Trending News
સ્થાનિક સમાચાર

વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાના ખાનગી રિસોર્ટનું ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ

22 December

રાજકીય ઓથ હેઠળ ખાનગી સરકારી તિજોરી પર તરાપ


ખડીર પંથકમાં જીએસટી અને ગ્રામ પંચાયતના વેરા બારોબાર સ્વાહા કરી જતું રિસોર્ટ માફિયાઓનું વ્યવસ્થિત નેટવર્ક : રાજકીય વગ ધરાવતા સંચાલકો સામે વહીવટી તંત્રના મૌનથી ઉઠતા સવાલો : તટસ્થ તપાસ થાય તો મલબારકાંડથી પણ મોટું કૌભાંડ ખુલવાની શક્યતા : રજિસ્ટર વગરની એન્ટ્રીઓ અને પ્રોફેશનલ ટેક્સની ચોરી વચ્ચે રાતોરાત કરોડપતિ બનેલા ‘સફેદપોશ’ સંચાલકો પર તપાસની તલવાર


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ખડીર બેટમાં આવેલું પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિનું નગર ધોળાવીરા આજે વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યા બાદ અહીં પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વભરમાંથી આવતા સહેલાણીઓના કારણે ધોળાવીરા અને તેની આસપાસના ખડીર પંથકમાં આર્થિક ગતિવિધિઓ તેજ બની છે. આ વધતા પ્રવાહને પહોંચી વળવા માટે વિસ્તારમાં અનેક ખાનગી રિસોર્ટ અને હોટલો ફૂટી નીકળી છે. જોકે આ પ્રગતિની સાથે સાથે હવે ગેરરીતિઓના ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે જે સ્થાનિક તંત્ર અને સરકાર માટે ચિંતાનો વિષય બન્યા છે.
ખડીર પંથકમાં કાર્યરત અમુક ખાનગી રિસોર્ટ્‌સમાં મોટા પાયે સરકારી ટેક્સની ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. પ્રવાસીઓ પાસેથી રહેવા અને જમવાના મસમોટા ભાડા વસૂલતા કેટલાક ખાનગી રિસોર્ટ સંચાલકો સ્થાનિક ગ્રામ પંચાયતોને કોઈ પણ પ્રકારનો વેરો ચૂકવતા નથી. આ ઉપરાંત જીએસટીના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ સમગ્ર કૌભાંડ વાગડ પંથકના વગદાર રાજકારણીઓના છૂપા આશીર્વાદ અને ઓથ હેઠળ ચાલી રહ્યું છે. રાજકીય સંરક્ષણને કારણે વહીવટી તંત્ર પણ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જણાય છે.
સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રિસોર્ટ્‌સના બાંધકામની મંજૂરીઓ, વીજ જોડાણો અને જીએસટીના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો તાજેતરમાં ચર્ચાયેલા મલબારકાંડ કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે. 
અનેક રિસોર્ટમાં પ્રવાસીઓની સુરક્ષા માટે અનિવાર્ય એવા રજિસ્ટર નિભાવવામાં આવતા નથી કે નથી ત્યાં કામ કરતા કર્મચારીઓની પ્રોફેશનલ ટેક્સની વિગતો પંચાયત ચોપડે નોંધાયેલી. સ્થાનિક રાજકારણીઓની રહેમનજર હેઠળ રાતોરાત કરોડપતિ બની ગયેલા આ સંચાલકો કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સમગ્ર મામલે જાણકારોનું માનવું છે કે આ કૌભાંડના મૂળ ઊંડા છે અને તેમાં સ્થાનિક કક્ષાના વહીવટી અધિકારીઓની મિલીભગત હોવાની પણ પ્રબળ શક્યતા છે. જો વહીવટી તંત્ર સાથે આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા આ પંથકમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવે તો બેનામી મિલકતો અને કરચોરીના મોટા આંકડાઓ સામે આવી શકે તેમ છે. ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળના નામે આ રીતે ચાલતી લૂંટ અટકાવવા અને સરકારી આવક જાળવી રાખવા માટે તટસ્થ તપાસની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM