Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ધમધમતી બોગસ દવાની દુકાનો પર લાગશે લગામ

23 December

સર્ટિફિકેટ ભાડે આપતા ફાર્માસિસ્ટોની હવે ખેર નથી!



ગુજરાત ફાર્મસી કાઉન્સિલનો કડક આદેશ : ફાર્માસિસ્ટ પોતાના લાયસન્સ અન્યને ઉપયોગ માટે આપી શકશે નહીં : ગેરરીતિ આચરનારના ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન રદ્‌ કરવાની સજાની પણ જોગવાઈ : ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ કરાશે


ભુજ-કચ્છઉદય : તમારા મેડિકલ સ્ટોર પર જે ફાર્માસિસ્ટનું નામ લખેલું છે, શું તે ખરેખર ત્યાં હાજર છે? આ સવાલ હવે માત્ર નૈતિક રહ્યો નથી, પરંતુ કાયદાકીય શસ્ત્ર બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી કચ્છના રણથી લઈ રાજ્યના ખૂણેખૂણામાં ડમી ફાર્માસિસ્ટના નામે ચાલતી મેડિકલ દુકાનોનો રાફડો ફાટ્યો છે. એક જ ફાર્માસિસ્ટના સર્ટિફિકેટ પર એકથી વધુ સ્ટોર ચાલતા હોવાની વ્યાપક અને ગંભીર ફરિયાદો બાદ હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત એક્શન મોડમાં આવી છે. આ માત્ર વહીવટી ફેરફાર નથી, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામેનો એક નિર્ણાયક આદેશ છે જે ફાર્મસી વ્યવસાયની ગરિમા જાળવવા માટે લેવામાં આવ્યો છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલનો કડક આદેશ કચ્છમાં ધમધમતી બોગસ દવાની દુકાનો પર લગામ લાગી જશે.
રાજ્યમાં ફાર્મસી પ્રેક્ટિસમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારના મૂળિયા ઉખેડી નાખવા માટે ફાર્મસી કાઉન્સિલ દ્વારા એક અત્યંત કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ જો કોઈ ફાર્માસિસ્ટ એક કરતાં વધુ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ સ્ટોર પર પોતાનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપશે અથવા રૂબરૂ હાજરી વગર સર્ટિફિકેટનો દુરુપયોગ કરવા દેશે, તો તેનું રજીસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એવી અનેક ફરિયાદો મળી હતી કે લાયકાત ધરાવતા ફાર્માસિસ્ટ અન્ય વ્યવસાય કે નોકરીમાં વ્યસ્ત હોવા છતાં માત્ર નાણાકીય લાલચમાં પોતાના સર્ટિફિકેટ્‌સ કેમિસ્ટોને ભાડે આપી દેતા હતા. આવી ગેરરીતિને કારણે દર્દીઓને દવા આપતી વખતે નિષ્ણાત ફાર્માસિસ્ટનું માર્ગદર્શન મળતું નથી, જે અંતે જાહેર આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે. હવે કાઉન્સિલના આ કડક વલણ અને નવા પરિપત્રને કારણે રાજ્યભરના ડમી ફાર્માસિસ્ટ અને સર્ટિફિકેટ ભાડે રાખતા કેમિસ્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 
 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં મોટાભાગના કેમિસ્ટ ફાર્માસિસ્ટના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માસિક ૧૫૦૦થી ૨૦૦૦ના ભાડાં પર લઈને કામ ચલાવી દે છે. તેની અવેજીમાં બારમું નાપાસ થયેલો છોકરો એલોપથીનું વેચાણ કર્યા કરે છે. પરિણામે દરદીઓને ખોટી દવાઓ અપાઈ જવાનો ખતરો વધી જાય છે. જનવિશ્વાસ (એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન) એક્ટ ૨૦૨૩ની જોગવાઈ હેઠળ ફાર્માસિસ્ટ વિના દવાઓનું વેચાણ કરતાં પકડાશે અને દોષિત ઠરશે તો તેને માટે તેને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવશે. તેમ જ બે લાખ સુધીનો દંડ કરવામાં આવશે. તદુપરાંત ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન રદ્‌ કરી દેવા સુધીની સજા કરવામાં આવશે. નિયમ મુજબ સવારે ૯ વાગ્યાથી સાંજે નવ વાગ્યાના બાર કલાક માટે એક ફાર્માસિસ્ટ રાખવાનો નિયમ છે. આ નિયમનું ઉલ્લંઘન કરીને કેમિસ્ટો સવારે નવ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી એક જ ફાર્માસિસ્ટ પર કેમિસ્ટો દુકાન ચલાવ્યા કરે છે. હોસ્પિટલના સત્તાવાળાઓ, મેડિકલ સ્ટોરના માલિકો અને ફાર્માસિસ્ટોને રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાઓનું વેચાણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. 




.........

કચ્છના મેડિકલ સ્ટોર્સમાં ડ્રગ્સ વિભાગના દરોડા 


શંકાસ્પદ દવાઓના ૩૮ નમૂના પરીક્ષણ માટે લેવાયા



ભુજ - કચ્છઉદય : શિયાળાની ઋતુના પ્રારંભની સાથે જ બજારમાં દવાઓના વેચાણમાં થતા વધારાને ધ્યાને રાખીને કચ્છ જિલ્લાના ડ્રગ્સ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે મેડિકલ સ્ટોર્સ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની વિશેષ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોર્સમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ટીમે શરદી, ઉધરસ અને અન્ય મોસમી રોગો માટે વપરાતી દવાઓ સહિત વિવિધ ઔષધિઓના જથ્થાની ઝીણવટભરી તપાસ કરી હતી. મુખ્યત્વે દવાઓની એક્સપાયરી ડેટ, તેના ઉત્પાદક અને તેમાં રહેલા કન્ટેન્ટ્‌સની ચકાસણી કરવામાં આવી હતી.આ સઘન તપાસ દરમિયાન જે દવાઓની ગુણવત્તા બાબતે શંકા જણાઈ હતી તેવી કુલ ૩૮ જેટલી દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ વિભાગની આ આકસ્મિક કાર્યવાહીને પગલે જિલ્લાના મેડિકલ સ્ટોર્સના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરકાર તરફથી મળેલા આદેશ મુજબ, જે ઋતુમાં જે દવાઓનું વેચાણ વધુ પ્રમાણમાં થતું હોય છે તેની શુદ્ધતા જળવાઈ રહે તે હેતુથી આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.ડ્રગ્સ વિભાગના જણાવ્યાનુસાર વિભાગની ટીમ દ્વારા સતત વિવિધ સીઝનને અનુરૂપ દવાઓ પર દેખરેખ રાખવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં ઠંડીને કારણે થતા રોગોની દવાઓની માંગ વધતી હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે આ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. જે દવાઓના નમૂના લેવાયા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે ભેળસેળયુક્ત કે નિયમ વિરુદ્ધની દવાઓ વેચતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM