કચ્છમાં ફરી બાંધકામ અને સલગ્ન ક્ષેત્રે ‘મંદી’ની ભીતિ
નવી વૈજ્ઞાનિક જંત્રીના અમલની તૈયારી
રાજ્ય સરકાર દ્વારા આગામીબજેટ સત્ર પહેલાં જાહેરાતની સંભાવના : સિમેન્ટ, લોખંડ, ફર્નિચર, કલર, ઈલેટ્રોનિક્સ સહિત ગૌણ ખનીજ ઉદ્યોગો પર નકારાત્મક અસરની ભીતિ
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી જેની પ્રતીક્ષા અને ચર્ચા સેવાઈ રહી છે તે નવી વૈજ્ઞાનિક જંત્રીનો અમલ નવા વર્ષથી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. રાજ્ય વિધાનસભાના ફેબ્રુઆરી-૨૦૨૬ના બજેટ સત્ર પૂર્વે સરકાર જમીન અને મકાન સહિતની મિલકતો માટે નવા દરો અમલી બનાવી શકે છે. જોકે, આ સંભવિત વધારાને પગલે માત્ર રિયલ એસ્ટેટ જ નહીં, પરંતુ તેની સાથે સંકળાયેલા સિમેન્ટ, લોખંડ અને ગૌણ ખનીજ જેવા પૂરક ઉદ્યોગો પર પણ નકારાત્મક અસરો પડવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતમાં જંત્રીના દરોમાં સમયાંતરે થયેલા વધારા સામે હંમેશા વિરોધ જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૬માં સર્વે બાદ ૨૦૦૮માં અમલનો પ્રયાસ થયો હતો, પરંતુ ભારે વિરોધને કારણે છેક ૨૦૧૧માં નવી જંત્રી અમલી બની હતી. ત્યારબાદ ૧૨ વર્ષના લાંબા વિરામ બાદ એપ્રિલ ૨૦૨૩માં જંત્રીના દર બમણા કરાતા ફરી વિવાદ વકર્યો હતો. ક્રેડાઈ અને ગાહેડ જેવી સંસ્થાઓના દબાણ બાદ સરકારે મુસદ્દારૂપ જંત્રી જાહેર કરી વાંધા-સૂચનો મંગાવ્યા હતા, જે પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે.
આ ક્ષેત્રના નિષ્ણાતોના મતે જંત્રીના દરો વધવાથી મિલકતની કિંમતોમાં ધરખમ ઉછાળો આવશે, જેની સીધી અસર બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ એકમો પર પડશે. જંત્રી વધતા પ્રોજેક્ટ કોસ્ટ વધશે, જેના કારણે નવા બાંધકામોની સંખ્યા ઘટવાની શક્યતા છે. પરિણામે સિમેન્ટ અને લોખંડ (સ્ટીલ)ના વેચાણમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. કપચી, રેતી જેવા ગૌણ ખનીજ ક્ષેત્રે પણ માંગ ઘટતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકો અને ટ્રાન્સપોર્ટરોની રોજીરોટી પર અસર પડી શકે છે. સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં તોતિંગ વધારો થતા સામાન્ય મધ્યમ વર્ગ માટે ઘરનું ઘર ખરીદવું સ્વપ્ન બની રહેશે. કોરોના કાર્ડના મંદિરના મારમાંથી માં બેઠા થયેલા રીયલ એસ્ટેટ સેક્ટર માટે નવી વૈજ્ઞાનિક જંત્રીની અમલવારી ચિંતાનું કારણ બની શકે છે. રીયલ એસ્ટેટ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગોમાં મંદીની ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે
.............
વૈજ્ઞાનિક પદ્ધતિથી નવા વેલ્યુ ઝોન નક્કી કરાયા
ભુજ : આ વખતે રાજ્ય સરકારે હજારો નવા વેલ્યુ ઝોન નક્કી કર્યા છે. બજાર કિંમતના વૈજ્ઞાનિક મૂલ્યાંકન સાથે તૈયાર કરાયેલી આ જંત્રીમાં મહાનગરોથી લઈ ગ્રામ્ય વિસ્તારો સુધીના દરોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. જોકે, આ સુધારો વિકાસને વેગ આપશે કે બાંધકામ ક્ષેત્રમાં સ્થગિતતા લાવશે, તે તો અમલ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તો, જમીન-મિલકતના વ્યવહારો સાથે જોડાયેલા લોકોમાં નવી જંત્રીને લઈને ભારે ઉત્સુકતા અને ફળકો બંને જોવા મળી રહ્યા છે.

Comments