Trending News
સ્થાનિક સમાચાર

જીપીએસ સિસ્ટમના કડક નિયમોમાંથી મુક્તિ : રોયલ્ટી પાસ અટકાવવાનો નિર્ણય મુલતવી

23 December


કચ્છના ખનીજ સંગઠનોની એકતાનો વિજય




નેટવર્કની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી નવી સિસ્ટમ લાગુ નહીં થાય : ખાણ ખનીજ કમિશનર સાથેની બેઠક બાદ ચાઈના ક્લે અને બેન્ટોનાઈટ ઉદ્યોગની કામગીરી રાબેતા મુજબ શરૂ



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના વિવિધ ખનીજ સંગઠનો અને વાહન માલિકો દ્વારા જીપીએસ સિસ્ટમ મામલે કરવામાં આવેલી રજૂઆતો અને વિરોધ પ્રદર્શનોનો સુખદ અંત આવ્યો છે. ગાંધીનગર ખાતે ખાણ-ખનીજ વિભાગના કમિશનર સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં તંત્રએ નમતું જોખ્યું છે અને જીપીએસ સિસ્ટમના અમલીકરણમાં મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. કમિશનર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, જ્યાં સુધી અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી ૮૦ ટકા જીપીએસની નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે નહીં. આ સાથે જ અત્યાર સુધી જીપીએસ કનેક્ટ ન હોવાને કારણે જે રોયલ્ટી પાસ અટકાવી દેવામાં આવતા હતા, તે નિયમ પણ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે પૂરતા નેટવર્ક વગર જીપીએસ સિસ્ટમ ફરજિયાત બનાવવી એ વ્યવહારુ નથી. આ નિર્ણયને પગલે છેલ્લા કેટલાક સમયથી ચાઈના ક્લે અને બેન્ટોનાઈટ ઉદ્યોગમાં સર્જાયેલી મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે અને તમામ કામગીરી રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. ઓલ કચ્છ બેન્ટોનાઈટ મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ વિપુલ ભાનુશાલીએ આ સફળતાને સંગઠિત શક્તિનો વિજય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે લીઝ ધારકો, પ્લાન્ટ ધારકો અને ગાડી માલિકોની એકતાને કારણે જ ગાંધીનગર સુધી આપણી માંગણીઓ પહોંચી શકી છે. એસોસિએશને આ લડતમાં સહભાગી થનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરતા આગામી સમયમાં પણ ઉદ્યોગના હિતમાં આ રીતે જ સંગઠિત રહેવા અપીલ કરી છે.
----------- 

Comments

COMMENT / REPLY FROM