કચ્છની મોંઘી રેસ્ટોરન્ટમાં ‘નકલી’ પનીર પીરસાતું હોવાની આશંકા
જન આરોગ્ય સાથે ગંભીર ચેડા, ફુડ વિભાગ હજુ પણ કેમ કુંભકર્ણની નિદ્રામાં
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બનાવટખોરો બન્યા સક્રિય : કચ્છ સહિત રાજ્યમાં ધૂમ વેચાતુ મોટાભાગનું પનીર નકલી હોવાનો ઘટસ્ફોટ : કચ્છના કેટલાક ડૉકટરો આ બાબતે જાગૃત્ત કર્યા હતા...
ભુજ - કચ્છઉદય : કચ્છમાં ચટાકેદાર ભોજનના સ્વાદરસીકો માટે ચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છ સહિત રાજ્યમાં વેચાણ થતા પનીરમાં ૭૦ ટકા જેટલું પનીર નકલી હોવાનો ઘટસ્ફોટ થયો છે. લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા થઈ રહ્યા છે. કચ્છ સહિત રાજ્યભરમાં પનીરની વધતી માંગને લઈ નકલખોર તત્ત્વો સક્રિય થઈ ગયા છે. કચ્છની બજારમાં બનાવટી પનીરનું ધૂમ વેચાણ થતું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ સહિત રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ચા પત્તી, મસાલા, ઘી-તેલ વગેરેમાં ભેળસેળ સાથે હવે છેલ્લા ઘણા વર્ષોથી નકલી પનીરની ફરિયાદો વધી છે. જાણકારો કહે છે કે, છેલ્લા થોડા વર્ષોમાં ખાણી-પીણીમાં વિવિધતાઓ વધી છે. લોકો ચીઝ, પનીર વગેરેની વાનગીઓ ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને પંજાબી વાનગીઓમાં પનીર એ બુનિયાદી જરૂર ગણાય છે. હોટલ - રેસ્ટોરન્ટમાં પનીરથી બનતી વાનગીઓ ખૂબ મોંઘા દામે ચપોચપ વેચાતી હોય છે, પરંતુ લોકો જાણે-અજાણે પોતાના આરોગ્ય સાથે ચેડાં કરી બેસે છે.
મોંઘી હોટલોમાં પીરસાતું પનીર બનાવટી હોવાનું અનેક વખત ઉજાગર થયું છે. ડાકોર ખાતે મળેલી રાજ્યના મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની બેઠકમાં રાજ્યમાં આવતું ૯ર ટકા પનીર નકલી હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. આ બેઠકમાં ઘી અને પનીર જેવા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પનીર અને ઘીમાં ભેળસેળ કરતા તત્ત્વો પકડાય તો તેના પર માત્ર દંડ નહીં, પરંતુ કડક કાર્યવાહી કરી પાસા હેઠળ પગલાં લેવાય તેવી રજૂઆતો થઈ હતી.
................
કેવી રીતે બને છે નકલી પનીર ?
દૂધમાંથી બનતા અસલી પનીર જેવા જ આબેહૂબ દેખાતા બનાવટી પનીર બનાવવા માટે હલ્કી ગુણવત્તાનું બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામ ઓઈલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાવડર જેવા પદાર્થોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત નકલી પનીરમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ અસલી પનીર જેવો આકાર આપવા માટે કરવામાં આવે છે. આ તમામ વસ્તુઓ જન આરોગ્ય માટે હાનિકારક હોય છે.
નકલી પનીરની ઓળખ કેવી રીતે કરી શકાય ?
• પનીરને ગરમ પાણીમાં ઉકાળી તેમાં સોયાબીન પાવડર અથવા લોટ ઉમેરવાથી નકલી પનીરનો રંગ બદલાઈ જશે.
• ડિટર્જન્ટ કે યુરિયાની ભેળસેળ હોય તો પનીરનો રંગ ઉકાળતી વખતે લાલ થઈ જશે.
• હાથમાં લઈ કચડવાથી નકલી પનીરનું પાવડર બની જશે જ્યારે અસલી પનીર સોફટ બને છે.
• પનીરને પાંચ મિનિટ ગરમ પાણીમાં ઉકાળી તેમાં ટિંક્ચર આયોડિનના થોડા ટીપા ઉમેરતા નકલી પનીરનો રંગ વાદળી બની જાય છે.

Comments