Trending News
સ્થાનિક સમાચાર

આશાપુરા વિદ્યા સંકુલની યોગ શિક્ષિકાને રાજયસ્તરીય સન્માન 

24 December




મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રશ્મિબેન વ્યાસને શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક એવોર્ડ 

ભુજ-કચ્છઉદય : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર કન્વેન્શન હોલ -ગાંધીનગર મધ્યે યોજાયેલ દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસના ઉપક્રમે યોજાયેલ શ્રેષ્ઠ યોગ કક્ષા સન્માન સમારોહમાં સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રશ્મિબેન નટવરલાલ વ્યાસને પૂરા કચ્છ જિલ્લામાંથી પસંદગી કરી શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રશ્મિબહેન વ્યાસ ૨૦૧૨થી મા આશાપુરા વિદ્યાસંકુલમાં જોડાયેલ છે. તેઓ પહેલા પી.ટી.સી. કોલેજમાં કોમ્પ્યુટર ટીચર તરીકે અને ક્લાર્ક તરીકેની બેવળી જવાબદારી નિભાવતા હતા. હાલ તેઓ સંકુલના કલાર્ક વિભાગમાં ટાઈપીસ્ટ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અમારી શાળા મા આશાપુરા વિદ્યા સંકુલમાં અનેક વિભાગોમાં યોગના સેશન લઈ શાળાના વિદ્યાર્થીઓ અને શાળાનાં સ્ટાફ કર્મચારીઓ પણ સ્વસ્થ રહે તેની ચિંતા હર હમેશ કરતા રહે છે. તેમણે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જુનના દિવસે આખા માં આશાપુરા વિદ્યા સંકુલને સામૂહિક યોગ કરાવ્યા હતા જેનું યુ ટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેથી વાલીઓ પણ ઘરે બેઠા યોગ કરી શકે.
રશ્મિબેન વ્યાસ યોગ ક્ષેત્રમાં છેલ્લા ૧૨ વર્ષથી જોડાયેલ છે. દિલ્લીના આયુષ મંત્રાલય દ્વારા લેવામાં આવતી ાયસીબી (લેવલ -૩)ની પરીક્ષા તેઓએ પાસ કરેલી છે. ૨૦૨૧માં મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે માંડવી મધ્યે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં તેઓને બેસ્ટ યોગ ટ્રેઇનરનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. યોગની અલગ અલગ કિવઝ સ્પર્ધાઓમાં તેઓ ભાગ લે છે. સૂર્યનમસ્કાર સ્પર્ધામાં લાયન્સ ક્લબ દ્વારા તેઓને પ્રથમ નંબરના વિજેતા જાહેર કરાયા હતા. તેઓ રેડીયોના માધ્યમથી પોડકાસ્ટ દ્વારા પણ યોગનો પ્રચાર પ્રસાર કરે છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને અનેક શાળાઓમાં જઈ યોગની અહેલેક જગાવવાનું કાર્ય સતત કરે છે. તેઓને જુદી જુદી સંસ્થાઓ દ્વારા યોગ ક્ષેત્રમાં કાર્ય માટે ૩૦ સર્ટીફિકેટ પ્રાપ્ત થયેલ છે.
રશ્મિબેન પતંજલી યોગ, રીધમ યોગ, ઇન્ટર નેશનલ નેચરોપથી સેન્ટર-દિલ્લી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલ છે અને ઉડીને આંખે વળગે એવી સમાજ સેવાની પ્રવૃત્તિ કરે છે. તેઓ હાલ જે સ્થાન પર યોગ વર્ગ ચલાવે છે ત્યાં પણ ૧૮ જેટલી આયુર્વેદિક ઔષધિઓ વાવી તેનો ઉછેર કરી પર્યાવરણ ક્ષેત્રે પણ યોગદાન આપે છે. હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાઈ વિવેકાનંદ પાર્ક ભાનુશાળી નગર મધ્યે નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવે છે જેમાં બહોળી સંખ્યામાં બહેનો આવી પોતાનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારે છે.
સી.એમ.ના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરવાની જવલંત સિદ્ધિ પ્રાપ્ત કરી, તેઓ એ મા આશાપુરા વિદ્યા સંકુલનું નામ રોશન કર્યું છે. આશાપુરા વિદ્યા સંકુલના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાન ગઢવી, મંત્રી પ્રવિણસિંહ વાઢેર, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહજી જાડેજા, વિજયભાઈ ગઢવી, પ્રશાંતસિંહ વાઢેર, સત્યવ્રતસિંહ જાડેજા, ધ્રુવરાજ ગઢવી અને જયદિપસિંહ જાડેજા તેમજ આશાપુરા વિદ્યા સંકુલના તમામ કર્મચારીગણ અને વિદ્યાર્થીઓએ રશ્મિબેન વ્યાસને અભિનંદન પાઠવ્યા છે. 
-----------

Comments

COMMENT / REPLY FROM