ફુલરા સમીપે સતત સળગી રહેલો લિગ્નાઇટ આરોગ્ય માટે અતિ જોખમી
ફુલરા ગામની બાજુમાં અકરી અને ખાણોટ વચ્ચે ખુલ્લામાં સળગી રહેલો લિગ્નાઇટ આજુબાજુના અનેક વૃક્ષોને ભરખી ગયો : આજુબાજુ રહેતા અને ત્યાંથી પસાર થતાં લોકોને ફેફસા અને કેન્સરના રોગો થાય તેવો ધુમાડો જોખમી : મામલતદાર દ્વારા પગલાં લેવા પ્રયાસ શરૂ પરંતુ સાધનો ટૂંકા પડ્યા : જિલ્લા કલેકટર દ્વારા અને ગ્રામ લોકો દ્વારા તથા જંગલખાતા દ્વારા સાથે મળી અને મામલતદારને કાર્યવાહીમાં નિર્ણાયક મદદ જરૂરી : શિયાળાની ઠંડીમાં લિગ્નાઇટ સળગ્યો કેમ...? તે યક્ષ પ્રશ્ન અને ગંભીરતાથી તપાસનો વિષય
લિગ્નાઈટ ચોરીની પાછલા અમુક સમયથી છુટીછવાઈ આવતી ફરીયાદો સમયે જ આગની બનેલી ઘટના કહેવાય સુચક
ભુજ - કચ્છઉદય : લખપત તાલુકામાં અકરી અને ખાણોટ ગામની વચ્ચે લિગ્નાઇટ ૨૪ કલાક સતત સળગી રહ્યો છે અને વિકરાળ ધુમાડા ઓકી રહ્યો છે. તેના કારણે ફુલરા ગામના લોકો અને ત્યાંથી પસાર થતાં વાહન પ્રવાસીઓના સ્વાસ્થ્ય માટે અતિ જોખમી છે. ઉપરાંત પશુપંખી અને પર્યાવરણને નુકસાનકારક છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સળગી રહેલા લિગનાઇટ નજીકમાં રહેલા અનેક વૃક્ષો ગરમીને કારણે ભસ્મિભૂત થઈ રહ્યા છે અથવા દૂરના વૃક્ષો પણ ઉભા સુકાઈ ગયેલા જોવા મળ્યા હતા. કહેવાય છે કે આ ધુમાડા દૂરથી દેખાય છે આમ છતાં પણ જંગલ ખાતા દેખાતું નથી, જે આશ્ચર્યજનક છે. જીએમડીસી પાન્ધ્રોના જનરલ મેનેજર એચ.જે. દવેનો સંપર્ક સાધના તેમને જણાવ્યું કે, પાનધ્રો અને જીએમડીસીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં દરેક જગ્યાએ આવી રીતે ક્યાંય લિગ્નાઇટ સળગતો ન રહે તે માટે કાળજી પણ લેવાય છે. પરંતુ આ વિસ્તાર તેમના કાર્યક્ષેત્ર અને જાણ બહાર હશે. જંગલ ખાતાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રિયકાન્તભાઈ આશરાએ જણાવ્યું કે તેમના કાર્યક્ષેત્રમાં પણ આ વિસ્તાર આવતો નથી, આમ છતાં જેમના કાર્યક્ષેત્રમાં આવતો હશે તે સંબંધીતોને તેઓ અંગત રસ લઈને ધ્યાન દોરી, તરત જ નિર્ણાયક પગલાં લેવડાવવા જરૂરી પૂરતો સહકાર આપશે. દયાપરના મામલતદાર નવીનભાઈ મારૂનુ આ અંગે ધ્યાન દોરવામાં આવતા તેમના દ્વારા ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ આપીને તેમનુ કુશળતાથી ઝડપથી કાર્યવાહી કરવાની દિશામાં પગલાં શરૂ કરી દેવામાં આવ્યા હતા. બીજે દિવસે સવારે સર્કલ ઓફિસરને સ્થળે પહોંચી અને રિપોર્ટ કરવા તથા પગલાં લેવા સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે આ વિસ્તાર લિગ્નાઇટ સળગી રહ્યો છે અને ધુમાડા નીકળી રહ્યા છે પરંતુ તે કેવી રીતે સળગ્યો હશે તે તપાસનો વિષય છે. કદાચ નજીકના જંગલમાં આગ લાગતા આગ પકડી દીધી હોય. પરંતુ હવે તેને તાત્કાલિક બુઝાવવા માટે પગલા લેવા ખૂબ જ જરૂરી છે. તેમની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક નિરીક્ષણ કરતા મામલતદાર સર્કલ ઓફિસ અને બીજા અધિકારીઓ એવા તારણ ઉપર નીકળ્યા છે કે લિગ્નાઇટ સળગી રહ્યો છે તે વિસ્તાર ખડકાળ અને અંદર આવેલો છે એટલે પાણીના ટેન્કર કે અગ્નિશામક બમ્બા પહોંચી શકે તેવી સપાટ જમીન નથી. આમ છતાં બીજી કઈ રીતે સળગતો લિગ્નાઇટ બુઝાવી શકાય તે અંગે તેઓ ખૂબ જ ગંભીર છે. હવે બને તેમ જલ્દી સરકારી તંત્ર તથા સેવાભાવી ગ્રામ લોકોની મદદથી લિગ્નાઇટ સળગતું બંધ કરી અને લોકોને થતું આરોગ્યનું નુકસાન તરતમાં અટકાવવામાં આવશે. આ અંગે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરતા આવા ધુમાડાથી ફેફસાના રોગ થઈ શકે છે અને લાંબો સમય ચાલુ રહે તો કેન્સર પણ થઈ શકે છે એવું જાણવા મળ્યું. એટલે આવી રીતે કોઈપણ જગ્યાએ જાહેર સ્થળમાં કે ગામની નજીક ધુમાડા નીકળતા હોય તો તે ઢીલ કર્યા વગર અટકાવવા જોઈએ. કાર્યવાહીમાં જોડાનાર દરેક અધિકારી અને કર્મચારીઓએ પણ ચહેરા ઉપર માસ્ક બાંધી અને ધુમાડાની નજીક કાર્યવાહી માટે જવું જોઈએ જેથી તેમના આરોગ્યને પણ ખતરો ન પહોંચે તેઓ પણ અભિવ્યક્ત કરાયું હતો. સ્થાનિક તંત્રને એ માટે સંસાધનની જરૂર હોય તો જિલ્લા કલેકટર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રસ લઇ અને તાત્કાલિક મદદ કરવી જોઈએ. દરમિયાન આવી રીતે લિગ્નાઇટ કેવી રીતે સળગી જાય છે અને આવા ગુનામાં રહેલા લિગ્નાઇટ અને બીજા ખનીજ તત્વોનું ખનન તો નથી થતું તે અંગે પણ સરકાર ખૂબ જ ઉચ્ચ કક્ષાએથી ગમે ત્યારે સરપ્રાઈઝ તપાસ કરી શકે છે.
...............
ઝેરી ધુમાડાથી જન આરોગ્ય પર ઝળુબતું જોખમ
ભુજ - કચ્છઉદય : અકરી અને ખાણોટ ગામ પાસે સળગી રહેલા લિગ્નાઇટનો સતત નીકળી રહેલો ધુમાડો શરીર માટે અને આજુબાજુના ગામના તથા ત્યાંથી પસાર થતા લોકોના આરોગ્ય અને પશુ પક્ષીઓ અને જીવ માટે કેટલો ખતરનાક નુકસાનકારક છે તે અભ્યાસ પછી જાણવા મળે છે. વિજ્ઞાન કહે છે કે ધુમાડો શરીર માટે અત્યંત નુકસાનકારક છે કારણ કે તેમાં ૭૦૦૦થી વધુ ઝેરી રસાયણો હોય છે, જે કેન્સર, હૃદય રોગ અને શ્વસન સંબંધી ગંભીર બીમારીઓનું કારણ બને છે. સિગારેટનો ધુમાડો, અગરબત્તીનો ધુમાડો, બીડીનો ધુમાડો અને મચ્છર કોઈલનો ધુમાડો કે કોઈ પણ પ્રકારનો ધુમાડો પણ ફેફસાં, હૃદય અને અન્ય અંગોને નુકસાન પહોંચાડે છે. નિષ્ક્રિય ધૂમ્રપાન પણ એટલું જ જોખમી છે. ઘરમાં પણ ક્યારે ધુમાડો ભેગો થાય તો તરત જ બારી બારણા ખોલી અને પંખો ચાલુ કરી નાખવો જોઈએ જેથી ધુમાડો બહાર નીકળી જાય, પરંતુ વાતાવરણમાં સળગતા વિજ્ઞાનને કારણે ધુમાડો મોટો થઈ અને ધમ્મસ જેવું દ્રશ્ય પેદા કરે છે. કૃત્રિમ ધુમ્મસમાં અનેક ઝેરી રસાયણો હોય છે, ફેફસાના કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક, શ્વાસની નળીઓ સાંકડી થવી અને ફેફસાની ક્ષમતા ઘટવા જેવી સમસ્યાઓ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે કચ્છના દુર્ગમ લખપત દયાપર જેવા વિસ્તારમાં આરોગ્યની અતિ અદ્યતન અને પૂરતુ સગવડ નથી. બીજી બાજુ સમગ્ર દેશમાંથી પણ અનેક લોકો રોજગારી માટે આ વિસ્તારમાં ઠલવાઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં મોટા મોટા ઉદ્યોગ શરૂ કરી અને લાખો રૂપિયાનું રોકાણ કરનાર કંપનીઓએ સાથે મળી એક અધ્યતન હોસ્પિટલ અને મેડિકલ કોલેજ આછીવાડાના વિસ્તારમાં પણ કરવી જોઈએ જેથી લોકોને અને ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી આવેલા હજારો કારીગરોને તથા કંપનીના અધિકારીઓને પણ તાત્કાલિક સારવાર મળી જાય અને તેમનું જીવન બચી જાય.

Comments