Trending News
સ્થાનિક સમાચાર

નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને આવકારવા વિશેષ આયોજન 

30 December



૧લી જાન્યુઆરીના સવારે સાત વાગે લાખો લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સત્રમાં જોડાઈ યુવાધનને આપશે પ્રોત્સાહન 

ભુજ - કચ્છઉદય : નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧લી જાન્યુઆરીના રોજ સૂર્ય નમસ્કાર અને ધ્યાનના એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ હેઠળ જ્યારે આજની યુવા પેઢી નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓ તરફ વળી રહી છે, ત્યારે તેમને આપણી પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ ભવ્ય અભિયાન હાથ ધરાયું છે. આ કાર્યક્રમ ૧લી જાન્યુઆરીએ સવારે ૭ થી ૮ કલાકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે, જેના માધ્યમથી રાજ્યભરના લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ ઘરે બેઠા જ એકસાથે જોડાઈ શકશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને યુવાધનને પ્રોત્સાહન પૂરું પાડશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વેસ્ટર્ન કલ્ચરથી યોગ તરફ અને વિદેશીથી સ્વદેશી તરફના મંત્ર સાથે જનરેશન-ઝીને ભારતીય સંસ્કૃતિ અપનાવવા આહવાન કરવાનો છે. આ સત્રમાં સહભાગી થનાર તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે, જે લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે તેઓ ૩૧મી ડિસેમ્બરની મોડી રાત સુધીની પાર્ટીઓના બદલે ૧લી જાન્યુઆરીના પ્રથમ સૂર્યોદયને યોગ અને સૂર્ય નમસ્કાર સાથે વધાવે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સામાજિક સંસ્થાઓ પણ પૂરતો સહયોગ આપી રહી છે. વધુ વિગતો અને નોંધણી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા જણાવાયું છે. 
-----

Comments

COMMENT / REPLY FROM