કચ્છ યુનિ. ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ વોલસીટી દ્વારા “થેલેસેમિયા જાગૃતિ’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું
ભુજ - કચ્છઉદય : રોટરી ક્લબ ઓફ ભુજ વોલસીટી, કચ્છ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ ભવન અને ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ વોલસીટીના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે ‘થેલેસેમિયા અવેરનેસ સ્પીચ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ બહોળી સંખ્યામાં ઉપસ્થિત કોમ્પ્યુટર વિભાગના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ લીધો હતો. રોટરી ક્લબ ઓફ ભુજ વોલસીટી દ્વારા થેલેસેમિયા મુક્ત કચ્છની સંકલ્પના સાથે કુલપતિ ડો.મોહન પટેલ અને કુલસચિવ ડો. અનિલ ગોરના માર્ગદર્શનમાં આ આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીત દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત નિષ્ણાત જાણીતા ઓર્થોપેડિક સર્જન અને રોટરી વોલસીટીના ડૉ. અભિનવ કોટક દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમિયા જેવી ગંભીર બીમારી વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લગ્ન પૂર્વે બ્લડ ટેસ્ટ અને સામાજિક જાગૃતિ દ્વારા જ આવનારી પેઢીને આ બીમારીથી મુક્ત કરી શકાય છે. કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અનીલ ગોર અને કોમ્પ્યુટર ભવનના વડા ડૉ. મહેશ મુલાણીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કુલસચિવ દ્વારા કેમ્પસ પર થેલેસેમિયા ટેસ્ટીંગનું આયોજન કરવાની પણ નેમ વ્યક્ત કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ હર્ષદ ભીડે અને ઇન્નરવ્હીલ ક્લબના પ્રમુખ ઉર્વી સોનીએ સંસ્થા દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન થેલેસેમિયાના ડિસ્ટ્રિક્ટ વાઈસ ચેરમેન પ્રીતેશ ઠક્કરે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ચાલતા ગેઈમ્સ અને રોટરી વોલસીટી દ્વારા ચાલતા થેલેસેમિયા સેન્ટર વિશે ઉપયોગી માહિતી આપી હતી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે મંત્રી દર્શન ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન રો. હિતેન્દ્ર મકવાણાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન યુનિવર્સીટીના સીસ્ટમ એન્જીનીયર અને પ્રોજેક્ટ ચેરમેન ડો. અમર મહેતાએ કર્યું હતું. આ અવેરનેસ કાર્યક્રમ માં જયંતભાઈ ઠક્કર, દતુભાઈ ત્રિવેદી, સુબોધ ઠક્કર, નરેન્દ્ર વાનપરિયા, જયેશ કોઠારી, ડાલી ઠક્કર, મનીસ દાસોટીયા, જય જોશી, પાર્થ ઠક્કર, દ્રષ્ટી ગોસ્વામી, રીટા મારવાડા, સીમરન શર્મા વગેરે સભ્યો તથા ટીચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ રોટરી વોલસીટીના મંત્રી દર્શન ઠક્કરે કરી હતી. અંતમાં પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓના થેલેસેમિયા અંગેના પ્રશ્નોના જવાબો વક્તા દ્વારા આપી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
----

Comments