Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના મોટી ખાખરમાં નર્મદા કેનાલમાં ખાબકેલી નીલગાયનું દિલધડક રેસ્ક્યુ

25 December



સ્થાનિક યુવાનોએ સમયસૂચકતા વાપરી અબોલ જીવને મોતના મુખમાંથી ઉગારી માનવતા મહેકાવી

માંડવી - કચ્છઉદય : માંડવી તાલુકાના મોટી ખાખર ગામના સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અચાનક એક નીલગાય ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. કેનાલના ઊંડા પાણીમાં પડેલી નીલગાય બહાર નીકળવા માટે વલખાં મારી રહી હતી અને જોતજોતામાં તેનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટનાની જાણ આસપાસના વિસ્તારમાં થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતા સમજીને મોટી ખાખર ગામના સાહસિક યુવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. યુવાનોએ કોઈપણ પ્રકારના ડર વગર કેનાલના કાંઠે ઉતરીને ભારે જહેમત બાદ નીલગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી મથામણ અને ગ્રામજનોના સહકારથી અંતે નીલગાયને સહીસલામત રીતે પાણીની બહાર કાઢવામાં સફળતા મળી હતી.
કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ નીલગાય સંપૂર્ણપણે સ્વસ્થ જણાતી હોવાથી તેને વનરાજીમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવી હતી. અબોલ જીવને બચાવવા માટે યુવાનોએ દાખવેલી આ બહાદુરી અને જીવદયાની ભાવનાને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.
-----

Comments

COMMENT / REPLY FROM