Trending News
સ્થાનિક સમાચાર

સાચી શ્રદ્ધાથી કરેલું પાર્શ્વ પદ્માવતી પૂજન જીવનને શાંતિમય અને સુખદ બનાવે છે : મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ

24 December



શંખેશ્વર તીર્થે જહાજ મંદિરે સામુહિક અઠ્ઠમ તપના દિવસે પાર્શ્વ પદ્મવતી મહાપૂજન યોજાયું

ભુજ - કચ્છઉદય : શંખેશ્વર તીર્થે જહાજ મંદિરે એન્કારવાલ ધામે સામૂહિક અઠ્ઠમ તપના અત્તરવાયણા યોજાયા હતા, જેમાં મંગલ કામના-મંગલા શીષ પ.પૂ.ગચ્છવરિષ્ઠ ઉપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા, પ.પૂ.ગચ્છપ્રવર્તક પાર્શ્વયશચંદ્રજી મ.સા પાઠવી હતી. મૌનવરિષ્ઠ પ.પૂ. મુનિરાજ પુણ્યરત્ન મહારાજ સાહેબ, પ.પૂ.મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ તથા પ.પૂ.સા.સુનંદિતાશ્રીજી મ.સા આદિ, પ.પૂ.સા. ભયભંજનાશ્રીજી મ.સા આદિની પાવનકારી નિશ્રામાં સામુહિક અઠ્ઠમ તપમાં ૨૦૦ શ્રાવક- શ્રાવિકાઓના જોડાયા છે. બીજા દિવસે પાર્શ્વ પદ્મવતી મહાપૂજન યોજાયું હતું, જેમાં વિધિવિધાન હર્ષભાઈ દેઢિયા મુંબઇ વાળાએ કરાવ્યા હતા અને સંગીતની રમઝટ સૂર સાધક નિશાબેન સંઘવી કચ્છ માંડવી વાળ એ ભાવિકોને પ્રભુ ભક્તિમાં તરબોળ કર્યા હતા. આ અઠ્ઠમ તપનું આયોજન પ.પૂ.સા.સુનંદિતાશ્રીજી મ.સા.ના ગોલ્ડ પ્લસ (૫૫) વર્ષ સંયમપર્યાયના અનુમોદનાર્થે એવં માતૃશ્રી અમૃતબેન મોરારજી ગોગરીના ૯૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે કરવામાં આવશે. 
આ સંપૂર્ણ અઠ્ઠમ તપના દાતા આ.સૌ. મીતાબેન રમેશભાઈ ગોગરી, અ.સૌ. નિરાલી જય રમેશ ગોગરી, ગામ-નાના ભાડીયા, હાલે-માટુંગા, મુંબઇ, આશોપાલવ ગ્રુપ વાળા પરિવારે ઉદારદિલે લાભ લીધો હતો. આ અઠ્ઠમ તપની આરાધના શંખેશ્વર પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટના નેજા હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યભરમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પૂજય મુનિરાજી નયશેખર મહારાજ સાહેબે પાર્શ્વ પદ્માવતી પૂજનનું મહાત્મ્ય સમજાવતા કહેલ કે, જૈન ધર્મમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં માતા પદ્માવતી દેવીનું વિશેષ સ્થાન છે. તેઓ પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી તરીકે ઓળખાય છે. પદ્માવતી માતાજી કરુણા, શક્તિ અને ભક્તિનું જીવંત સ્વરૂપ છે. ભક્તો દ્વારા કરવામાં આવતું પાર્શ્વ પદ્માવતી પૂજન આત્મશુદ્ધિ, શાંતિ અને સંકટ નિવારણ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. પદ્માવતી માતાજી કમળ પર બિરાજમાન, ચતુર્ભુજ સ્વરૂપે દર્શાય છે. તેમના હાથોમાં પાશ, અંકુશ, કમળ અને ફળ ધારણ કરેલ હોય છે, જે સંયમ, નિયંત્રણ, શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. પૂજન દરમિયાન માતાજીની પ્રતિમા સમક્ષ પક્ષાલ, ચંદન, દીપ, ધૂપ, ફૂલ, અક્ષત અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. પાર્શ્વ પદ્માવતી પૂજન ભક્તના મનમાં સ્થિરતા લાવે છે અને જીવનમાં આવતા વિઘ્નો દૂર કરવામાં સહાયક બને છે. ખાસ કરીને ભય, રોગ, શત્રુબાધા અને માનસિક અશાંતિમાંથી મુક્તિ માટે આ પૂજન શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પૂજન દ્વારા ભક્ત પદ્માવતી માતાજીની કૃપા પ્રાપ્ત કરીને ધર્મમાર્ગે આગળ વધે છે. સાચી શ્રદ્ધા અને સમર્પણ સાથે કરેલું પાર્શ્વ પદ્માવતી પૂજન આત્મિક બળ વધારી જીવનને શાંતિમય અને સુખદ બનાવે છે.
------

Comments

COMMENT / REPLY FROM