Trending News
સ્થાનિક સમાચાર

અંતે.. રાપર પાલિકા દ્વારા રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરાઈ 

28 December



માલિકીના ઢોરો પકડાશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે : જાહેરમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી કરાશે 

ગાંધીધામ - કચ્છઉદય : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમા રખડતા ઢોરો અને આંખલાની અડફેટેથી પાંચ, છ લોકોના મોત થયા છે. અનેક લોકોને અડફેટે લઈ ઈજા પહોંચાડી છે, ત્યારે હવે રાપર નગરપાલિકા જાગી હોય તેમ રખડતા ઢોરો અને આંખલાઓને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. આંખલાઓને ઢોરો નિભાવી રહેલ ગૌશાળા તથા સંસ્થાઓમાં મુકવા માટે જાય છે ત્યારે સંસ્થાઓ તથા ગૌશાળા દ્વારા આંખલાઓને રાખવાનો નનૈયો ભણી દેવામા આવે છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાંથી આંખલાઓ અને ઢોરો મુકવા માટે આવેલ લોકો સીમતળ અથવા ગામતળ વિસ્તારમાં મુકી જતા રહે છે. ખેતર વાડીમા નુકશાન કરતા રખડતા ઢોરો અને આંખલાઓને ખેડૂતો ગામમાં મુકી રાતોરાત જતા રહે છે એટલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરો અને આંખલાઓના ત્રાસ દિવસે દિવસે વધી જાય છે. રખડતા ઢોરો અને આંખલાઓના અડફેટે લોકો આવી જવાથી અથવા રોડ પર બેસી જતા આંખલાઓની અડફેટે લોકો મોતને શરણ થાય છે. શહેરમાં ઘાસચારો વેચાણ કરતા ઘાસચારાના વેપારીઓ જાહેર રોડ પર ઘાસચારો નાખતા ઢોરો ઝગડવા લાગે છે. શાળા પાસે વિધાર્થીઓ અને બજારમા લોકો અડફેટે આવે છે. રાપરમાં પંદરસો જેટલા રખડતા ઢોરો અને આંખલાઓ છે, જેમાં અડધો અડધ ઢોરો માલિકીના છે.
આથમણા નાકા, અયોધ્યાપુરી, તિરૂપતિનગર, સલારી નાકા, પ્રાગપર ચોકડી, બગીચા પાસે પાવર હાઉસ તથા ગુરૂકુળ રોડ, રતનપર સહિતના વિસ્તારોમાં માલિકીના ઢોરો આવેલા છે. દુધ દોહીને ઢોરો રખડતા મુકી દે છે. આંખલાઓ ઢોરો નિભાવી રહેલ સંસ્થાના છે. ચરવા નમસ્તે માટે જતા આંખલાઓ ગામમા આવતા રહે છે. લોકોને ફાઈટમા અડફેટે લે છે. અવાર નવાર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને આંખલાઓ પકડવા માટે કામગીરી કરે છે. આજથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરૂણદાન ગઢવીના માર્ગદર્શનમાં પાલિકા સ્ટાફ દ્વારા ઢોરો પકડવા માટે પીંજરા તથા ટ્રેક્ટર દ્વારા પકડવાની કામગીરી હાથ ધરી હતી. પ્રથમ દિવસે અનેક આંખલાઓને પકડી પાંજરાપોળને હવાલે કરવામા આવ્યાં હતા.
ચીફ ઓફિસર અને પ્રમુખની યાદીમાં જણાવ્યું હતું કે, ઢોરોના માલિકોને પશુઓ બાંઘવા માટે સૂચના આપવામાં આવી હતી, જો આગામી દિવસોમાં માલિકીના ઢોરો પકડાશે, તો દંડાત્મક કાર્યવાહી તથા જાહેરમાં અડચણ કરવા અંગે ગુનો નોંધવામાં  આવશે. ઘાસચારો વેચાણ કરતા ઘાસચારાના વેપારીઓને ગામથી એક કિલો મીટર કોઈને નડતરરૂપ સ્થળ પર વેચાણ કરવા માટે સુચના આપવામાં આવી હતી. રખડતા ઢોરો અને આંખલાઓ મુક્ત રાપરને કરવા માટે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે. 

Comments

COMMENT / REPLY FROM