Trending News
સ્થાનિક સમાચાર

ફોકિયા દ્વારા ‘નેક્સ્ટ-જનરેશન લેબર રિફોર્મ્સ ફોર મેન્યુફેક્ચરિંગ ૪.૦’ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો

26 December



ભુજ : ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) દ્વારા ‘નેક્સ્ટ-જનરેશન લેબર રિફોર્મ્સ ફોર મેન્યુફેક્ચરિંગ ૪.૦’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું. 
આ સેમિનારમાં મુખ્ય અતિથિ અને ઉદ્દઘાટા તરીકે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય કેશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરાયેલા ચાર નવા શ્રમ સંહિતાઓ જેવા કે વેતન સંહિતા, ૨૦૧૯, ઔદ્યોગિક સંબંધો સંહિતા, ૨૦૨૦ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦, વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યપરિસ્થિતિ સંહિતા, ૨૦૨૦ વિસ્તારપૂર્વક સમજાવવા પર કેન્દ્રિત હતો.
આ સેમિનારમાં મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લાવવામાં આવેલ આ શ્રમ સુધારાઓ ઐતિહાસિક છે અને આના કારણે ઉદ્યોગ સંચાલકો અને કામદારો વચ્ચે સૌહાદપૂર્ણ સંબંધોને કારણે ઉત્પાદકતામાં વધારો થશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ કચ્છના ઉદ્યોગોમાં નવા શ્રમ સુધારાઓ વિશે જાગૃતિ લાવવામાં ફોકિઆની પહેલની પ્રશંસા શુભેચ્છા પત્ર દ્વારા પાઠવી હતી. કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છમાં આવેલા ઉદ્યોગો, સરકાર અને સમાજ વચ્ચેના તાલમેલતાના કારણે અહી ઉદ્યોગો સારી રીતે કામ કરી શકે છે. આ સેમિનારના સમાપન સમારોહમાં પધારેલા સંસદ સભ્ય વિનોદ ચાવડાએ ઉદ્યોગોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રોત્સાહન મળી રહેશે તેવી ખાતરી આપી હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ અર્થપૂર્ણ સેમિનારના આયોજનમાં ફોકિઆને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સેમિનારમાં વક્તા તરીકે મનોજ શર્મા અને નરેશ મહેતા દ્વારા નિષ્ણાત સત્રો આપવામાં આવ્યા હતા. મનોજ શર્માએ વેતન સંહિતા, ૨૦૧૯ અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યપરિસ્થિતિ સંહિતા, ૨૦૨૦ના સુધારાઓ અને ઔદ્યોગિક સંબંધોમાં મૂલ્યવાન સમજ આપી હતી. ઔદ્યોગિક સંબંધો સંહિતા, ૨૦૨૦ અને સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ પર વક્તા નરેશ મહેતા દ્વારા સમજ આપવામાં આવી હતી. આ સમારોહમાં સ્વાગત પ્રવચન વેલસ્પનના ડાયરેક્ટર બ્રિગેડીયર કાર્થીકેયને કર્યું હતું જ્યારે આભારવિધિ અગ્રોસેલના એચઆર હેડ રુચિર સોમેશ્વર અને એવેરેસ્ટ કાંતો સીલીન્ડર્સના સીનીયર મેનેજર એચઆર નીતુ શર્માએ કરી હતી.
આ સેમિનારમાં અગ્રોસેલ, આશાપુરા માઈનકેમ, ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ, એસએનએફ, વેલસ્પન જેવી કચ્છની અન્ય મોટી ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિત્વ કરતા ૮૦થી વધુ સહભાગીઓ તેમજ કચ્છની વિવિધ કોલેજોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન વિપુલ ભટ્ટે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ફોકિઆના મમતા વાસાણી, શિવાની ભગત, વંદના વૈષ્ણવ, જીનીશા સદાણી, ભરત બારોટે કર્યું હતું.
-----------

Comments

COMMENT / REPLY FROM