Trending News
સ્થાનિક સમાચાર

વાગડથી અબડાસા સુધી ખેતરો, વાડીઓ અને પવનચક્કીઓમાં લાખોના કેબલ ચોરી, ખેડૂતને કુદરત બાદ ચોરોનો પણ ડબલ માર

24 December

કચ્છમાં કેબલ ચોરોનો તરખાટ : ખાખી કેમ નાકામ?



વાગડ-અબડાસા સહિતમાં પવનચક્કીઓમાંથી કીમંતી વાયરોની ધુમ થાય છે ચોરી તો અંજાર-રતનાલ-ભુજ-નખત્રાણા સહિતના વિસ્તારોમાં વાડીઓ-ખેતરોમાંથી કિંમતી કેબલો ચોરનારીગેંગ છે બિનધાસ્ત : ખાખીના જવાબદારો અજાણ હોય તે બની શકે ખરૂ?


કચ્છ : કચ્છ ખેતીપ્રધાન વિસ્તાર તરીકે ઓળખાય છે. આજેય અહીં મોટી સંખ્યામાં ખેડૂત પરંપરાગત અને આધુનિક બંને રીતે ખેતી કરી રહ્યા છે. વાગડથી લઈને અબડાસા સુધી કૃષિ પ્રવૃત્તિ સતત સક્રિય છે. એક તરફ માવઠા, અતિવૃષ્ટિ અને અન્ય કુદરતી આફતોના મારથી ખેડૂત પહેલેથી જ પીડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમની મિલકત અને સાધનોનું રક્ષણ કરવામાં સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર નિષ્ફળ જાય છે તેમ જણાઈ રહ્યું છે. 
પરિણામે કચ્છના ખેડૂતોએ જાણે કે બેવડો માર સહન કરવો પડી રહ્યો હોવાની લાગણી વ્યાપક બની રહી છે. લાખોના કેબલ ચોરીના રોજબરોજના બનાવો મોટા ઉપાડે સામે આવવા પામી રહ્યા છે. છુટી છવાઈ ફરીયાદો થતા કામગીરી સમ ખાવા પુરતી થઈ રહી છે હકીકતમાં કેબલ ચોર કરનારી આયોજનબદ્ધ સુનિયોજીત ટોળકી જસક્રીય બનેલી હોય તેવો વર્તારો બની રહેલી ઘટના પરથી જોવામા આવી રહ્યો છે. કચ્છ જિલ્લામાં વાગડથી અબડાસા સુધી ફેલાયેલા ખેતી ખેતરો, વાડીઓ, તેમજ 
પવનચક્કી જેવી જગ્યાઓ પરથી કેબલ અને વાયરો ચોરનારી ટોળકી બેફામ બની ગઈ છે. રોજ સવાર 
પડે ત્યારે ક્યાંક ખેતરમાંથી, ક્યાંક વાડીઓમાંથી તો ક્યાંક પવનચક્કીઓમાંથી લાખો રૂપિયાના કિંમતી કેબલ કાપી લઈ જવામાં આવ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આવી ચોરીઓ હવે 
અપવાદ નહીં, પરંતુ નિયમ બની ગઈ હોય તેમ સ્થિતિ સર્જાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે વાગડથી અબડાસા સુધી કેબલ ચોરીના ગોઠવાયેલા કાવતરાને ડામવા માટે હજી સુધી કોઈ જવાબદાર અધિકારીનો મજબૂત અવાજ સાંભળવા મળ્યો નથી. ન તો કોઈ અસરકારક દરોડા, ન તો સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારો સામે કાર્યવાહી જોવા મળી છે. પરિણામે કચ્છમાં કેબલ ચોરો નિર્ભય બની ગયા છે અને ખેડૂત તથા ઉદ્યોગોને સતત નુકસાન થઈ રહ્યું છે.


.................

ચોરી બાદ કાર્યવાહી, પરંતુ સિન્ડિકેટ યથાવત

ગાંધીધામ : પોલીસ તંત્ર ચોરી થઈ જાય ત્યારબાદ નાના-મોટા ગુનાઓ નોંધવામાં મર્યાદિત રહે છે, પરંતુ કચ્છ આખામાં ફેલાયેલી કેબલ ચોર ટોળકી અને આ ગોઠવાયેલા સિન્ડિકેટને તોડવા માટે કોઈ ગંભીર અને અસરકારક કાર્યવાહી કેમ જોવા મળતી નથી તેવો મોટો સવાલ ઊભો થયો છે. લાખો રૂપિયાના કેબલ ક્યાં વેચાઈ રહ્યા છે? આ કેબલો કોણ ખરીદી રહ્યું છે? ત્યાં સુધીની તપાસ એક પણ કેસમાં કેમ આગળ વધતી નથી તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.


.....................

સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલ

ગાંધીધામ : મોટા પ્રમાણમાં કેબલ ચોરી થાય, વાહનોનો ધમધમાટ રહે, મોટા ટોળા સક્રિય રહે અને છતાં સ્થાનિક 
પોલીસને ખબર ન પડે - આ વાત જનતાને માન્ય નથી. અથવા તો પોલીસને જાણ હોવા છતાં આંખ મીંચી લેવામાં આવી રહી છે? આ બંને સ્થિતિ ચિંતાજનક છે અને ખાખીની ભૂમિકા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

................

જિલ્લા સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવવાની માંગ

ગાંધીધામ : આ ગંભીર મુદ્દો જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવવો જરૂરી બન્યો છે. બેઠકમાં હાજર અધિકારીઓના કાન ઊંચા થાય અને જવાબદારી નક્કી થાય તેવી માગ ઉઠી રહી છે. કચ્છી પ્રજાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહેલી કેબલ ચોરી સામે કડક કાર્યવાહી થાય અને પીડિતોને ન્યાય મળે તે માટે સશક્ત અવાજ ઉઠાવવો સમયની માંગ બની છે.

Comments

COMMENT / REPLY FROM