કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી પર ત્રાટકતી ટાસ્ક ફોર્સ અને એલસીબી : ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટેની કડક કાર્યવાહીના ભાગરૂપે કલેકટરશ્રી દ્વારા રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સ અને એલ.સી.બી. ભુજની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ટ્રકો ઝડપી પાડ્યા છે.
કચ્છ જિલ્લા કલેકટર અને એસપી ભુજના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમોએ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ગત તારીખ ૨૭/૧૨ના રોજ માંડવી તાલુકાના રાયણ ગામ પાસેથી નર્મદાની મુખ્ય કેનાલ પરથી પસાર થતી ટ્રક નંબર જીજે ૧૨ એડબલ્યૂ ૦૧૯૩ ને અટકાવવામાં આવી હતી. આ ટ્રકમાં ૧૯ મેટ્રિક ટન રેતીનો જથ્થો રોયલ્ટી વગર ભરેલો જોવા મળતા તેને કબ્જે કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રાઈવર તરીકે મેઘજી જીવા જોગી અને માલિક તરીકે ગઢવી ભરત દેવાંધનું નામ સામે આવ્યું છે.
આ ઉપરાંત, અન્ય એક કાર્યવાહીમાં ભુજ તાલુકાના કુનરીયા નાના ગામ પાસેથી ટ્રક નંબર એનએલ ૦૬ એ ૯૯૫૯ ને પકડી પાડવામાં આવી હતી. આ ટ્રકમાં ૨૮ મેટ્રિક ટન મોરમ ખનીજનો જથ્થો કોઈપણ રોયલ્ટી પાસ વગર લઈ જવામાં આવી રહ્યો હતો, જેમાં ડ્રાઈવર નવીનભાઈ નાગજી મારાજ અને માલિક અરૂણભાઈ છાંગાની સંડોવણી જણાતા મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ટાસ્ક ફોર્સ દ્વારા બંને ટ્રક અને ખનીજ મળી કુલ અંદાજિત ૩૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
--------

Comments