Trending News
સ્થાનિક સમાચાર

ભુજ -અંજાર-વાગડમાં ‘ડબ્બા ટ્રેડિંગ’નું ધમધમતું નેટવર્ક કરોડોના ‘બ્લેક મનિ’નું રિયલ એસ્ટેટમાં બેનામી રોકાણ?

29 December

પોલીસ સહિતનું પ્રશાસન અંધારામાં કે પછી આંખમિંચામણા?



નાણાંને કાળા ધોળા કરવા માટે ભુજના ડબ્બા ટ્રેડર હોટ ફેવરિટ : શહેર મુંદરા રોડ તેમજ મિરજાપર રોડ પર બિલાડીના ટોપની જેમ બની રહેલા મસમોટા કોમ્પલેક્ષોેમાં થતું રોકાણ : કોમ્પલેક્ષની ઓફિસ દુકાનોના વેચાણમાં પણ ૩૦થી ૪૦ ટકા વ્હાઈટના લઈ બાકીની રકમ સામે અન્ય મિલકતો થઈ રહી છે જમા 


ભુજ-કચ્છઉદય : આર્થિક ગતિવિધિઓનું એક મોટું કેન્દ્ર ગણાતા કચ્છના મુખ્ય શહેરોમાં ભુજ ઉપરાંત અંજાર-વાગડ પટ્ટામાં પાછલા કેટલાક સમયથી ‘ડબ્બા ટ્રેડિંગ‘ના નામે કાળા નાણાંને સફેદ (બ્લેક મનીને વ્હાઇટ) કરવાના એક મોટા અને સંકુલ નેટવર્કનું કારસ્તાન ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિ માત્ર ગેરકાયદેસર શેરબજારની સમાંતર પ્રણાલી પૂરતી સીમિત નથી, પરંતુ તેના મૂળિયાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઊંડે સુધી પ્રસરીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનું એક મોટું ષડયંત્ર રચી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આ અંગેની વિસ્તૃત ચર્ચા કરીએ તો ભુજમાં ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક એક દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત છે. તેમાં ખાસ કરીને વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય આર્થિક રીતે સધ્ધર લોકો જોડાયેલા છે, જેઓ પોતાના ‘બ્લેક મની’ને સત્તાવાર બેન્કિંગ ચેનલો અને સરકારી કરવેરાની નજરથી દૂર રાખીને ઝડપથી ‘વ્હાઇટ’ કરવા માંગે છે. આ નેટવર્કના સંચાલકો (ઓપરેટરો) મોટા રોકાણકારો પાસેથી બ્લેક મની સ્વીકારે છે. તેઓ આ નાણાંને ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગમાં રોકે છે, જ્યાં તમામ વ્યવહારો રોકડમાં અથવા અનધિકૃત ખાતાઓ દ્વારા થાય છે. રોકાણકારને તેમના નાણાં પાછા જોઈએ અથવા નફો ‘વ્હાઇટ’ કરવો હોય, ત્યારે ભુજનું નેટવર્ક રિયલ એસ્ટેટના સોદામાં મદદરૂપ બને છે. ડબ્બા ટ્રેડિંગએ સત્તાવાર સ્ટોક એક્સચેન્જની બહાર કરવામાં આવતો ગેરકાયદેસર શેરબજારનો વેપાર છે. તેમાં કોઈ કાયદેસર દસ્તાવેજો બનતા નથી, જેના કારણે સરકારને કરોડોની આવકવેરાની ખોટ જાય છે.
બ્લેક મનીને વ્હાઇટ કરવાની પ્રક્રિયામાં રિયલ એસ્ટેટ સેક્ટર એક મુખ્ય માધ્યમ બની ગયું છે. ભુજ અને આસપાસના વિસ્તારોમાં જમીનો, બંગલા અને કોમર્શિયલ મિલકતોના કરોડોના સોદામાં આ કાળા નાણાંનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. ભુજમાં મુંદરા રોડ તેમજ મિરજાપર રોડ પર હાલે બિલાડીના ટોપની જેમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષો બની રહ્યા છે. મોટાભાગના કોમ્પ્લેક્ષોમાં બનેલી ઓફિસો અને દુકાનો ખાલી રહેતી હોવા છતાં અન્ય કોમ્પ્લેક્ષો પણ ધડાધડ બની રહ્યા છે, ત્યારે કોમ્પ્લેક્ષોના જંગલો ખડકવા પછવાડે બ્લેકના નાણાં સફેદ કરવાનું કારસ્તાન ધમધોકાર ચાલી રહ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. ડબ્બા ટ્રેડિગની કામગીરી જિલ્લાના અન્ય શહેરોમાં પણ ચાલી રહી છે. પરંતુ ભુજ આ ગેરકાયદેસર પ્રવૃતિ માટેનું એપી સેન્ટર હોઈ જિલ્લાના અન્ય વિસ્તારોનું કાળુ નાણું પણ હાલે ભુજમાં ઠલવાઈ રહ્યું છે. 


...................

આ સિન્ડીકેટની મુંદરા-ગાંધીધામ પટ્ટામાં ન ચાલી ચાલકી?


ગાંધીધામ : સૂત્રોના અંદાજ મુજબ, ભુજમાં છેલ્લા પાંચ વર્ષમાં રિયલ એસ્ટેટના મોટા સોદાઓમાં લગભગ પ૦થી ૭૦ ટકા વ્યવહારો કાળા નાણાં દ્વારા થયા છે. આના કારણે ટેક્સ ચોરીનો આંકડો અબજોમાં હોઈ શકે તેમ છે. આ કારસ્તાનમાં ભુજના કેટલાક જાણીતા બિલ્ડરો, જમીન દલાલો, ફાઇનાન્સરો અને ડબ્બા ટ્રેડિંગના મુખ્ય ઓપરેટરોની સીધી સંડોવણી હોવાનું મનાય છે. આ લોકોએ એક મજબૂત અને ગુપ્ત નેટવર્ક ઊભું કર્યું છે, જેના કારણે લાંબા સમયથી આ પ્રવૃત્તિ સરકારી એજન્સીઓની પકડમાં આવી રહી નથી. આ સિન્ડીકેટ દ્વારા સિમેન્ટ, લોખંડ સહિત કાચી સામગ્રી સપ્લાય કરતા વેપારીઓને પણ માલ ખરીદીના રૂપિયાની સામે જે તે કોમ્પ્લેક્ષમાં દુકાન કે, ઓફિસ સામે જમા કરાવાતી હોઈ ભુજની બજારમાં હાલે નાણાં ખેચ પણ જોવા મળી રહી છે. આ સિન્ડીકેટ દ્વારા આવી જ પ્રવૃતિ મુંદરા, ગાંધીધામ સહિતના વિસ્તારમાં પણ કરવાની પેરવી કરાઈ હતી, જો કે, ત્યાંના વેપારીઓ મિલકત જમા કરવાના બદલે માલની રકમ જ માંગતા આ સિન્ડીકેટ ટોળકીના મનસૂબાઓ મનમાં જ રહી જવા પામ્યા હતા.ૃ


.............

અમુક જમીન દલાલો-દવાના હોલસેલર્સ-ડબ્બાટ્રેડરએ
કાળા-ધોળા કરવાનું ગ્રુપ બનાવ્યુ હોવાની ચર્ચા



ગાંધીધામ : ભુજમાં કેટલાક જમીન દલાલો, દવાના હોલસેલ વેપારીઓ તેમજ ડબ્બા ટ્રેડરોએ ગ્રુપ બનાવી કરોડોનું કાળુ ધન સફેદ કરવા માટેની આયોજનબદ્ધ મોડસ ઓપરેડન્સી શરૂ કરી છે. ફૂલ પેમેન્ટની જગ્યાએ પાર્ટ પેમેન્ટ સ્વીકારી જ્યારે કોઈ મિલકત ખરીદવામાં આવે છે, ત્યારે ખરીદનાર મિલકતની કુલ કિંમતના માત્ર ૩૦થી ૪૦ ટકા જેટલી રકમ ચેકથી એટલે કે, વ્હાઈટ મની ચુકવવામાં આવે છે. આ રકમ સરકારી દસ્તાવેજો  પર દર્શાવવામાં આવે છે, જેના પર ટેક્સ ચૂકવાય છે. જયારે બાકીનું ‘બ્લેક’ પેમેન્ટ રોકડમાં ચુકવાતું હોઈ તેના પર કોઈ જ ટેક્સ ચુકવવા પડતા નથી. 


.................


કાળાનાણાંને સફેદ કરવાની 
આ ચાલ છે ખુબજ ચાલાકી ભરી.!


ગાંધીધામ : આ સિવાય હાલે ભુજની રિયલ એસ્ટેટ માર્કેટમાં એક નવી સિસ્ટમ પણ ચાલી રહી છે, જેમાં  ખરીદનાર અને વેચનાર વચ્ચે એવી સમજૂતી થાય છે કે બાકીના નાણાં (બ્લેક મની) સામે વેચનારને ડબ્બા ટ્રેડિંગ ઓપરેટર દ્વારા અથવા અન્ય ગેરકાયદેસર વ્યવહારો દ્વારા અન્ય કોઈ મિલકત, જમીનનો ટુકડો કે ધંધામાં ભાગીદારી આપવામાં આવે છે. ‘બ્લેક મની’ને રિયલ એસ્ટેટના પોર્ટફોલિયોમાં જમા કરવાની આ ચાલ ખૂબ જ ચાલાકીભરી છે. આ પ્રવૃત્તિને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મિલકતની કુલ કિંમત ઓછી બતાવવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક ગુમાવવી પડે છે. વેચનાર તેની કુલ આવક ઓછી બતાવીને અને ખરીદનાર તેના રોકાણનો સ્ત્રોત છુપાવીને મોટા પાયે આવકવેરાની ચોરી કરે છે.

Comments

COMMENT / REPLY FROM