Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા ટાસ્ક ફોર્સનો ખનીજ ચોરી પર સપાટો 

23 December




ભુજ - ભચાઉ હાઇવે પર નાડાપા નજીકથી સિલિકા સેન્ડ અને ચાઈના ક્લે ભરેલ ચાર ટ્રક પકડાઈ 

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા માટે કલેકટર દ્વારા રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ અને ભુજ લોકલ ક્રાઈમ બ્રાંચે સંયુક્ત રીતે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ૨૩ ડિસેમ્બરના રોજ ભુજ-ભચાઉ હાઈવે પર નાડાપા ગામના ફાટક પાસેથી પસાર થતી ખનિજનું ગેરકાયદેસર વહન કરતી કુલ ચાર ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ટ્રક નંબર જીજે ૧૨ એઝેડ ૩૮૫૯અને જીજે ૦૧ ડીવાય ૩૬૭૩માંથી રોયલ્ટી પાસ વગરની આશરે ૪૦ મેટ્રિક ટન સિલિકા સેન્ડ મળી આવી હતી. તપાસ દરમિયાન આ ટ્રકોના ડ્રાઈવર પપ્પુ રમેશ કોલી અને જુસબ ગગડા હોવાનું તેમજ ગાડીના માલિક મામદ હુશેન રમજાન જત અને ત્રીકમ ગોપાલ કેરાસીયા હોવાનું ખુલ્યું હતું. તંત્ર દ્વારા અંદાજે ૨૪ લાખની કિંમતના મુદ્દામાલ સાથે સિલિકા સેન્ડ ભરેલી આ બંને ટ્રકો કબજે કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
આ ઉપરાંત તે જ સ્થળેથી ચાઈના ક્લે ભરેલી અન્ય બે ટ્રકો પણ ઝડપાઈ હતી. ટ્રક નંબર જીજે ૦૩ એઝેડ ૪૬૨૩  અને જીજે ૦૧ કેટી ૪૬૬૨માં અંદાજે ૬ મેટ્રિક ટન જેટલો ચાઈના ક્લેનો ઓવરલોડ જથ્થો ભરેલો હતો. આ ટ્રકોના ડ્રાઈવર ભરત કાગી અને પાંચા ભીમા કોલીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ વાહનો સચીન વાણીયા અને મોહન ગાગલની માલિકીના છે. ઓવરલોડ માલ ભરેલી આ બંને ટ્રકો પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. 
--------- 

Comments

COMMENT / REPLY FROM