Trending News
સ્થાનિક સમાચાર

સોનલપુર - પાન્ધ્રો ખાતે સોનલબીજની ઉજવણી કરાઈ 

22 December



ભુજ - કચ્છઉદય : આઈ શ્રી સોનલમાના ઉપદેશને જીવનમાં ઉતારી ચારણ સમાજ પોતાનું દેવત્વ જાગૃત કરે તેવા ઉમદા આશય સાથે "સોનલ સંકલ્પ અભિયાન" હેઠળ મોટી સંખ્યામાં ચારણ યુવાનોએ આજીવન માંસ-મદિરાના ત્યાગના સામુહિક જાહેર શપથ સાથે સરહદી લખપતના સોનલપુર - પાન્ધ્રો ખાતે સોનલબીજની ઉજવણીને વિશેષ બનાવી હતી.
પ્રારંભમા આઈ શ્રી સોનલમા મંદિર સમિતિના સંયોજક જયેશદાન ઝીબા, કવિ "જય" એ છેલ્લા ત્રણ દાયકાથી સોનલપુર ખાતે ઉજવાતી સોનલબીજનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના છેવાડે ચારણત્વની ચેતના જાગૃત રાખી સનાતન ધર્મ અને રાષ્ટ્રને સમર્પિત ચારણ સમાજના નિર્માણ માટે કાર્યરત રહેવાનું જણાવી "સોનલ સંકલ્પ અભિયાન" ની વિગતવાર ચર્ચા કરી હતી,જેનાથી પ્રેરાઈને ચારણ સમાજના ૯૦ થી વધુ નવયુકોએ આજીવન માંસ - મદિરા ગ્રહણ ન કરવાનો જાહેર સંકલ્પ કર્યો હતો. સંકલ્પ લેનાર નવયુકોને સાધુસંતોના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ આઈ શ્રી સોનલમાના ઉપદેશથી પ્રેરાઈ ચારણ સમાજ અન્ય લોકોને સદાચારના પથ પર પ્રેરિત કરે તેવી વાત કરી હતી. કોટેશ્વર મહાદેવના મહંત દિનેશગિરીજીએ આઈ સોનલમાનો ઉપદેશ જીવન કલ્યાણ માટેનું હોવાનું જણાવી મંદિર સમિતિ દ્વારા ચાલતા "સોનલ સંકલ્પ અભિયાન"ની સરાહના કરી હતી. નારાયણ સરોવરના ગાદીપતિ સોનલલાલજીએ "સોનલ સંકલ્પ અભિયાન" ભવિષ્ય નિર્માણ માટે મહાન કાર્ય હોવાનું જણાવી આ દિશામાં સતત કાર્યશીલ આઈ સોનલમા મંદિર સમિતિના કાર્ય પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પૂંજલદાદા અખાડા - મોરઝરના મહંત પ. પૂ. દિલીપરાજા કાપડીએ નશા મુક્ત ચારણ સમાજે જ સોનલબીજની સાર્થક ઉજવણી હોવાનું જણાવી રાષ્ટ્રની સરહદ પર જાગૃત ચારણ સમાજનું મહત્ત્વ સમજાવ્યું હતું તથા ચારણોના નવયુકોના માંસ - મદિરાના ત્યાગના સામુહિક જાહેર શપથને ઐતિહાસિક કાર્ય ગણાવી રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અર્જુનદાન મિસણ (કે. ડી. હોટલ) જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઝુઝારદાન ગઢવી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પી. સી. ગઢવી, કિશોરદાન રોહડીયા, સાત્વિકદાન ગઢવી (ભુજ) જિલ્લા ભાજપ અગ્રણી ચંદ્રદાનજી ખડીયા, તાલુકા ચારણ સમાજ પ્રમુખ શંકરદાન રોહડીયા, તા. પં. વિપક્ષી નેતા સમરથદાન ઝીબા, ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના જબ્બરદાન ગઢવી, વેપારી અગ્રણી એન. દેથા, મોરારદાન ખડીયા, ગેનદાન ઝીબા, સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ચારણ યુવાનો દ્વારા સોનલપુર, કપુરાશી, કોરીયાણી, નવાનગર, એકતાનગર સહિતના ગામોમાં વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. મંદિર સમિતિ સાથે લખપત તાલુકા ગઢવી યુવક મંડળના પ્રમુખ મોહનદાન ખડીયા, મોન્ટી ગઢવી સહિત યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન આવડદાન મિસણે કર્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM