યાં ચેકડેમો અને કેનાલોની સાફ-સફાઈ દર્શાવવામાં આવી છે, ત્યાં ગ્રામ પંચાયતોના સરપંચોએ એનઓસી આપી છે કે કેમ? સરપંચોને સીધા પૂછવામાં આવે તો હકીકત બહાર આવી શકે. અનેક જગ્યાએ તો ગ્રામ પંચાયત દ્વારા જ સામાન્ય સફાઈ કરાવાઈ હોવાની ચર્ચા છે, ત્યારે સિંચાઈ વિભાગના નામે બિલો કેવી રીતે ઉતારાયા? જો આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવે, તો માત્ર મુંદ્રા કે અંજાર નહીં પરંતુ કચ્છ વ્યાપી મોટો આર્થિક ભોપાળું બહાર આવવાની પૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે સિંચાઈ વિભાગ અને સરકાર આ ગંભીર આક્ષેપોને નજરઅંદાજ કરે છે કે પછી પ્રજાના પૈસાની લૂંટ અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરશે.જાહેર જનતા એક જ માંગ કરી રહી છે - તપાસ કરો, દોષિતોને પકડી કાઢો અને પ્રજાના પૈસાનો હિસાબ આપો.બીજીતરફ આ બાબતે સિચાઈ વિભાગના માંડવી-અંજારના ના.કા.ઈ. શ્રી ગઢવીની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આક્ષેપો તદન પાયાવિહોણા છે, હજુ સુધી એક પણ બીલ મારી સમક્ષ મુકવામાં નથી આવ્યુ, અને એક નવા પૈસાની ચુકવણી પણ કરવામાં નથી આવી. સરકારી નીતી-ટેન્ડર એગ્રીમેન્ટ પ્રમાણે જ કામ કરવામા આવી રહ્યા છે તેમ જણાવી આક્ષેપો નકાર્યા હતા. વધુમાં વ્યકિતગત રીતે જે કોઈએ પણ કામો કેનાલ સફાઈના કરાવ્યા છે તેમા સરકારની કોઈ જ બાંહેધરી લેવાઈ નથી, એટલે સિંચાઈ વિભાગ તો સરકારી પદ્વતિ અનુસાર જ સફાઈના કામો હાથ ધરશે તથા વ્યકિતગત રીતે કામો કરાવનારને સરકાર કે સિંચાઈ વિભાગ ચુકવણું કરવા બંધાયેલ ન હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

Comments