Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ખાતરના કાળાબજારિયા બેફામ : ખેડૂતો લાચાર 

24 December

કચ્છમાં સહકારી મારખું નબળું પડી ગયો ત્યારે...




રવિપાકની સીઝન ટાંકણે રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત : ખેડૂતો ડીએપી - યુરિયા માટે મારી રહ્યા છે વલખા : ખેડૂતોના હિસ્સાનું ખાતર બારોબાર વેચી દેતા તત્ત્વો સામે તંત્ર કયારે કરશે લાલઆંખ ? 



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં રવિપાકના વાવેતરની સીઝન પુરબહારમાં ખીલી ઉઠી છે. નવેમ્બર માસથી જિલ્લામાં ઠંડીનો દોર શરૂ થતાં જ ખેડૂતોએ ખેતરની વાટ પકડી હતી. જિલ્લામાં જીરૂં, ઘઉં, રાયડો, ઘાસચારો સહિતના રવિપાકનું મબલખ વાવેતર થયું છે, ત્યારે હવે ધરતીપુત્રો રાસાયણિક ખાતરની ઉભી થયેલી કૃત્રિમ અછતથી મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ કચ્છમાં સહકારી માળખું નબળું પડી ગયો ત્યારે આ પરિસ્થિતીમાં કેવી રીતે બહાર નિકળું તે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે. 
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત ચોમાસાની સીઝનમાં વ્યાપક વરસાદ બાદ દિવાળીના અરસામાં થયેલો કમોસમી વરસાદથી કચ્છના ખેડૂતોને ખરીફ પાકમાં મોટી નુકશાની વેઠવી પડી હતી, તો બીજીતરફ રવિપાક માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતાને ધ્યાને લઈ કચ્છના ખેડૂતોએ મોંઘા બિયારણો ખરીદી રવિપાકનું વાવેતર કર્યું છે. હાલ પાક માટે ડીએપી અને યુરિયાની ખેડૂતોને તાતી જરૂર પડી રહી છે, ત્યારે ખાતરની કૃત્રિમ અછત ઉભી થઈ છે. ખેડૂતો ખાતર ડેપોમાં લાંબી કતારોમાં  ઉભેલા જોવા મળી રહ્યા છે. દિવસો સુધી રઝડપાટ કર્યા પછી પણ ધરતીપુત્રોને પુરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. કચ્છથી માંડી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યા છે, જો કે, ગુજરાતનો 
કૃષિ વિભાગ દાવો કરે છે કે, ખેડૂતો માટે ખાતર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અને ખાતરની કોઈ તંગી નથી પરંતુ વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે.
જાણકારો કહે છે કે, કચ્છ સહિત રાજ્યમાં ખેડૂતો માટેનું ખાતર કાળાબજારમાં ઉદ્યોગોને વેચી દેવામાં આવે છે. સક્રિય થઈ ગયેલા કાળાબજારિયા તત્ત્વો ખેડૂતોના ભાગનું ખાતર બારોબાર ઉંચા ભાવે વેચી દેતા હોય છે. રાજ્ય કૃષિ વિભાગે ખાતરના કાળાબજાર કરતા તત્ત્વો સામે કડકાઈ દાખવી છે, પરંતુ તે અપુરતી હોવાથી હજુય ખાતરના કાળાબજાર થઈ રહ્યા હોવાનું જાણકારો વધુમાં જણાવે છે. કચ્છના ખેડૂતોની વ્યથા સમજી ખાતરની કાળાબજારી કરતા તત્ત્વો સામે તંત્ર સપાટો બોલાવે તે ઈચ્છનીય છે. 

.............

કાળાબજારિયા અને બનાવટખોરો સામે કાર્યવાહી 

રાજ્ય કૃષિ વિભાગ સુધી ખાતરની કાળાબજારીની વ્યાપક ફરિયાદો પહોંચ્યા બાદ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં એપ્રિલથી નવેમ્બર મહિના સુધી ખાતરનું બારોબાર વેચાણ કરતા ૩૩ ખાતર વિક્રેતાઓને શો-કોઝ નોટીસ અપાઈ હતી, જયારે ૩ વિક્રેતાના લાઈસન્સ રદ્દ કરાયા હતા. ૧ વિક્રેતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જયારે નકલી કે, હલકી ગુણવતાનું ખાતર વેચતા ૮૩ વિક્રેતાઓને શો-કોઝ નોટીસ આપી બે વિક્રતાના લાઈસન્સ રદ્દ કરાયા છે. તંત્ર દ્વારા કામગીરી વધુ સઘન બનાવી ખેડૂતોને છેતરતા તત્વો સામે ધાક બેસાડતા પગલાં લેવાય તેવી લાગણી પ્રવર્તી રહી છે. 

Comments

COMMENT / REPLY FROM