ભચાઉમાં ૭૦ કરોડ ની સરકારી જમીન બારોબાર ખાનગી બની : મહેસૂલ તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચારનું જીવતું ઉદાહરણ
૨૩ વર્ષ જૂના શંકાસ્પદ હુકમથી ૫૮ હેક્ટર ડૂબની જમીન પર લૂંટ, કલેક્ટર આનંદ પટેલની કડક કાર્યવાહીના આદેશ બાદ મચી છે બરાબરની દોડધામ
ભુજ - કચ્છઉદય : ધરતીકંપ બાદ કચ્છ જિલ્લામાં જમીનના ભાવમાં આવેલા અસાધારણ ઉછાળાની સાથે મહેસૂલ તંત્રમાં ચાલતી ગેરરીતિઓ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. તાલુકા કક્ષાએ સરકારી જમીનો ખાનગી હિતમાં ફેરવવાના કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. આવો જ એક મહાકૌભાંડ સમાન કિસ્સો ભચાઉ તાલુકામાં સામે આવ્યો છે, જ્યાં અંદાજે રૂા. ૭૦ કરોડની કિંમતી સરકારી ડૂબની જમીન બારોબાર ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી દેવાઈ હતી. મામલો બહાર આવતાં કચ્છના કલેક્ટર આનંદ પટેલએ દૃઢ વલણ અપનાવી ૫૮ હેક્ટર જમીન સરકાર દાખલ કરવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.
પ્રકરણની શરૂઆત વર્ષ ૨૦૦૨થી થાય છે. તે સમયના ભચાઉ મામલતદાર તરીકે એમ.બી. ઓઝાત ફરજ બજાવતા હતા. ભચાઉ તાલુકાના ખારોડા ગામની ડૂબમાં ગયેલી ટ્રાવર્સ જમીનો અંગે કેટલાક અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે ૧૯૬૦થી ૧૯૭૦ના જૂના રેકર્ડમાં રહેલા કેટલાક સર્વે નંબરો પ્રમોલગેશન દરમિયાન રહી ગયા છે. અરજીના આધારે સર્વે નં. ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૨૯, ૧૨૨, ૧૪૨, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૪ અને ૧૫૫ સહિતની જમીનોને લગતી કાર્યવાહી કરવામાં આવી. આશ્ચર્યજનક બાબત એ છે કે ડૂબની સરકારી જમીન ફાળવવાનો મામલતદારને કોઈ અધિકાર ન હોવા છતાં, ૧૦૧ ટ્રાવર્સ પૈકીની જમીન નક્કી કરી ૩૫ અરજદારોના નામે સીધી ૭/૧૨ એન્ટ્રી કરી દેવાઈ હતી. હકીકતમાં આ તમામ જમીનો સરકારી માલિકીની અને ડૂબની હતી. છતાં પણ હુકમ કરવામાં આવ્યો અને પછી તેની અમલવારી માટે પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ભચાઉ તાલુકાના પ્રભાવશાળી અને મોટા માથાંઓ સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે અગાઉ પણ આવા કૌભાંડોમાં ચર્ચાસ્પદ રહ્યા છે. ૨૦૦૨ના હુકમના આધારે એપ્રિલ-૨૦૨૫માં, વર્તમાન પ્રાંત અધિકારી જે. આર. ગોહિલ દ્વારા આ હુકમની અમલવારી કરી દેવાઈ અને સમગ્ર જમીન ૩૫ વ્યક્તિઓના નામે વ્યક્તિગત ખેતીની જમીન તરીકે દાખલ થઈ ગઈ હતી. ચોંકાવનારી હકીકત એ છે કે મામલતદાર કચેરીમાં ૨૦૦૨ના મૂળ હુકમના કોઈ અસલ દસ્તાવેજો મળ્યા નથી. જ્યારે ગ્રામ પંચાયત સ્તરે તલાટી પાસે તે હુકમના આધાર પર કાગળો મળી આવ્યા. આ શંકાસ્પદ દસ્તાવેજોના આધારે ૨૩ વર્ષ જૂના હુકમને જીવંત કરી જમીન ખાનગી કરી દેવાઈ.૭/૧૨માં નામ દાખલ થયા બાદ માત્ર સાત મહિનાની અંદર જ આ કિંમતી જમીનો વેચી નાખવામાં આવી અને મોટા માથાંઓના નામે દસ્તાવેજો પણ થઈ ગયા હતા. આ સમગ્ર પ્રક્રિયા સરકારને કરોડોનું નુકસાન પહોંચાડનારી હતી અને જો સમયસર ધ્યાન ન ગયું હોત તો સરકારી તિજોરીને અપૂરવ નુકસાન થઈ શકતું. આ સમગ્ર બાબત કચ્છના કલેક્ટર આનંદ પટેલના ધ્યાને આવી, ત્યારે તેમણે તાત્કાલિક તપાસ શરૂ કરી. મામલતદારને ડૂબની ટ્રાવર્સ જમીનના સર્વે નંબર બદલવાનો અધિકાર નથી, તો આવા હુકમો કેવી રીતે થયા, તે મુદ્દે તેમણે ઝીણવટભરી તપાસ કરવા જણાવ્યું હતું. ૨૦૦૨નો હુકમ શંકાસ્પદ જણાતાં અને ૨૩ વર્ષ બાદ તેની અમલવારી થવાથી કલેક્ટરે સુઓમોટો રિવિઝન અરજી દાખલ કરવાનો આદેશ આપ્યો. તમામ દસ્તાવેજો અને પ્રક્રિયાની તપાસ બાદ તેમણે
પૂર્વના તમામ હુકમો રદ કરી ૫૮ હેક્ટર જમીન સરકાર દાખલ કરવાનો કડક અને ધાક બેસાડતો આદેશ કર્યો હતો. કલેક્ટર આનંદ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ કિસ્સામાં ખોટું થયું છે. સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. જે કોઈ જવાબદાર હશે તેની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે. ૨૦૦૨માં સરકારી જમીન ખાનગી બની અને ૨૦૨૫માં શંકાસ્પદ રીતે તેની અમલવારી કરાઈ ત્યારે હવે સવાલ ઊભો થયો છે કે મામલતદાર, તલાટી કે પ્રાંત અધિકારી, ખરેખર જવાબદારી કોની હતી ?
.............
એસીબીના પિયુષ પટેલ વાગડના ગુનાહિત ભુગોળથી છે
બરાબરના વાફેક : ભોગગ્રસ્ત વર્ગને મોટો આશાવાદ
વાગડના બહાર વસતા જૈન-પાટીદાર-પટેલ સમાજ સહિતના નીદોર્ષ જમીન કૌભાંડના ભોગગ્રસ્ત વેપારીઓને ન્યાય મળે તેવી ધાક બેસાડતી કાર્યવાહી કરવી જરૂરી : જેમની જમીનો-મિલ્કતો ખેાટી રીતે ચાંઉ કરાય છે તેઓ મોટા ભાગના વાગડથી બહાર વસતા હોય છે, વેપારી વર્ગ હોય છે, જેઓ લડાઈ-કાયદા-કાનુનમાં પડતા નથી, આવા સીધા વેપારીઓમાં ખાસ કરીને જૈન સમાજ-પાટીદાર-પટેલ વર્ગ મુંબઈમાં કરે છે વસવાટ : તેમની અજાણતાથી જમીનો હડપ થઈ જાય તો આવો વર્ગ જાયે તો જાયે કહાની સ્થીતીમાં આવી જાય છે?
ભચાઉ-વાગડ પટ્ટામાં જ બહાર વસ્તા નીદોર્ષ લોકોની જમીન-સંપત્તીઓ આડેધડ લોકલ અમુક ઝભ્ભાલેંગાવાળા-ભ્રષ્ટ અધિકારીઓમાં તલાટી, સર્કલ ઓફીસર, મામલતદાર, પ્રાંત અધિકારી સુધીનાઓને સાચવી લઈઅને આડેધડ દસ્તાવેજો બનાવતા હોવાના બન્યા છે કિસ્સાઓ : વાગડ-ભચાઉ પટ્ટામાં જ આવા કિસ્સાઓ કેમ વધી રહ્યા છે? : ધોળાવીરા કેસમાં પિયુષ પટેલ સાહેબ કે જેઓ એએસપી તરીકે વાગડમાં ભલભલા ચમરબંધીઓને ધોક્કાવાીળ કરી અને સીધા દોર કરવાની છધી ધરાવી રહ્યા છે, તેઓ વાગડની ગુનાહીત આલમથી બરાબરના ચિત-પરિચિત હોવાથી આ કેસમાં વર્તમાન સમયે એસીબી નિયામક પદે શ્રી પટેલ હોવાથી દુધનું દુધ અને પાણીનું પાણી થવાની છે શકયતાઓ
ગાંધીધામ : વાગડ સૌથી આગળનું સુત્ર સતત ચર્ચામાં રહે છે. જાણે કે, હવે વાગડના રહેવાસીઓ કે જેઓ રાપર-ભચાઉ પટ્ટાથી બહાર મુંબઈ જેવા ક્ષેત્રોમાં વસવાટ કરે છે તેઓની અજાણતાથી અહી તેમની સંપત્તી, જમીનોના આડેધડ બોગસ દસ્તાવેજો બની જવા અને તે બારોબાર કરોડોની કિમંતી જમીનોના વેચસાટ પણ થઈ જવાની ઘટનાઓ બની રહી છે. ભચાઉ આસપાસના જ વિસ્તારોમાં આવા લોકોની પ્રોપર્ટીના બોગસ દસ્તાવેજો અને પાવરનામા બનાવી અને વેચસાટ કરી દીધો હોવાની ફરીયાદો પણ પોલીસ ચોપડે ચડવા પામી જ રહી છે. શિવલખા, સામખીયાળી, છાડવરા સહિતના પટ્ટામાં આવી ફરીયાદો થઈ ચૂકી છે. અને તેની તપાસ ચાલી જ રહી છે તે વચ્ચે જ ધોળાવીરાના ખારોડ ગામની પણ આવી જ કીમંતી ૧૦૦ એકરથી વધુની જમીનમાં પણ હાલમાં જ કચ્છ કલેકટરશ્રીએ ધાક બેસાડતો આદેશ આપી આ જમીન શ્રી સરકાર કરવાનો આદેશ આપી દીધો છે. એટલુ માત્ર જ નહી પરંતુ હવે આ કેસમાં રાજયના એસીબી વિભાગના વડા અને કચ્છની સાથે એએસપી સમયનો ફરજકાળથી બે દાયકા જુનો નાતો ધરાવનારા અધિકારી શ્રી પિયુષ પટેલ પણ એકશનમાં આવી ગયા છે. તેઓને મળેલી ફરીયાદ બાદ આ કેસની તપાસ તેઓએ ગાંધીધામ એસીબી એકમને આપી દીધી છે. અને ગાધીધામ એકમ પણ તપાસ હાથ ધરી રહ્યો છે. આવા સમયે જાણકારો કહે છે કે, હવે પીયુષ પટેલ સાહેબના સીધા નેતૃત્વ હેઠળ તપાસ ચાલી રહી છે એટલે વાગડમા ભોગગ્રસ્તોને ચોકકસથી ન્યાય મળશે જ મળશે. કારણ કે, તેઓ જયારે એસએસપી હતા તે વખતે ભચાઉમાં તેમને પોસ્ટીંગ અપાયુ ત્યારે તેઓએ કાયદાનો ધોક્કો બરાબરનો પછાડી અને ભલભલા ચમરબંધી ગુનેગારોને સીધા દોર કરી દીધા હતા. કહી શકાય કે શ્રી પિયુષ પટેલ વાગડના ભુગોળથી બરાબરના વાકેફ છે, એટલે જ ધોળાવીરાના ખારોડ ગામની જે તપાસ ચાલી રહી છે તેમાં પણ જે કોઈ ભ્રષ્ટાચારીઓ હશે તેમના સુધી ચોકકસથી રેલો તપાસનો લંબાશે.

Comments