Trending News
સ્થાનિક સમાચાર

રાજસ્થાનથી ચરસ લાવતા ભુજના ત્રણ યુવાનો ઝડપાયા

29 December


ભારતમાલા રોડ પર કારમાં સવાર યુવકો પાસેથી ૧૪ ગ્રામ કેફી પદાર્થ પકડાતા ચકચાર : ત્રણ મોબાઇલ, કાર સહિત રૂ.૧૦.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 

ભુજ-કચ્છઉદય : થર્ટી ફર્સ્ટ અને ન્યુયરની પાર્ટીઓમાં નશીલા પદાર્થોની હેરફેરને રોકવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પાર્ટીઓમાં સતત વધી રહેલા નશાના દુષણને ડામવા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં મુકાયું છે ત્યારે કચ્છ સહિત રાજયભરની ચેકપોસ્ટ અને ટ્રાફીકથી સતત ધમધમતા માર્ગો પર વાહન ચેકીંગની સઘન ઝુંબેશ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા ડ્રગ્સ કે દારૂને ઝડપી પાડવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે થર્ટી ફર્સ્ટ પૂર્વે નશીલા પદાર્થ ઝડપાવવાના અનેક કિસ્સાઓ અખબારોની હેડલાઈન બની રહ્યા છે. થરાદ પોલીસ વાંતડાઉ વાહનચેકિંગ પોઇન્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે ભારતમાલા રોડ પરથી પસાર થતી એક કારને રોકી તપાસ કરવામાં આવતા કારમાં સવાર ભુજના ત્રણ યુવકો પાસેથી ૧૪ ગ્રામ ચરસ મળી આવ્યું હતું. થરાદ પોલીસ રાત્રે ભારતમાલા રોડ પર વાંતડાઉ વાહનચેકિંગ પોઇન્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે રાજસ્થાનના સાંચોર તરફથી આવી રહેલી કાર નંબર જીજે-૧૨-એફઈ-૧૦૯૩ ને રોકી તપાસ કરતા વચ્ચેની સીટ પર બેઠેલા સબીરહુસેન અલીમહમદ સોઢાના પેન્ટના ખિસ્સામાંથી પારદર્શક થેલીમાંથી ચરસ મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીમાં અબ્દુલ હમીદ કાસમ ચાવડા તથા સમીરભાઈ અબ્દુલગની કુરેશી (બંને રહે. અમનનગર, ખારી નદી રોડ ભુજ, જિ.કચ્છ) અને સબીરહુસેન અલીમહમદ સોઢા (રહે.રહીમનગર, ખારી નદી રોડ ભુજ, જિ.કચ્છ)નો સમાવેશ થાય છે. પુછપરછમાં આરોપીઓએ ચરસ અજમેર સ્થિત દરગાહ નજીકથી પીવા માટે મેળવ્યું હતું. એફએસએલ તપાસમાં ચરસ (કેનાબિસ) હોવાની પુષ્ટિ થતાં તેનું વજન કરવામાં આવતા તેનું વજન ૧૪ ગ્રામ હોવાનું જણાતા તેની બજાર કિંમત રૂ.૩૫૦૦ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ, કાર સહિત રૂ.૧૦.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. થરાદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

Comments

COMMENT / REPLY FROM