Trending News
સ્થાનિક સમાચાર

વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાને મળ્યો રાજ્યસ્તરનો વિશેષ એવોર્ડ

23 December


અડાલજમાં ટુરીઝમ એવોર્ડ્‌સનો કાર્યક્રમ યોજાયો : મુખ્યમંત્રીના હસ્તે ધોળાવીરાના સરપંચનું અભિવાદન

ભુજ - કચ્છઉદય : અમદાવાદના અડાલજમાં ટુરીઝમ એવોર્ડ્‌સ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં વિશ્વ હેરિટેજ સાઇટ ધોળાવીરા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ધોળાવીરાને રાજ્યસ્તરે વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત થયો. ધોળાવીરાના સરપંચ જિલુભા સોઢાએ ખૂબ જ ગૌરવ સાથે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. પ્રવાસન સ્થળોની જાળવણી અને હેરિટેજ સાઇટના સંરક્ષણમાં સ્થાનિક લોકોના સહકાર બદલ સરપંચનું ખાસ અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ તકે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે, ધોળાવીરા પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિનું નગર છે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. આ નગર આશરે પાંચ હજાર વર્ષ જૂની સિંધુ ખીણની સભ્યતાનું ભારતનું એક અત્યંત મહત્વનું કેન્દ્ર છે. સિંધુ સંસ્કૃતિના અન્ય નગરોની સરખામણીએ ધોળાવીરામાં મકાનો અને મજબૂત કિલ્લેબંધીમાં પથ્થરોનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. અહીં એક વિશાળ સ્ટેડિયમ જેવું ખુલ્લું મેદાન પણ મળી આવ્યું છે જેનો ઉપયોગ પ્રાચીન સમયમાં જાહેર ઉત્સવો કે રમતગમત માટે થતો હશે. પ્રાચીન સમયમાં ધોળાવીરા મણકા બનાવવાના ઉદ્યોગ અને વિદેશી વેપાર માટેનું એક ખૂબ જ વ્યસ્ત અને સમૃદ્ધ મથક હતું. આ ઐતિહાસિક સ્થળ ભારતની પ્રાચીન સભ્યતા, ઉચ્ચ કક્ષાનું એન્જિનિયરિંગ કૌશલ્ય અને ગૌરવશાળી વારસાનું જીવંત પ્રતીક છે.
--------------- 

Comments

COMMENT / REPLY FROM