Trending News
સ્થાનિક સમાચાર

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ’એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્‌સ ફોર ઓલ’  દિવસની ઉજવણી

23 December




મુંબઈ : રિલાયન્સ ફાઉન્ડેશનના વાર્ષિક ’એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્‌સ ફોર ઓલ’ કાર્યક્રમ અંતર્ગત મુંબઈના ૬૮૦થી વધુ બાળકો માટે હેમલીઝ વન્ડરલેન્ડ ખાતે મનોરંજન અને શિક્ષણથી સભર એક વિશેષ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઈશા અંબાણીએ વ્યક્તિગત રીતે હાજર રહીને બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આનંદદાયક શિક્ષણ તથા રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન માને છે કે જ્યારે બાળકોને આનંદદાયક અનુભવો મળે છે, ત્યારે તેઓ મોટા સપના જોવાની પ્રેરણા મેળવે છે, તેમનામાં ચારિત્ર્યનું ઘડતર થાય છે અને તેમની ક્ષમતાઓનો વિકાસ થાય છે. છેલ્લા ૧૫ વર્ષથી પણ વધુ સમયથી રિલાયન્સ ફાઉન્ડેશન વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકો માટે આ પ્રકારના ઉત્સવોનું આયોજન કરી રહ્યું છે.
જિયો વર્લ્ડ ગાર્ડન ખાતે યોજાયેલા હેમલીઝ વન્ડરલેન્ડ કાર્નિવલમાં સરકારી અને સરકારી અનુદાનિત શાળાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહાય મેળવતા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ અહીં ડાયનો વર્લ્ડ, એલિવેટર ટુ ધ નોર્થ પોલ, જાયન્ટ ફેરિસ વ્હીલ, કેરોયુઝલ અને બમ્પર કાર જેવી આકર્ષક સવારીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ વર્ષના કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ’લાઈટ એટેલિયર’ પ્રદર્શન હતું, જે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર અને કતારના ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ’દાદુ’ના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ૪ થી ૧૨ વર્ષની વયના બાળકો માટે તૈયાર કરવામાં આવેલા આ પ્રદર્શનમાં બાળકોએ પ્રકાશ, પડછાયા અને રંગોની જાદુઈ દુનિયાને પ્રાયોગિક રીતે નિહાળી હતી.
રિલાયન્સ ફાઉન્ડેશનનો આ ઈજીછ કાર્યક્રમ તમામ પૃષ્ઠભૂમિના બાળકો માટે શૈક્ષણિક તકો સુલભ બનાવવાના ઉમદા હેતુ સાથે કાર્યરત છે, જે રિલાયન્સની ’વી કેર’ ફિલોસોફી પર આધારિત છે. શ્રીમતી નીતા એમ. અંબાણીના નેતૃત્વ હેઠળ કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં ભારતભરના ૯૧,૫૦૦ થી વધુ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં ૮.૮ કરોડથી વધુ લોકોના જીવનને સ્પર્શ્યું છે. ડિસેમ્બર મહિનામાં યોજાતી આ વિશેષ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની કલ્પનાશક્તિ અને આકાંક્ષાઓને બળ પૂરું પાડવાનો તથા આનંદ અને દાનની ભાવનાને ઉજવવાનો છે.

-------- 

Comments

COMMENT / REPLY FROM