Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં ચૂંટણી અંગે મનોમંથન

29 December


ખેડૂતોના દેવા માફી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત ચલાવવા જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલનું આહ્‌વાન


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજની વિરામ હોટલ ખાતે આયોજિત કારોબારી બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિજયનો મંત્ર ફૂંકવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે પક્ષના સ્થાપના દિન નિમિત્તે કાર્યકરોને શુભેચ્છા પાઠવી મહિલાઓ, ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો તેમજ નર્મદાના નીર અને કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દે સરકાર સામે લડત ચલાવવા આહવાન કર્યું હતું. આ બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં વીજ લાઈન માટે ખેડૂતોને બજાર ભાવથી ચાર ગણું વળતર આપવા, ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવા અને પાંચ લાખ સુધીનું વ્યાજમુક્ત ધીરાણ આપવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પાસે માંગણી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં પક્ષ દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જનસંપર્ક અભિયાન હેઠળ ખાટલા બેઠકો અને જનસંમેલનો યોજવાનું પણ નક્કી કરાયું છે. આ અવસરે વાલજીભાઈ દનીચા, ભચુભાઈ આરેઠીયા, આદમભાઈ ચાકી, કલ્પનાબેન જોશી, કિશોરભાઈ છાયા, અરજણ ભુડિયા, લાખાજી સોઢા, કિશોરદાન ગઢવી, ધીરજ ગરવા, હાસમ સમા, એચ.એસ. આહીર અને ઇલીયાસ ઘાંચી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રામદેવસિંહ જાડેજા અને ગનીભાઈ કુંભાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વાગત પ્રવચન પી.સી. ગઢવીએ અને આભાર વિધિ રાજેશ સોનીએ કરી હોવાનું પ્રવક્તા અંજલિ ગોર દ્વારા જણાવાયું છે.
------------------ 

Comments

COMMENT / REPLY FROM