Trending News
સ્થાનિક સમાચાર

રાપર પાસે મોડી રાત્રે ફરી ભૂકંપનો આંચકો નોંધાયો

27 December



મોડી રાતે ૧.૧૬ કલાકે ૨.૫ ની તીવ્રતાનું કંપન : ૨૪ કલાક દરમ્યાન ૧૬ આંચકાઓથી ધ્રુજી ધરા : કચ્છમાં વાગડ ફોલ્ટ લાઇન પર વધતી ભૂસ્તરીય હલચલ : ઉત્તર વાગડ ફોલ્ટ પર થતી આ હલચલ એક ચેતવણી સમાન : આંચકાઓને ચેતવણી તરીકે સ્વીકારીને જાગૃત રહેવું અત્યંત અનિવાર્ય 

ભુજ - કચ્છઉદય :કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે ૧.૧૬ કલાકે રાપરથી આશરે ૨૧ કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશાએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૨.૫ નોંધવામાં આવી હતી અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર ૫.૫ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. વાગડ વિસ્તારમાં સતત આવી રહેલા નાના-મોટા આંચકાઓને પગલે જનતામાં ચિંતાની લાગણી પ્રસરી છે ત્યારે નિષ્ણાતો આ ઘટનાક્રમને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છે.
આ ભૌગોલિક સ્થિતિ અંગે કચ્છ યુનિવર્સિટીના જિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ગૌરવ ચૌહાણે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે,  તાજેતરમાં વાગડ વિસ્તારમાં સાડા ચારથી વધુની તીવ્રતાનો મોટો આંચકો આવ્યા બાદ ૧૬થી વધુ આફ્ટરશોક નોંધાઈ ચૂક્યા છે. કચ્છ વિસ્તાર ભારતની સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ ગણાતી શ્રેણીમાં આવે છે અને અહીં ઐતિહાસિક રીતે વિનાશક ભૂકંપોનો ઇતિહાસ રહ્યો છે. સામાન્ય રીતે કચ્છની ધરા પર દર ત્રીસ-ચાલીસ વર્ષના અંતરે મોટો ભૂકંપ જોવા મળતો હોય છે અને ૨૦૦૧ના મહાવિનાશક ભૂકંપ પછી છેલ્લા પચ્ચીસ વર્ષમાં આ વિસ્તારમાં ભૂસ્તરીય હલચલમાં નોંધપાત્ર વધારો થયો છે.પ્રોફેસર ચૌહાણના મતે આ આંચકાઓ એક રીતે હકારાત્મક પણ છે કારણ કે તેના દ્વારા જમીનમાં સંગ્રહાયેલી ઊર્જા ધીમે ધીમે બહાર નીકળે છે જેનાથી મોટા ભૂકંપની સંભાવના ઘટી શકે છે. જોકે તેમણે ખાસ નોંધ્યું હતું કે હાલમાં જે ભૂકંપ આવી રહ્યા છે તેનું સ્થાન વર્ષ ૨૦૦૧ના ભૂકંપના કેન્દ્રબિંદુ કરતા અલગ છે. ૨૦૦૧નો ભૂકંપ કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ વચ્ચે થયો હતો જ્યારે હાલની પ્રવૃત્તિ સાઉથ વાગડ અને ગેડી ફોલ્ટ વચ્ચે આવેલા નોર્થ વાગડ ફોલ્ટના પશ્ચિમ ભાગમાં જોવા મળી રહી છે. કચ્છની જમીનમાં દસથી વધુ સક્રિય ફોલ્ટ લાઈનો છે જે ગમે ત્યારે મોટા ભૂકંપ લાવવાની ક્ષમતા ધરાવે છે અને તેની અસર સમગ્ર ગુજરાત કે પશ્ચિમ ભારત સુધી પહોંચી શકે છે. ઉત્તર વાગડ ફોલ્ટ પર થતી આ હલચલ એક ચેતવણી સમાન છે કે કચ્છ વિસ્તાર ભવિષ્યમાં ફરીથી મોટા આંચકાનો સામનો કરી શકે છે. ભૂકંપ એ એક એવી કુદરતી પ્રક્રિયા છે જેને રોકી શકાતી નથી પરંતુ તેની સામે સુરક્ષા કેળવી શકાય છે. આગામી સમયમાં ૨૦૦૧ના ભૂકંપને પચ્ચીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પ્રોફેસર ચૌહાણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે લોકોએ અને વહીવટી તંત્રએ ભૂકંપ સામે સલામતીપૂર્વક જીવવાની સજ્જતા કેળવવી જ પડશે. કચ્છની નિર્માણ પ્રક્રિયા જ ભૂકંપોને આભારી હોવાથી આ વિસ્તાર હંમેશા ભૂકંપપ્રવણ રહેશે અને તેથી જ આ આંચકાઓને ચેતવણી તરીકે સ્વીકારીને જાગૃત રહેવું અત્યંત અનિવાર્ય છે.

Comments

COMMENT / REPLY FROM