Trending News
સ્થાનિક સમાચાર

વાગડમાં ધરા ધ્રુજી : સાત  કલાકમાં ભૂકંપના નાના મોટા ત્રણ કંપનથી લોકોમાં ભય ફેલાયો 

26 December



વહેલી સવારે ૪ઃ૧૩ મિનિટે ૪.૬ અને ૯ઃ૦ર મિનિટે ૨.૫ તથા ૧૧ઃ૧૯ મિનિટે ૩ ની તીવ્રતાના કંપનથી ધ્રુજી ધરા : રાપરથી ૨૨ કિમી દૂર કેન્દ્રબિંદુ પર નોંધાયું કંપન : જાનમાલના નુકસાનના સમાચાર નહિ પરંતુ લોકો ઘરની બહાર દોડી આવ્યા : ર૬ જાન્યુઆરીએ ભૂકંપની વર્ષી પહેલા ર૬ ડિસેમ્બરના ઉપરાઉપરી ધરા ધ્રુજતા ચિંતા ફેલાઈ


ભુજ - કચ્છઉદય : કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. સરહદી જિલ્લા કચ્છના વાગડ પંથકમાં આજે વહેલી સવારથી જ ભૂગર્ભીય હલચલ તેજ બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, રાપર પંથકમાં એક જ કેન્દ્રબિંદુ પર ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. પ્રથમ અને શક્તિશાળી આંચકો વહેલી પરોઢે ૪.૩૦ કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ નોંધાઈ હતી. આ આંચકો એટલો પ્રબળ હતો કે ગાઢ નિદ્રામાં પોઢેલા લોકો ફફડાટ સાથે જાગી ગયા હતા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૨૨ કિલોમીટર પશ્ચિમ-ઉત્તર દિશામાં જમીનથી માત્ર ૫.૨  કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. કુદરતનો આ પ્રકોપ અહીં જ ન અટક્યો અને સવારે ૯.૦૨ કલાકે ફરી એકવાર તે જ કેન્દ્રબિંદુ પર ધરા ધ્રૂજી હતી. બીજા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ અંકિત થઇ હતી, જે જમીનથી ૧૧.૧ કિલોમીટરની ઊંડાઈએ ઉદભવ્યો હતો. વાગડ વિસ્તારના રાપર અને તેની આસપાસના ગામડાઓમાં આ બંને કંપનોનો સ્પષ્ટ અનુભવ થયો હતો. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓએ સરહદી પંથકની પ્રજામાં ફાળ પાડી છે. આ ઉપરાંત ૧૧ઃ૧૯ મિનિટે રાપર નજીક કેન્દ્ર બિંદુ ધરાવતો ૩ ની તીવ્રતાનો ત્રીજો આંચકો આવ્યો હતો. સાત કલાકમાં રાપર વિસ્તારમાં ત્રણ કંપનથી લોકોમાં ભય ફેલાઈ જવા પામ્ય હતો. આગામી ર૬ જાન્યુઆરીએ ભૂકંપને રપ વર્ષ પૂરા થશે. એ પૂર્વે ર૬ ડિસેમ્બરના ઉપરા ઉપરી ધરા ધ્રુજવા લાગતા વાગડ સહિત કચ્છભરમાં ચિંતા ફેલાઈ હતી. 
ઐતિહાસિક રીતે જોતા કચ્છ જિલ્લો હંમેશા ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ રહ્યો છે. કચ્છમાં આવેલી અનેક ફોલ્ટ લાઈનોને કારણે આ વિસ્તાર હાઈ સિસ્મિક ઝોન-૬માં આવે છે. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ કચ્છની ધરામાં સમયાંતરે નાના-મોટા આંચકા આવતા રહે છે, જે દર્શાવે છે કે જમીનની નીચે પ્લેટોમાં સતત હલચલ ચાલુ છે. ખાસ કરીને વાગડ અને ભચાઉ પંથકમાં આવતા આ પ્રકારના આફ્ટર શોક્સ સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બનતા હોય છે. નિષ્ણાતોના મતે વહેલી સવારે આવેલો ૪.૬ની તીવ્રતાનો આંચકો મધ્યમ શ્રેણીનો ગણી શકાય, પરંતુ તેની ઓછી ઊંડાઈને કારણે તેનો ધ્રુજારીનો વિસ્તાર વધુ પ્રભાવિત રહ્યો હતો. મહત્વનું છે કે, ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં કુલ આઠ કંપન નોંધાયા છે. જેમાં ચાર તારીખે ખાવડા પાસે ૩.૩, પાંચમીના રાપર નજીક ર.૬, ૧૦ મીના ધોળાવીરા નજીક ૩.૭, જિયાપર નજીક ૧૩ તારીખે ૩.૯ તેમજ કરમરીયા નજીક ર૪ તારીખે ૩ ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. આ સિવાય તાજેતરમાં ગાંધીનગર આઈએસઆર અને હિમાલચ પ્રદેશની યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા કરવામાં આવેલા સંશોધનોમાં કચ્છના પેટાળમાં હજુ પણ સક્રિય ફોલ્ટ લાઈન હોવાનું સામે આવ્યું છે. જેથી વૈજ્ઞાનિકોના મતે કચ્છમાં ગમે ત્યારે મોટા આંચકા 
આવી શકે છે. 

Comments

COMMENT / REPLY FROM