પ્રદેશમાં કચ્છ : હવે કચ્છ સંગઠનમાં મહામુલા મહામંત્રી પદે કોની લોટરી? ચર્ચાઓ વેગવાન
ટીમ જગદીશ પંચાલની ઘોષણા થઈ ગઈ, હવે કોઈ પણ ઘડીએ જિલ્લા સંગઠનની જાહેરાતોનું કાઉન્ટડાઉન : જિલ્લા ભાજપના ર૦ જેટલા મુખ્ય પદો માટે કોણ મારશે મેદાન?
સમીકરણોને લઈને જિલ્લાના આંતરીક બેડામાં જામી ચર્ચા : શું કોઈ અપસેટ હશે, રીપીટ કે નો રીપીટ થીયરી, જાતી-જ્ઞાતિ સમીકરણોમાં કોને મળશે પ્રભુત્વ?
ટીમ પ્રદેશ ભાજપની જાહેરાત બાદ કચ્છમાં પણ ગઈકાલે પોકેટ બેઠકો યોજાયાની વહેતી થઈ અટકળો
ગાંધીધામ : ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નવી ટીમની જાહેરાત થવા પામી છે. આ ટીમમાં તદન નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યુવા નેતાઓને મહત્વ
આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છને પણ પ્રદેશ ટીમમાં પ્રતિનિધિત્વ મળ્યું છે.
પ્રદેશ ટીમની જાહેરાત બાદ હવે જિલ્લાકક્ષાના રાજકીય માહોલમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને કચ્છ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત હવે કોઈપણ ઘડીએ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિણામે કચ્છ જિલ્લામાં ભાજપના સંગઠનાત્મક માળખામાં મહામંત્રી પદે કોને સ્થાન મળશે, તે અંગે ઉત્સુકતા
વધી છે.જિલ્લા સંગઠનમાં મહામંત્રી પદ માટે કોના નામો આગળ આવશે, જાતિ-જ્ઞાતિના સમીકરણો કોના માટે કેવી રીતે બંધબેસશે, તેમજ વિસ્તાર મુજબ પૂર્વ કચ્છ કે
પશ્ચિમ કચ્છને વિશેષ તક મળશે કે નહીં આ તમામ મુદ્દાઓને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સાથે જ હાલના પદાધિકારીઓને ફરીથી તક મળશે કે નવી નિમણૂંક થશે, તે અંગે પણ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે.પ્રદેશ ભાજપની નવી ટીમની જાહેરાત બાદ ગઈકાલે કચ્છના વિવિધ સ્થળોએ મજબૂત દાવેદારો અને અલગ-અલગ જૂથોની
પોકેટ બેઠકો મળ્યાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. આ બેઠકો દ્વારા આવનારી જિલ્લા સંગઠનની રચનાને લઈને આંતરિક રણનીતિ ઘડાઈ રહી હોવાના સંકેતો મળે છે.લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી કચ્છ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાતનો હવે કોઈપણ સમયે અંત આવી શકે છે.
પરિણામે જિલ્લાની રાજનીતિમાં આવનારા દિવસો વધુ રસપ્રદ બનવાની સંભાવના છે.

Comments