ભારતનગરનું તો કોઈ ધણીધોરી જ નથી કે કેમ? નાળાના કામમાં લાઈન તુટતાં જળબંબાકાર....!
કમિશ્નરશ્રી સવારે ૭ વાગ્યે સંકુલ-શહેરના લોકોથી રૂબરૂ થઈ, તેમને મળતી માળખાગત સુવિધાઓ વધારવા છે પ્રયત્નશીલ, અથાગ મહેનત કરી રહ્યા છે, પરંતુ કમિશ્નરશ્રી દ્વારા કરેલા કામો પર ઈન્જીનીયર જેવા અમુક બની બેઠલા લોકો કરી રહ્યા છે પાણીઢોળ : કમિશ્નરશ્રી એકલા કેટલુ કરશે?
નગરપાલિકામાંથી આવી કામગીરીનું નિરિક્ષણ કોણ કરે છે? એન્જીનીયર કયાં છે? કેમ આવી ઘટનાઓ બનતી અટકાવામાં એન્જીનીયર નાકામ સાબીત થઈ રહ્યા છે? પાર્કીંગ પ્લોટમાં પણ ઉદ્યઘાટન કર્યાના કલાકોમાંથી પાણીની લાઈન તુટયાની તાજેતરમા બની ચુકી છે ઘટના..?
મનપા કમિશ્નરશ્રીએ કાર્યભાર સંભાળ્યો તે બાદ જ રોડ રસ્તા સહિતની માળખાગત સુવિધાઓનુ કામ થઈ રહ્યુ છે, અગાઉ તો મોટાભાગના કામો થીગડથાગડ જ કરવામા આવતા હોવાની સર્જાતી હતી નોબત
ગાંધીધામ : શહેરના ભારત નગર વિસ્તારમાં ચાલી રહેલા રોડ તથા નાળા નિર્માણ કાર્ય દરમિયાન બેદરકારીભર્યા ખોદકામના કારણે મુખ્ય પાણીની લાઈન તૂટી જતાં સમગ્ર ભારત નગર વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. અચાનક પાણી ફાટતા રસ્તાઓ નદીસમાન બની ગયા હતા, જેના કારણે રહેવાસીઓમાં ભય અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.સ્થાનિકો જણાવે છે કે રોડ અને નાળા કામ દરમિયાન અગાઉથી કોઈ યોગ્ય આયોજન કે તકેદારી લેવામાં આવી નહોતી. ખોદકામ વખતે પાણીની લાઈન ક્યાંથી પસાર થાય છે તેની માહિતી વગર મશીનરીથી ખોદકામ કરવામાં આવતાં લાઈન તૂટી ગઈ હતી. પરિણામે હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને ઘરઆંગણાં, ગલીઓ તથા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા.પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બે પહિયા અને ચાર પહિયા વાહનો વચ્ચે અટવાઈ જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરેલું સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે.આ ઘટનાને પગલે ભારત નગરના રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે વિકાસના નામે કામ તો થાય છે, પરંતુ કામની ગુણવત્તા અને દેખરેખનો અભાવ સતત સમસ્યાઓ ઊભી કરે છે. અગાઉ પણ અનેક વખત નાળા તથા રોડના કામ દરમિયાન લાઈનો તૂટવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.ઘટનાની જાણ થતાં નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીની લાઈન બંધ કરી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં આખો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.સ્થાનિક રહેવાસીઓએ માંગ ઉઠાવી છે કે ભવિષ્યમાં આવા વિકાસ કાર્યો શરૂ કરતા પહેલા પાણી, ગટર અને અન્ય લાઈનોનું યોગ્ય સર્વે કરવામાં આવે તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી વારંવાર જનતાને મુશ્કેલીમાં મુકાવું ન પડે.

Comments