કચ્છના રણમાંથી કરોડો ટન ખનીજ સંપત્તિના અવૈધ નિકાસ
રાજ્યના પૂર્વ નાણાંમંત્રી બાબુભાઈ મેઘજી શાહ દ્વારા ઔદ્યોગિક મીઠાના નામે કિંમતી ‘રેર-અર્થ’ ખનીજ વિદેશ ધકેલાતું હોવાના આક્ષેપ સાથે ઇડી અને સીબીઆઈ તપાસની માંગ
ગાંધીધામ - કચ્છઉદય : ગુજરાતના પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહે કચ્છના મોટા રણમાં કાર્યરત દરિયાઈ રસાયણ એકમો દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે. તેમણે જણાવ્યું છે કે વર્ષ ૧૯૮૨થી મરીન કેમિકલ્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કરાયેલી રજૂઆતો બાદ ૧૯૯૩ અને ૨૦૦૭માં વિવિધ મોટા ગૃહોને જમીનો ફાળવવામાં આવી હતી. જોકે, હાલમાં જે રીતે કચ્છના રણમાંથી હજારો ટન મીઠું અને દરિયાઈ ખનીજની નિકાસ થઈ રહી છે તેમાં મોટી અનિયમિતતાની આશંકા છે. શ્રી શાહના મતે, મશીનો દ્વારા ૧૦ ફૂટથી વધુ ઊંડાઈએથી મીઠાના થરો ઉપાડવામાં આવે છે, જેમાં કિંમતી ’રેર-અર્થ’ તત્વો હોવાની પૂરી શક્યતા છે. આ જથ્થાને માત્ર ઔદ્યોગિક સોલ્ટની ઓળખ આપીને દરરોજના ૧૫૦૦ જેટલા વિશાળ ટ્રેલરો દ્વારા કંડલા બંદરેથી વિદેશ મોકલવામાં આવી રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આટલા મોટા પાયે કુદરતી સંપત્તિનો નિકાસ થતો હોવા છતાં, તેની સામે રાજ્ય કે રાષ્ટ્રની તિજોરીમાં પૂરતું વિદેશી હૂંડિયામણ જમા થાય છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.બીજી તરફ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો આંકડો વિક્રમી સમયમાં પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પોર્ટ દ્વારા ૧૪૦ એમએમટી કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક રખાયો છે, ત્યારે શ્રી શાહે આક્ષેપ કર્યો છે કે નિકાસ થતા માલના ડેકલેરેશનમાં ઘણીવાર ગેરરીતિઓ જોવા મળે છે. ગુજરાત આલ્કલીઝ જેવી સરકારી કંપનીઓએ અગાઉ કચ્છનું મીઠું કેમિકલ્સ બનાવવા યોગ્ય નથી તેવું કહીને તેની અવગણના કરી હતી, પરંતુ આજે એ જ મીઠું વિદેશોમાં સોડાએશ બનાવવા માટે મોટા પાયે વપરાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં લોકલ ટેક્સ અને શિક્ષણ વેરાની ચૂકવણીમાં પણ ક્ષતિઓ હોવાનું જણાય છે. આથી, રાષ્ટ્રીય હિતની જાળવણી માટે અને આર્થિક ગેરરીતિઓ બહાર લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓ જેવી કે ઇડી, સીબીઆઈ અને રાજ્યની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Comments