બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ૧૯મો ચાઇલ્ડ હેલ્થકેર કેમ્પ સંપન્ન
૫૨ શાળાના ૪,૧૭૮ બાળકોની આરોગ્ય તપાસ કરાઈ
માંડવી - કચ્છઉદય : માનવીના સર્વાંગી વિકાસ અને સફળ ભવિષ્ય માટે સારું સ્વાસ્થ્ય અત્યંત અનિવાર્ય છે અને ખાસ કરીને બાળપણથી જ જો યોગ્ય તપાસ, સમયસર નિદાન તથા માર્ગદર્શન મળી રહે તો તે ખૂબ મહત્વનું સાબિત થાય છે. આ ઉમદા ઉદ્દેશ્ય સાથે બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી અવિરતપણે ચાઇલ્ડ હેલ્થકેર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરા અનુસાર વેલજી વિશ્રામ પોપટની પુણ્યસ્મૃતિમાં અમેરિકા નિવાસી જ્યોતિબેન તથા નરેન્દ્ર પોપટ અને ઇન્ડિયા ડેવલપમેન્ટ એન્ડ રિલીફ ફંડના આર્થિક સહયોગથી આ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સતત સાત દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં કુલ ૫૨ શાળાઓના ૪,૧૭૮ બાળકોની નિષ્ણાત તબીબો દ્વારા સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વિવિધ વિભાગોમાં નોંધાયેલા આંકડાઓ મુજબ ૩,૯૨૩ બાળકોની ફિઝિયોથેરાપી, ૩,૪૧૯ બાળકોની દંતરોગ, ૧,૪૦૩ બાળકોની પેશાબરોગ અને સ્ત્રીરોગ તેમજ ૫૯૫ બાળકોની ચામડીના રોગો માટે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૩૦ જેટલા બાળકોની આંખના નંબરની તપાસ કરીને તેમને ચશ્મા માટે નોંધવામાં આવ્યા હતા.
આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે ડૉ. ગિરીશ શાહના માર્ગદર્શન હેઠળ ૫૫ દંત ચિકિત્સકોની ટીમે સેવાઓ આપી હતી. જનરલ અને ચામડીના રોગોની તપાસ માટે ડૉ. ધીરજ બહુવા અને કચ્છ મેડિકોઝ ટીમના ૧૨ નિષ્ણાત તબીબોએ પોતાની સેવાઓ અર્પણ કરી હતી. આ સાથે જ નડિયાદથી ખાસ પધારેલી પેશાબરોગના નિષ્ણાતોની ટીમે પણ બાળકોનું પરીક્ષણ કરી જરૂરી તબીબી માર્ગદર્શન આપ્યું હતું. શિબિર દરમિયાન બાળકો માટે પૌષ્ટિક નાસ્તા અને ભોજનની સુંદર વ્યવસ્થા અમેરિકાના હેમંગીની હર્ષદ મહેતા દ્વારા આપવામાં આવેલા ઉદાર દાનથી કરવામાં આવી હતી. આંખના ચશ્મા માટે રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા જરૂરી સહયોગ પ્રાપ્ત થયો હતો.
બાળકોને લાવવા અને લઈ જવા માટેના ટ્રાન્સપોર્ટ ખર્ચની જવાબદારી અદાણી ગ્રુપ દ્વારા વહન કરવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિના નિરીક્ષણ માટે અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે શિબિરની વિશેષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ તેમની સાથે ઉપસ્થિત રહી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રતિબદ્ધતા વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. વિજયભાઈ છેડાએ આ તકે જણાવ્યું હતું કે, હજારો બાળકોની નિઃશુલ્ક તપાસ દ્વારા સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે ટ્રસ્ટ છેલ્લા ૧૯ વર્ષથી પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આ પરંપરા અવિરત જારી રાખવામાં આવશે.
સમગ્ર શિબિરનું સફળ સંચાલન અને સંકલન દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવચંદભાઈ ફુરિયા દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટના તમામ તબીબો, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી આ કેમ્પને એક ઉમદા સામાજિક સેવાનું ઉદાહરણ બનાવ્યું હતું.
-----

Comments