કચ્છ જિલ્લા પંચાયતના કામચોર તત્વોને અંતરિયાળ વિસ્તારોમાં ‘કાળાપાણી’ની સજા ?
શિસ્તના આગ્રહી અધિકારીની કડક કાર્યવાહી
કચ્છની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં તાજેતરમાં થયેલી બદલીઓ બની ‘ટોક ઓફ ધ ટાઉન’ : ફરજમાં બેદરકાર કર્મચારીઓ પર ડીડીઓની ‘સર્જીકલ સ્ટ્રાઈક’
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ વિભાગોમાં તાજેતરમાં કરવામાં આવેલી આંતરિક બદલીઓએ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને તલાટીઓ અને આરોગ્ય કર્મીઓ સહિતના સ્ટાફમાં થયેલા આ ફેરફારોને પગલે વહીવટી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોતાની કડક છાપ અને શિસ્તબદ્ધ કાર્યશૈલી માટે જાણીતા જિલ્લા વિકાસ અધિકારીએ ફરજમાં લાપરવાહી દાખવતા કર્મચારીઓને શાનમાં સમજાવ્યા બાદ હવે સીધા પગલાં લેવાનું શરૂ કરતા આ વિષય ’ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. સમયાંતરે ટકોર છતાં સુધારો ન આવતા આખરે ’સર્જિકલ સ્ટ્રાઈક’ કરી બેદરકાર તત્વોને સબક શીખવી દેવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયતના સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વારંવાર જાહેર મંચો અને આંતરિક બેઠકોમાં
કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક અને સમયબદ્ધ કામગીરી કરવા તાકીદ કરવામાં આવતી હતી. તાજેતરમાં જ એક જાહેર કાર્યક્રમ દરમિયાન ફરજ પર હાજર એક અધિકારીની શિસ્તહીનતા બદલ ડીડીઓએ જાહેરમાં જ ખખડાવી નાખ્યા હતા, જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આમ છતાં, જે કર્મચારીઓએ પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો ન કર્યો, તેમને સજારૂપે અંતરિયાળ અને મુખ્ય મથકથી દૂરના વિસ્તારોમાં બદલી દેવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતના વરિષ્ઠ અધિકારીના આ કડક વલણને સામાન્ય જનતા આવકારી રહી છે. લોકોનું માનવું છે કે અંતરિયાળ ગામડાઓમાં વહીવટી કામગીરી મંદ ગતિએ ચાલતી હોય છે, ત્યારે આવા કડક પગલાંથી સરકારી તંત્રમાં ગતિશીલતા આવશે. બીજી તરફ, બદલીનો ભોગ બનેલા કર્મચારીઓમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ અધિકારીની શિસ્તના આગ્રહી સ્વભાવ સામે હાલ કોઈ પણ સંગઠન ખૂલીને સામે આવવા તૈયાર નથી. આગામી દિવસોમાં હજુ પણ અન્ય વિભાગોમાં ગાજ પડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
................
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોના પ્રતિનિધિઓને પણ દેખાડી દીધો હતો દરવાજો
થોડા સમય અગાઉ કચ્છ જિલ્લાના એક તાલુકાની સમીક્ષા મુલાકાત વખતેનો ઘટનાક્રમથી પણ ભારે હોબાડો મચી ગયો હતો. સમીક્ષા મુલાકાત માટે તાલુકા મથક પર પહોંચેલા ડીડીઓએ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેવા આવેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના હોદ્દેદારોના પ્રતિનિધિઓ (પતિદેવો)ને મળવાની ઘસીને ના પાડી દીધી હતી અને તેમને દરવાજો દેખાડી દીધો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો છેક ગાંધીનગર સુધી પહોંચ્યા હતા.

Comments