Trending News
સ્થાનિક સમાચાર

સુશાસન દિવસના અવસરે મનપાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ

25 December


ગાંધીધામ મહાનગરપાલિકાની ડિજિટલ ભેટ



નગરજનો ઘરબેઠા પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે અને ઓનલાઈન ફરિયાદોનું થશે નિવારણ




ગાંધીધામ - કચ્છઉદય : સુશાસન દિવસના અવસરે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરવામાં આવી છે. ગાંધીધામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મનીષ ગુરવાનીના હસ્તે મહાનગરપાલિકાની નવી સત્તાવાર વેબસાઈટ અને માય ગાંધીધામ મોબાઈલ એપ્લિકેશનના અપગ્રેડ વર્ઝનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ આધુનિક સુવિધા થકી હવે ગાંધીધામના રહેવાસીઓ પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સની ચુકવણી માત્ર એક ક્લિક પર ઓનલાઈન કરી શકશે.
નાગરિકોની સુવિધા માટે લોન્ચ કરાયેલ વેબસાઈટ અને અપગ્રેડેડ એપ્લિકેશન દ્વારા લોકો પોતાની ફરિયાદો પણ સરળતાથી નોંધાવી શકશે. તંત્ર દ્વારા ફરિયાદોના નિકાલ માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં પારદર્શિતા જાળવવા માટે અધિકારીઓ સોલ્વડ અને ક્લોઝડ જેવા વિકલ્પોનો ઉપયોગ કરશે. જો કોઈ ફરિયાદ 'ક્લોઝડ' કરવામાં આવે તો તેના પાછળના સ્પષ્ટ કારણો જેવા કે બજેટની મંજૂરીની જરૂરિયાત, નીતિવિષયક નિર્ણય અથવા વિષય મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં ન આવતો હોય તેવી વિગતો પણ નાગરિકોને જાણવા મળશે.
ટેક્સ ભરવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવતા જણાવવામાં આવ્યું છે કે, નાગરિકો એપ્લિકેશન કે વેબસાઈટ પર જઈને પોતાના ટેનામેન્ટ નંબર દ્વારા બિલની વિગતો મેળવી શકશે અને કયુઆર કોડ, યુપીઆઇ, કાર્ડ, નેટ બેન્કિંગ જેવા વિવિધ માધ્યમોથી પેમેન્ટ કરી શકશે. આ ઉપરાંત પ્રોફેશનલ ટેક્સના વેરા પણ હવે ઓનલાઈન ભરી શકાશે. જે નાગરિકો ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય, તેમના માટે ખાસ લેન્ડલાઇન નંબર ૧૫૫૩૦૪ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાંથી તેઓ પોતાની ફરિયાદ નોંધાવી શકશે.
સ્માર્ટ સિટી અને ડિજિટલ ઈન્ડિયા તરફનું આ એક મજબૂત ડગલું છે, કારણ કે નાગરિકો દ્વારા કરવામાં આવેલી તમામ ફરિયાદોની સમીક્ષા ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા દર અઠવાડિયે વ્યક્તિગત રીતે કરવામાં આવશે, જેથી પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ આવે. જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર વિનંતી કરવામાં આવી છે કે જૂની એપ્લિકેશન વાપરતા તમામ નાગરિકો આ નવીનતમ સુવિધાઓનો લાભ લેવા માટે તુરંત જ પોતાની એપ અપડેટ કરી લે એવો અનુરોધ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

-------

Comments

COMMENT / REPLY FROM