રાપરમાં રખડતા ઢોરનો અધમ : આખલાની અડફેટે ૬૦ વર્ષના વૃધ્ધનું મોત
અવાર-નવાર બનતી ઘટનાઓ છતા રાપર નગરપાલિકાના મોઢે તાળા : લોકોને રસ્તા પર નીકળવું જોખમી બન્યું
રાપર - કચ્છ ઉદય : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલાઓના લીધે છ લોકોના મોત થયા છે અને અસંખ્ય લોકોને ઈજા થઈ છે ત્યારે વધુ એક બનાવ શહેરના રાપર પ્રાગપર રોડ પર આવેલ પાબુધાર પાસે ગઈકાલે સાંજે બન્યો હતો. ૬૦ વર્ષિય અમરશીભાઈ પૂંજાભાઈ માલી ભુટકિયા ગામે ખેતરેથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે પ્રાગપર ચોકડી પાસે પહોંચતા આખલાએ તેમની એક્ટિવાને ઉડાવતા ગંભીર ઈજાઓ થવાથી પ્રથમ રાપર સીએચસી અને બાદમાં મોરબી લઈ જતા હતા ત્યારે સારવાર દરમિયાન મોત થયું હતું. આ દુર્ઘટનાને કારણે તેમના એકમાત્ર પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી. આ બનાવથી શહેરમાં ચિંતા ફેલાઈ હતી.
રાપર નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની નામ માત્રની કાર્યવાહી કરવામાં આવે છે. જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. વારંવાર બનતી ઘટનાઓના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે પરંતુ રાપર નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકોના જીવનની પરવાહ ન હોય તે રીતે કોઈ કામગીરી કરતા નથી.

Comments