Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સંકુલના રાજવી ફાટક પર બ્રિજ નિર્માણને કોનું ગ્રહણ? : સંકુલવાસીઓ ત્રાહીમામ..ત્રાહીમામ.!

30 December



બ્રીજ નિર્માણના કામમાં મંથર ગતી તથા એક યા બીજા કારણોસર છાલવારે લાગી જતા બ્રેક પાછળનું સાચું કારણ શું? રોજ બરોજ લાંબા લાંબા ટ્રાફીક જામ, બાળકો-વયોવૃદ્ધ-મહીલાઓને વાહનો-ટુવ્હીલર પર અહીથી પસાર થતા પડે છે પારવાર મુશ્કેલી, અકસ્માતોની પણ સર્જાય છે વણજાર, આ સમસ્યાના કાયમી ઉકેલ બાબતે, રાજવી ફાટકના અટકેલા કામને ઝડપથી પૂર્ણ કરવા માટે કેમ કોઈ જ બુલંદ અવાજે બોલવા આગળ આવતું નથી?


ગાંધીધામ મનપા કમીશ્નર શહેર-સંકુલને સ્વચ્છ-સુંદર, દબાણમુકત કરવા, શહેરીજનોને સુવિધાઓ આપવાની દીશામાં પાણી-ગટર, 
રોડ-રસ્તાઓ સહીતના મામલે ખુદ જરૂર પડે ત્યાં જાત સ્થળ તપાસ કરી અને વ્યાયામ આદરી રહ્યા છે, તેવામાં બીજીતરફ શહેરમાં આવેલ રાજવી 
ફાટક પાસેનો ઓવરબ્રીજના અટકેલ કામ સોનાની થાળીમાં લોઢાના મેખ સમાન બની રહ્યા હોવાની વધી રહી છે ચર્ચા



બીએસએફ પાસેનો રોડ તથા ઈઆરસી પાસે ઓપન મુકવાની ડીઝાઈનની પ્રક્રીયા ગતિવાન છે, ટુંક સમયમાં જ અહી પણ કામ આગળ ધપતું થઈ જશે, હવે બહુ રાહ નહી જોવી પડે : શ્રી કલ્પેશ નાઈ (ગાંધીધામ આર એન્ડ બી વિભાગ)




ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરને રડીયામણું બનાવવાની દીશામાં વર્તમાન મનપા કમિશ્નરશ્રી મનીષ ગુરવાણી અથાગ પ્રયાસો કરી રહ્યા છે. શહેર દબાણમુકત બને, સંકુલમાં રોડ-રસ્તાઓ સારા હોય, ગટર-પાણી જેવી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દીશામાં સૌનો સાથ-સૌનો વિકાસના સુત્રને ચરીતાર્થ કરાવી રહ્યા છે. રોડ-રસ્તાઓ પર આડેધડ રહેલા દબાણોની સામે કોઈ પણ ચમરબંધીને બક્ષવા નહી, તેવી નીતી સાથે કડકાઈથી શહેર-સંકુલ-સરકારના હિતમાં કામ કરી રહ્યા છે ત્યારે બીજીતરફ ગાંધીધામમાં આવેલ રાજવી ફાટક પાસેનો ઓવરબ્રીજ એક યા બીજા કારણોસર ગ્રહણ રૂપ સ્થિતીમાં અટકેલો જ પડયો હોવાથી જાણે કે, શહેર-સંકુલમાં થઈ રહેલી આટઆટલી સુચારૂ-સારી કામગીરીમા સોનાની થાડીમાં લોઢાનો મેખ બની રહ્યો હોય તેવી સ્થિતી સર્જાયેલી છે.
રાજવી ફાટક ખુબજ વ્યસ્ત ફાટક છે. સવારથી લઈ અને મોડી સાંજ-રાત સુધી અહી રેલવેની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે. મોટરીંગ સહિતની પ્રજા આ ફાટકમાં લાંબા સમયથી અટકાવાઈ પડતી હતી જેને લઈને અહી આરઓબી મંજુર કરવામા આવ્યો હતો. આ આરઓબી એટલે કે રેલવે ઓવરબ્રીજ છે કે પછી અહી બીજો તાજમહેલ બનાવવામાં આવી રહ્યો છે? પાછલા સાત-આઠ વર્ષથી આ રેલ ઓવરબ્રીજ એક યા બીજા કારણોસર વિલંબીત જ થવા પામી રહ્યો છે અને તેના લીધે પ્રજાજનો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. 
અહી લાંબા સમય માટે ટ્રાફીક જામમાં તો ફસાવવાની નોબત આવે જ છે, તે ઉપરાંત વાહનો ટ્રાફીકમાં ઘણા થઈ જતા રોજબરોજ એક બીજા સાથે નાની મોટી બોલાચાલી અને છમકલાઓ પણ થવા પામી રહ્યા છે. બ્રીજ મંજુર થઈ ગયો છે, સમસ્યા ઉકેલવાની દીશામાં સરકાર ખુદ ચિંતિત છે તો પછી ગાંધીધામમાં કયા કારણોસર આ બ્રીજનુ કામ પૂર્ણ જ નથી થતું?
બીજીતરફ આ બાબતે આર એન્ડ બી વિભાગના શ્રી કલ્પેશ નાઈની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે, આ બાબતેની પ્રક્રીયાઓ ગતિવાન જ બનેલી છે. બોર્ડર સિકયુરીટી ફોર્સના પરીસર વિસ્તારમાં રોડના કામ સંદર્ભેનો વિષય ઉચ્ચસ્તરે પડતર રહેલો હતો, જે મામલે પણ હવે આગામી એકાદ પખવાડીયામાં નિર્ણય આવી શકે છે. આ ઉપરાંત બ્રીજથી સહેજ આગળના ભાગે ઈમરજન્સી સેન્ટર(ઈઆરસી) આવેલ છે ત્યાં પણ માર્ગ ઓપન રાખવાનુ સુચન આવેલ અને તે બાદ નવી ડીઝાઈન એપ્રુવલ સંદર્ભે આપેલી છે, જે અંગે પણ કાર્યવાહી ચાલી જ રહી છે. ખુબજ ટુંક સમયમાં પણ બાકી રહેલુ કામ રાજવી ફાટકનું આટોપી લેવાનો વિશ્વાસ શ્રી કલ્પેશ નાયીએ દર્શાવ્યો છે. ઉપરાંત હાલમાં જે સ્કોપ રહેલો છે તે અનુસારની બ્રીજની કામગીરી ચાલુમાં જ હોવાનુ તેમણે જણાવ્યુ હતું.

.............



કંઈક વિચાર તો કરો, રામબાગ હોસ્પિટલ સમયસર ન પહોચતા નિદોર્ષ દર્દીઓના આ વિલંબીત બ્રીજ થકી થઈ રહ્યા છે મૃત્યુ..!



ગાંધીધામ : શહેરનો રાજવી બ્રીજ અનેકવિધ રીતે મહત્વપૂર્ણ છે. અહી રેલવે ટ્રાફીકના લીધે મહદઅંશે ફાટક બંધ જ રહે છે. બ્રીજ મંજુર કરાયો છે પરંતુ કામ વરસોથી અદ્વરતાલ જ રહી ગયુ છે. હવે તો સ્થિતી એવી છે કે, આ ફાટક સતત બંધ રહેતો હોવાથી છત્તે બ્રીજ મંજુર થયા હોવા ઉપરાંત જિલ્લાકક્ષાનો દરજજો પામેલી રામબાગ હોસ્પિટલમાં પહોચવા માટે જરૂરી લોકોને આ ફાટકમાં અટકી જવાથી વિલંબ થાય છે, સમયસર હોસ્પિટલ ન પહોચી રહ્યા હોવાથી લોકોના 
મૃત્યુ થઈ રહ્યા હોવાની પણ સ્થિતી સર્જાય છે. બ્રીજનુ માળખુ ઉભુ છે, વરસોથી અટકેલ પડયુ છે, તેના લીધે આજે ફાટકમાં અટકાવાઈ જવાથી લોકો હવે તો પ્રાણ ખોવાની સ્થિતી પણ આવી રહી છે. કંઈક તો હવે વિચાર કરો..! આવી ટકોર જાગૃત વર્ગ સતત કરી રહ્યો છે.



.........


અટકાવે કોણ છે,? શું તેમણે સરકારમાં રૂપીયા ભર્યા છે ખરા?


ગાંધીધામ : શહેરના રાજવી ફાટક પર આરઓબ્રીજનું કામ લાંબા સમયથી અટકી રહ્યુ છે. હાલમાં પણ ચાલુ થયેલ કામ ફરીથી કોઈ મંજુરી પ્રક્રીયામાં અટકયું હોવાની વાત સામે આવી રહી છે ત્યારે શહેર-સંકુલનો ભોગગ્રસ્ત વર્ગ કહી રહ્યો છે કે, રાજવી ફાટક પર બ્રીજ નિર્માણનું કામ અટકાવી કોણ રહ્યુ છે? શું તેઓએ જે કારણોસર અટકાવ્યું હોવાનુ કહેવાય છે તેના પેટેની રકમ સરકારમાં જમા કરાવી દીધી છે ખરી?


...........


મનપા કમિશ્નરનું ધ્યાન ગયું, હવે નિરાકરણ
ઝડપથી આવશે ખરૂં..! સંકુલનો આશાવાદ



ગાંધીધામ : રાજવી ઓવરબ્રીજ મામલે એકતરફ સંકુલના ભોગગ્રસ્તોમાં ભારે રોષ પ્રગટી રહ્યો છે ત્યારે બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, શહેર-સંકુલના વિકાસને સમતોલ-ચોતરફ ધ્યાન આપી રહેલા કમિશ્નરશ્રી મનીષ ગુરવાણીના ધ્યાને આ બ્રીજના અટકેલા કામની વાત આવી ચુકી છે. લાંબા સમયથી જે કામ વિલંબીત પડયુ હતુ હવે કમિશ્નરશ્રીનું ધ્યાન તે તરફ ગયુ છે, એટલે આ કાર્યદક્ષ કમિશ્નરશ્રી તેમાં આર એન્ડ બી સહીતનાઓની સાથે જરૂરી પરામર્શ કરશે એટલે ચોકકસથી હવે આ સમસ્યાનું કાયમી નિરારણ આવશે ખરૂ.! અત્યાર સુધી તો આ કામ થીગડથાગડ જ ચાલી રહ્યુ હતુ પરંતુ હવે કમિશ્નરશ્રી મનીષ ગુરવાણીના ધ્યાને વાત આવી છે એટલે આગામી બે-ત્રણ માસમાં ચોકકીથી રાજવી ફાટક ઓવરબ્રીજના પ્રશ્ન ઉકેલાઈ જાય તો નવી નવાઈ નહી કહેવાય.

..........

Comments

COMMENT / REPLY FROM