કચ્છમાં કાર્યરત અમુક ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના માપદંડોનો ઉલાળીયો
વિતેલા અઢી દાયકામાં ૪૦૦થી વધુ ઔદ્યોગિક એકમો સરહદી જિલ્લામાં થયા છે ધમધમતા : ઉદ્યોગોના વિકાસ સાથે ઔદ્યોગિક અકસ્માતોનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભૂતકાળમાં બનેલા ગોઝારા અકસ્માતોમાંથી જવાબદાર એજન્સીઓ લે બોધપાઠ
જિલ્લામાં કાર્યરત ફેક્ટરીઓમાં બનતા નાના-મોટા અકસ્માતો કારખાનાની દિવાલોમાં જ દબાવી દેવાય છે : નાના અકસ્માતોની નોંધ ભાગ્યે જ પોલીસ દફતરે પહોંચે છે : મોટાભાગના કિસ્સાઓમાં અમુક એકમોમાં પૈસાના જોરે ઘટના બારોબાર દબાવી દેવાય છે : સરકાર દ્વારા ઔદ્યોગિક સુરક્ષા હેતુ નક્કી કરાયેલ એજન્સીઓ સતર્કતાથી માપદંડોનું કરાવે પાલન : પ્રબુદ્ધ નાગરિકોની સૂચક ટકોર
ભુજ - કચ્છઉદય : વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં અભૂતપૂર્વ આદ્યોગિક વિકાસ થયો છે. કચ્છના ઔદ્યોગિક ક્ષેત્રે થયેલા વિકાસનો જિલ્લાને ફાયદો થયો છે. નાના - મોટા ચારસો જેટલા એકમોમાં હજારો લોકોને રોજગારી મળી છે સાથે જ આનુસંગિક વ્યવસાયો પણ વિકસીત થયા છે. કચ્છમાં ટ્રાન્સપોર્ટ પ્રવૃત્તિને નવી દિશા મળી છે. આ સાથે જ જમીનોના ભાવ ઉંચકાતા કંઠી પટ અને પૂર્વ કચ્છના ખેડૂતોને તેનો લાભ થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘર માલિકોને ભાડા રૂપે આવક મળી રહી છે. બીજી તરફ ઔદ્યોગિક અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ફેક્ટરીઓમાં નાના - મોટા અકસ્માતો બનતા રહે છે, જે ભાગ્યે જ ફેક્ટરીની દિવાલોની બહાર આવે છે. કન્ટેનર કે ભારે સામાન નીચે કામદાર કચડાઈ ગયાના બનાવો બન્યા છે. ફેક્ટરીઓમાં બનતા મોટા અકસ્માતો પોલીસ ચોપડે નોંધાય છે, પણ અુમક કિસ્સાઓમાં નાણાંના જોરે અંદરોઅંદર જ પતાવટ થઈ જતી હોય છે.
અઢી દાયકા અગાઉ ખેતી અને પશુપાલન પર આધારીત કચ્છ જિલ્લામાં રોજગારીના નવા ક્ષેત્રનો ઉમેરો થયો છે. ઔદ્યોગિક વિકાસના પગલે કચ્છની તસવીર બદલાઈ છે. હજારો પરપ્રાંતિયો કચ્છમાં આવીને વસ્યા છે. ચારસોથી વધુ ઔદ્યોગિક એકમો શરૂ થતાં સંલગન અનેક વ્યવસાયોને પણ પ્રોત્સાહન મળ્યું છે. કેટલાક ઉદ્યોગગૃહો સાચા અર્થમાં સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને સીએસઆર ફંડની યોગ્ય ફાળવણી કરે છે, જેના થકી આસપાસના ગામોમાં શિક્ષણ, આરોગ્ય, જીવદયા જેવી
પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે, તો બીજી તરફ ઔદ્યોગિક અકસ્માતોનું વધતું પ્રમાણ ચિંતાજનક છે .ઔદ્યોગિક સુરક્ષાનો મુદ્દો હંમેશા સંવેદનશીલ રહ્યો છે, જેમાં કોઈ બાંધછોડ સ્વીકાર્ય હોતી નથી.
કામદારોની સુરક્ષા દરેક ઉદ્યોગગૃહની પ્રથમ જવાબદારી બની રહે છે. સરકારે પણ કામદારોની સુરક્ષા માટે કાનૂન બનાવી તેની દેખરેખ માટે એજન્સીઓ નક્કી કરી છે, પરંતુ જાણકારો સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લો અનેક જીવલેણ ઔદ્યોગિક અકસ્માતોનું સાક્ષી બન્યુું હોવા છતાં હજુય કચ્છમાં ઔદ્યોગિક સુરક્ષાના મુદ્દે અમુક એકમોમાં ખાસ તકેદારી લેવામાં આવતી નથી. ગત વર્ષે અંજાર તાલુકાના બુઢારમોરા ગામ નજીક ફેક્ટરીમાં ઉત્તરાયણના વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે-તે સમયે ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષા મુદ્દે ભારે ઉહાપોહ થયો હતો. કારખાનાઓમાં ટેકનિકલ ક્ષતિ કે ચૂકના લીધે અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે.
કચ્છમાં ભૂતકાળમાં અનેક ગોઝારા બનાવો બન્યા છે. ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના માપદંડોએ હંમેશા સવાલો ઉભા કર્યા છે. ઔદ્યોગિક વિકાસની સાથો સાથ શ્રમિકોની સુરક્ષા માટે પણ યોગ્ય તકેદારી લેવાય તે જરૂરી છે. ખાસ કરીને કચ્છમાં કેટલાક એકમોમાં મોટા ભાગે પરપ્રાંતિય શ્રમિકો કામ કરી રહ્યા છે. ફેક્ટરીમાં બનતા નાના-મોટા અકસ્માતો એકમમાં જ દબાવી દેવામાં આવે છે. અસંગઠીત ક્ષેત્રના કામદારોનું જીવન તેમના પરિવારો માટે મૂલ્યવાન હોય છે ત્યારે જવાબદાર એજન્સીઓ દ્વારા કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે કચ્છમાં કાર્યરત ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના માપદંડોનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરાવે તે ઈચ્છનીય છે.

Comments