કચ્છની હસ્તકલાની આત્માને ચેતનવંતી રાખવા મનોમંથન
એલએલડીસી ખાતે અસ્તિત્વ - કચ્છ એડીશન પ્રોજેક્ટનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર - અજરખપુર ખાતે મહર્ષિ કર્વે સ્ત્રી શિક્ષણ સંસ્થાની સ્કૂલ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા “અસ્તિત્વ - કચ્છ એડિશન” પ્રોજેક્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ, ગુજરાતની સમૃદ્ધ હસ્તકલાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સમર્પિત આ અનોખી પહેલને મુંબઈના ડૉ. ભાનુબેન એમ. નાણાવટી ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
અસ્તિત્વ કાર્યક્રમ અંતર્ગત “બદલાતી દુનિયામાં કચ્છની હસ્તકલાની આત્માને કેવી રીતે જાળવી શકાય” વિષય પર વિચારપ્રેરક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રુજન, કલારક્ષા, કસબ અને ખમીર જેવી કચ્છની અગ્રણી હસ્તકલા સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે હસ્તકલા, કુટિર ઉદ્યોગ અને ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. નવીનતા અને પ્રામાણિકતા વચ્ચે સંતુલન, કારીગરોના જીવનધોરણને મજબૂત બનાવવાના માર્ગો અને હસ્તકલાના ભવિષ્યલક્ષી સંરક્ષણ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ડિઝાઇનના વિદ્યાર્થીઓ પરંપરા અને આધુનિક ડિઝાઇન વચ્ચે સહઅસ્તિત્વનું અર્થપૂર્ણ મોડેલ કેવી રીતે ઊભું કરી શકે તે બાબતે વિશેષ ભાર મૂકાયો હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ “આર્ટિઝન વોલ’ રહ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા બનાવાયેલા અનોખા ભરતકામના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે તેમની કુશળતા, લાગણીઓ અને વ્યક્તિગત ગાથાઓ રજૂ કરતા હતા. “ડિઝાઇન કલેકશન શોકેસ’ કાર્યક્રમનું શિખર બિંદુ બન્યું હતું, જેમાં સોફટના ડિઝાઇનરો અને કચ્છના કારીગરોની સહયોગી મહેનતથી તૈયાર થયેલા આશરે ૬૫ પરિધાનો રજૂ થયા હતા. પરંપરાગત કાપડ અને હસ્તકલાને આધુનિક ફેશન સાથે જોડતી આ ફેશન શોની રજૂઆત સાંસ્કૃતિક સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ બની હતી. “કહાની કલાકારોની જુબાની’ વિભાગે કારીગરોની પ્રેરણાદાયક વ્યક્તિગત કહાનીઓને જીવંત બનાવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહારાઓ હનવંતસિંહજી, યુવરાજ પ્રતાપસિંહજી, યુવરાણી શાલિની દેવીજી, મહારાજકુમાર અનિરુદ્ધસિંહજી, મહારાજકુમારી ત્રિશુલિની કુમારીજી તથા મહારાજકુમાર મેઘદીપસિંહજી ઉપસ્થિત રહ્યા હતા.
કાવ્યા સક્સેના (ખમીર), અમી શ્રોફ (શ્રુજન), મુકેશ ભાનાણી (કલારક્ષા) અને પુનિત સોની (કસબ) તેમજ બિજન પૉલ અને રવિવીર ચૌધરી પેનલ ચર્ચામાં જોડાયા હતા. ચર્ચાનું સંચાલન ડૉ. એમ. હુન્ડેકરે કર્યું હતું. આ અવસરે મહર્ષિ કર્વે સ્ત્રી શિક્ષણ સંસ્થાના અધ્યક્ષ રવિન્દ્રજી દેવ, ટ્રસ્ટી મિલિંદજી લેલે, સચિવ ડૉ. પી. વી. એસ. શાસ્ત્રી, સોફટ પુણેના પ્રિન્સીપલ ડૉ. ગરિમા ભલ્લા તથા ડૉ. ભાનુબેન એમ. નાણાવટી ટ્રસ્ટ તરફથી ત્રિયા નાણાવટી ઉપસ્થિત રહ્યા હતા. ફેશન બિઝનેસ ક્ષેત્રના જાણીતા વ્યક્તિત્વો એક્તા રાજાણી અને વિજય જૈન સાથે ઇટાલી અને અમેરિકાના મહેમાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
‘અસ્તિત્વ’ કાર્યક્રમ એમકેએસએસએસની સ્કૂલ ઓફ ફેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા કચ્છના કારીગર સમુદાય સાથે મળીને છેલ્લા બે દાયકાથી કરવામાં આવેલા સતત પ્રયાસોની પરાકાષ્ઠા છે. આ કાર્યક્રમ માત્ર એક માઈલસ્ટોનની ઉજવણી નહીં, પરંતુ ભારતીય કારીગરો અને હસ્તકલાને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નવી ઓળખ, પ્રાસંગિકતા અને સફળતા અપાવવાના નવા અધ્યાયની શરૂઆત તરીકે ઉભરી આવ્યો છે.
------

Comments