Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ક્રિસમસ અને ન્યૂયરની પાર્ટી માટે આગોતરો થનગનાટ : હોટલ-રિસોર્ટ ફૂલ

22 December


ભુજ, ગાંધીધામ, ધોરડો, મુંદરા, માંડવી સહિત કચ્છના પ્રવાસન સ્થળો પર આવેલી હોટેલ, ગેસ્ટહાઉસ અને હોમસ્ટેમાં હાઉસફુલના પાટિયા : ટુર ટ્રાવેલ્સ અને ખાણીપીણીના ધંધાર્થીઓને પણ થશે તડાકો : અંતિમ ઘડીએ પ્રવાસનું આયોજન કરનારને વ્યવસ્થા માટે દોડધામની આવી નોબત : ખાનગી ફાર્મહાઉસ ખાતે પણ ડીજે પાર્ટીઓના ગોઠવાતા આયોજનો

ભુજ : અંગ્રેજી વર્ષના સૌથી મોટા એવા ક્રિસમસ અને ન્યુયરના તહેવારના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશ અને દુનિયાભરમાં ક્રિસમસ અને ન્યૂયરની પાર્ટીઓના આયોજન થઈ રહ્યા છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છનું યુવાધન ઉપરાંત કચ્છ આવતા પ્રવાસીઓ પણ થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે આગોતરા આયોજનો ગોઠવતા થયા છે, જેથી તહેવારોની ઉજવણીનો આગોતરો ઉમંગ જોવા મળી રહ્યો છે. 
કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યા બાદ હાલ પશ્ચિમ હોય કે પૂર્વ કચ્છમાં અનેક નવી હોટલો અને પાર્ટી પ્લોટ શરૂ થયા છે. છેલ્લા બે દાયકાથી પ્રવાસન હબ બનીને ઉભરેલા કચ્છ જિલ્લામાં પણ અંગ્રેજી વર્ષના અંતિમ દિવસોમાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ખાસ કરીને નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે કચ્છ આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ પણ કચ્છમાં ક્રિસમસ અને ન્યૂયરની પાર્ટી માટે તમામ હોટલ-રિસોર્ટમાં હાઉસફુલના પાટિયા લાગી ગયા છે. તહેવારોની ઉજવણી માટે કચ્છ આવતા પ્રવાસીઓએ એડવાન્સમાં જ પોતાના બુકીંગ કરાવી લીધા છે. છેલ્લી ઘડીએ પ્રવાસનું આયોજન કરનાર પર્યટકોને હવે ડબલ ભાડા ચુકવવાની ફરજ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છમાં હોટેલ અને ગેસ્ટહાઉસ ઉપરાંત હોમ સ્ટેનું પણ ચલણ વધ્યું છે. મુખ્ય પ્રવાસન સ્થળો પર આવેલા હોમ સ્ટેમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ક્રિસમસના વેકેશનમાં ફરવાનું આયોજન થતું હોવાથી કચ્છ બહારથી આવતા 
સહેલાણીઓેએ પોતાના પરિવાર કે ગ્રૂપ સાથે કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવાના આયોજન કરી દીધા છે. જિલ્લાની અનેક જાણીતી હોટલોમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે વિવિધ કાર્યક્રમોના આયોજન થયા છે. દેશના જાણીતા કલાકારોના સંગાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાધનમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તો અનેક ખાનગી ફાર્મહાઉસ પર પણ પાર્ટીઓના આયોજનો થશે. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે સ્થાનીક કલાકારો, સાજીંદાઓના એડવાન્સ બુકીંગ થઈ રહ્યા છે. અનેક સ્થળો પર ડીજે પાર્ટીના આયોજન હોવાથી ડેકોરેશન અને મોટી સાઉન્ડ સીસ્ટમની ડિમાન્ડ પણ વધી છે.  કચ્છના હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકોના જણાવ્યાનુસાર આ વર્ષે પ્રવાસીઓનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી ક્રિસમસ વેકેશનમાં સહેલાણીઓ કચ્છ પ્રવાસે આવી રહ્યા છે. જે પૈકી મોટા ભાગનાઓએ ઓનલાઈન બુકીંગ કરાવી પોતાના રહેવા, ફરવાની વ્યવસ્થા કરી લીધી છે. પર્યટન સ્થળોની પુરબહારમાં ખીલેલી સીઝનના પગલે ટુર ટ્રાવેલ્સ ઉદ્યોગમાં પણ નવા પ્રાણ ફુંકાયા છે. લકઝરી બસોથી માંડી નાના પ્રવાસી વાહનોની માંગ પણ ખુબ વધી છે. તેની સાથોસાથ કચ્છમાં ખાણીપીણીના ધંધાર્થીઓ, રેસ્ટોરેન્ટ અને હસ્તકળાની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને પણ પ્રવાસીઓના ધસારાના પગલે તડાકો 
પડયો છે.


................



નાતાલ ટાંકણે ચાર દિવસના મીની વેકેશનનો યોગ

આ વર્ષે નાતાલના તહેવાર દરમ્યાન અંગ્રેજી અને મિશનરી શાળાઓમાં વેકેશન સાથે સરકારી કચેરીઓમાં પણ મીની વેકેશનનો યોગ સર્જાય તેવા સંજોગો ઉભા થયા છે. આ વર્ષે નાતાલનો તહેવાર ગુરૂવારે આવતો હોવાથી જાહેર રજા રહેશે. ત્યાર બાદ શુક્રવારની એક રજા મુકનારને ચોથા શનિવાર અને રવિવાર મળી સળંગ ચાર રજાનો લાભ મળી શકશે. સરકારી કચેરીઓ અને બેંક જેવા સેકટરમાં કામ કરતા અનેક પ્રવાસ રસિકોએ નાતાલના દિવસોમાં મીની વેકેશનનો લાભ લઈ નાના મોટા પ્રવાસ કાર્યક્રમોના આયોજનો ગોઠવી લીધા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે નાતાલ અને થર્ટી ફર્સ્ટ જેવા તહેવારોનો મહિમા વધ્યો છે. ખાસ કરીને યુવાનો અંગ્રેજી નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM