અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બજેટને જિ.પં.માં મંજુરી અર્થે મોકલવા બહાલી
નલિયા : અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ રપ-ર૬ ના સુધારેલા અને આગામી વર્ષ ર૬-ર૭ના બજેટને મંજુર કરી જીલ્લા પંચાયત ખાતે મોકલવા બહાલી આપવામાં આવી હતી.
અબડાસા તા.પં.ની સામાન્ય સભા તા.પં.ના સભાખંડ ખાતે તા.પં.પ્રમુખ મહાવીરસિંહ જે.જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાના સચિવ તરીકે તાલુકા વિકાસ અધિકારી સુનીલભાઈ ચૌધરીએ કામગીરી કરી હતી. સભાની શરૂઆતમાં સૌને આવકાર પંચાયત શાખાના વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢાએ આપી ગત મીટીંગની મીનીટસનું વાંચન કરી ગત સભામાં થયેલા ઠરોવોની અમલવારીની માહીતી આપી હતી. નાયબ હિશાબનીશ કલ્પેશભાઈ પટ્ટણી દ્વારા વર્ષ રપ-ર૬ના સુધારેલા અને આગામી વર્ષ ર૬-ર૭ના અંદાજપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે બહાલી આપી મંજુરી અર્થે જીલ્લા પંચાયત ખાતે મોકલવા મંજુરી અપાઈ હતી.
૧પમા નાંણાપંચ તાલુકા કક્ષાના વ્યાજ તથા બચત રહેલ રકમનું આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી.જેમાં તાલુકાના વિવિધ ગામોમાં થનાર કામોની માહીતી આપી મંજુરી આપવામાં આવી હતી.વિપક્ષી નેતા ડાડાભાઈ જતે તાલુકામાં તલાટીઓની ઘટ તથા બાંધકામ ઓવરસીયરની ખાલી જગ્યાઓ પુરવા કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.જીલ્લા પંચાયત સભ્ય ભાવનાબા જાડેજાએ થયેલ વિકાસ કામોની તકતીઓમાં જે-તે વિસ્તારના ચુંટાયેલા પ્રતિનિધીઓના નામોનો ઉલ્લેખ કરવા સુચન કર્યું હતું જેને સ્વીકારી તા.પં.પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ તાલુકા વિકાસ અધિકારીને તેનો અમલ કરવા અપીલ કરી હતી.
વાયોર તા.પં.સભ્ય મહાવીરસિંહ રમુભા જાડેજાએ વાયોર ગ્રામ પંચાયતમાં અગાઉ દબાણોની રજુઆત કરેલી તેની માહીતી આપી હતી જેમાં નામ જોગ યાદી રજુ કરી હતી છતા કેમ પગલા ભરાયા નથી તેની માહીતી માંગી હતી.ગામે-ગામ ગૌચરમાં દબાણો છે, તલાટી અને સરપંચોને તપાસ કરી પગલા લેવા અપીલ કરી હતી.વાયોરમાં અલ્ટ્રાટેક કંપનીની ગટરનું પાણી ગામ તળાવમાં આવે છે જેના પર પગલા લઈ નિરાકરણ લાવવા તેમણે રજુઆત કરી હતી.જંગડીયા ડેમનું પાણી પીવાલાયક ન હોઈ જે ગામોને તેનું પાણી અપાય છે તેમને મીઠી ડેમનું પાણી આપવા રજુઆત કરી હતી. સભામાં જી.પં.સભ્ય પરષોત્તમ મારવાડા, ભાવનાબા જાડેજા, કારોબારી ચેરમેન જયદેવસીંહ જાડેજા, સા.ન્યાય સમીતી ચેરમેન શીવજી કાનજી મહેશ્વરી તથા તાલુકા પંચાયત સભ્યો સાથે સ્ટાફના મદદનીશ તા.વિ.અ. જીક્ષેશભાઈ કે.પરમાર, નિલેષભાઈ રાવલ, સુરતસિંહ સોઢા, આંકડા મદદનીશ અંકિતકુમાર ઠક્કર સહિત વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
--------------------------

Comments