Trending News
સ્થાનિક સમાચાર

કીડીયાનગરના તળાવમાં પાણી ભરવા જતાં ડૂબી જવાથી મહિલાનું કરૂણ મોત

29 December



ભચાઉ ફાયર ટીમે બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આજે વહેલી સવારે અત્યંત દુખદ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કીડીયાનગર ગામે આવેલા એક ઊંડા તળાવમાં પાણી ભરવા ગયેલા ચાલીસ વર્ષીય મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં વાગડ પંથકમાં ભારે કરી ફેલાઈ છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે રાપર તાલુકાના કીડીયાનગર ખાતે રહેતા લીલીબેન કેશાભાઈ કોળી નામના મહિલા ગામના નાના પરંતુ ઊંડા તળાવમાં 
પાણી ભરવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જવાથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટના અંગેની જાણ થતાં જ રાપર મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે ભચાઉ ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મામલતદારનો કોલ મળતાની સાથે જ ભચાઉ ફાયર ટીમ સજ્જ થઈને તમામ જરૂરી સાધનો અને બોટ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી તાત્કાલિક અસરથી બોટ દ્વારા તળાવના ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. શિયાળાની કકડતી ઠંડી અને વહેલી સવારના અંધારા વચ્ચે પણ ફાયર ટીમે હિંમતભેર બચાવ કામગીરી જારી રાખી હતી. સતત બે કલાક સુધી ચાલેલી ભારે જહેમત અને શોધખોળ બાદ અંતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને જરૂરી કાર્યવાહી અર્થે સ્થાનિક તંત્રને સોંપ્યો હતો. આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના સભ્યો પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ સોઢા અને મયુર રામાનંદી જોડાયા હતા. આ ઉપરાંત રાપર ટીમમાંથી કાનજીભાઈ ડોડીયાએ પણ સ્થળ પર ઉપસ્થિત રહીને આ રેસ્ક્યુ કામગીરીમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. પાણી ભરવા જેવી રોજિંદી પ્રક્રિયામાં મહિલાએ જીવ ગુમાવતા સમગ્ર કીડીયાનગર ગામમાં અને મૃતકના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી 
ગઈ છે.

 

Comments

COMMENT / REPLY FROM