ભચાઉમાં કેસરીગઢ રિસોર્ટ પાસે કરૂણાંતિકા સર્જાઈ : વાહનમાં આગ લાગતા ત્રણ વર્ષના બાળક અને ટ્રક ડ્રાઈવરનું મોત
કારમાં સવાર બાળકના માતા-પિતાને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા : શોર્ટસર્કિટના કારણે આગ લાગી અને એકમેકમાં ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો : બનાવથી અરેરાટી ફેલાઈ
ભચાઉ - કચ્છ ઉદય : શહેરમાં કેસરીગઢ રિસોર્ટ પાસે ગઈકાલે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં અકસ્માત બાદ કાર અને ટ્રકમાં આગ ફાટી નીકળ્યા બાદ બાળક સહિત બેનાં મોત થતા ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કેસરીગઢ રિસોર્ટ સામે આ કરૂણ બનાવ બન્યો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો. જેમાં કારમાં આખો પરિવાર ફસાઈ ગયો અને શોર્ટસર્કિટના કારણે આગ લાગતા બહાર નીકળે તે પહેલા ગંભીર બનાવ બની ગયું હતું. અકસ્માત ગ્રસ્ત વાહનોમાં બીજા વાહન ઘૂસી જતા ચાર વાહનોનો અકસ્માત થયો હતો. કારમાં ગાંધીધામનો પરિવાર સવાર હતો. અકસ્માત બાદ બહાર ન નીકળી શકતા ભારતનગરમાં રહેતા ત્રણ વર્ષિય વિરાજ કેતનકુમાર શ્રીમાળી નામનો બાળક જીવતો ભડથ્થુ થઈ ગયું હતું. તેના માતા-પિતા નેહાબેન અને કેતનભાઈને ઈજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સામે ટ્રક ડ્રાઈવર મુન્દ્રામાં અદાણી વિલમાર પાસે રહેતા ૪૭ વર્ષિય અજયરાયનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. ભચાઉ પોલીસે આ બનાવ બાબતે જાણવા જોગ દાખલ કરી છે. બનાવની જાણ થતા ગઈકાલે રાત્રે ભચાઉ ફાયર બ્રિગેડ, ટોલનાકાની ટીમ, પોલીસ સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવથી ભલભલાની કંપારી છુટી ગઈ હતી.

Comments