Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ આવતો ૯૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

28 December

થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે સપાટો



નડીયાદના ડભાણ પાસે આઈસર ટ્રકમાંથી પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં લઈ અવાતા દારૂના જથ્થા સાથે એક આરોપીને ખેડા એસઓજીએ ઝડપી પાડ્યો 


ગાંધીધામ - કચ્છઉદય : થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે કચ્છના બુટલેગરોએ રાજય બહારથી મંગાવેલા વિદેશી દારૂના જંગી  જથ્થાને ઝડપી પાડી એસઓજીએ દારૂ પ્યાસીઓના મનસુબા પર ઠંડું પાણી રેડી દીધું છે. નડીયાદના ડભાણ પાસેથી બંધ બોડીની આઈસરમાંથી ટ્રકમાં પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં ગાંધીધામ લઈ અવાતા  ૯૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ખેડા એસઓજી દ્વારા પકડી કાર્યવાહી હાથ ધરાઈ છે.
૩૧ ડિસેમ્બર પહેલા રાજયભરમાં વિદેશી દારૂની હેરાફેરીને રોકવા પોલીસ સક્રિય બની છે. પોલીસે ૯૩ લાખ રૂપિયાના દારૂ સહિત કુલ ૧ કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મધ્યપ્રદેશ પાસીંગની બંધ બોડીની આઈસર વડોદરા તરફથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ ઉપર ડભાણ એશિયન ફૂડની સામે ઉભી રહી હતી. આ આઈસરમાં શંકાસ્પદ જણાતા અને ચેકિંગ કરતાં અંદર પ્લાસ્ટિકના એર બબલ રોલની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી. આઈસરમાં લાવવામાં આવેલા રૂ.૯૩,૩૧,૨૦૦નો ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો તેમજ આઈસર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧,૦૩,૪૪,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના દિધથાનના રહેવાશી પપ્પુ રતન માંગીલાલ ચૌહાણને પકડી પાડવામાં આવ્યો છે. કુલ ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે અન્ય બે આરોપીઓ વોન્ટેડ છે. વોન્ટેડ આરોપીમાં ઈન્દૌરના રહેવાશી આઈસરના માલિક મીણાજી અને દારૂનો જથ્થો મંગાવનાર ઈસમનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપી ટ્રક ચાલકની પુછપરછમાં વિદેશી દારૂનો આ જથ્થો ઈન્દોરથી ભરવામાં આવ્યો હતો અને કચ્છના ગાંધીધામ ખાતે જયાં જણાવે ત્યાં પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી. પોલીસે દારૂ ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

Comments

COMMENT / REPLY FROM