Trending News
સ્થાનિક સમાચાર

વાહનોની નંબર પ્લેટ પર લખાણો લખનાર વાહન માલિકો સામે પગલા ભરવા રાજ્યસ્તરેથી સૂચના

21 December



પોલીસ અને આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા ટ્રાફીક બ્રાન્ચને પત્ર લખી ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક કાચ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી છતાં કોઈ અમલવારી નહીં 

કચ્છમાં ખુદ કેટલાક પોલીસ કર્મચારીઓ નંબર પ્લેટ વીનાના વાહનો ચલાવે છે બીલાડીના ગળામાં ઘંટ બાંધે કોણ ? તેવી સ્થિતિ સર્જાઈ



ભુજ-કચ્છઉદય : નંબર પ્લેટ વિનાના વાહનોનો ખાસ કરીને ગુનાખોરીમાં અને ઈ-ચલણથી બચવા માટે ઉપયોગ થતો હોવાથી ગુજરાતમાં નવા વાહનો શો રૂમમાંથી જ નંબર પ્લેટ સાથે નિકળે તેવો કાયદો અમલમાં છે, પરંતુ કાયદાને ગજવામાં લઈને ફરતા અને સોશિયલ મીડિયામાં સીન સપાટા કરવા માટે આવા તત્ત્વો દ્વારા નંબર પ્લેટ કાઢી લેવામાં આવે અને તેના પર ફેન્સી લખાણો લખવામાં આવે છે. જેમાં ખાસ કરીને અમુક લખાણો ભારે ચર્ચામાં છે. પોલીસ અને આરટીઓ દ્વારા કાર્યવાહીની માત્ર વાતો કરાય છે. નક્કર ચેકીંગ  કરવામાં આવતું નથી, પરિણામે ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના કમિશનર દ્વારા ડીજીપી અને ટ્રાફીક બ્રાન્ચને પત્ર લખીને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે, કાર્યવાહી થાય છે કે પછી પોલીસ અને તંત્ર પણ ઘુંટણીયે પડી જાય છે. ખુદ મોટા ભાગના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ગાડીમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ લગાવતા નથી. 
છેલ્લા કેટલાક સમયથી બ્લેક ફિલ્મવાળા ગ્લાસ અને નંબર પ્લેટ લગાવ્યા વિના ફરતા વાહનો મોટી સંખ્યામાં જોવા મળે છે. અયોગ્ય 
પ્રવૃતિ કે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને ઇ-મેમોથી બચવા માટે પણ આવી યુક્તિ કેટલાક વાહન ચાલકો અજમાવી રહ્યા છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર એસ.એ. પટેલ દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષકને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે સમગ્ર રાજ્યમાં અનેક વાહનો બ્લેક ફિલ્મ સાથેના ગ્લાસ અને નંબર પ્લેટ વિના ફરી રહ્યા છે. તે ઉપરાંત કાળો નાગ, રામાધણી જેવા શબ્દો પણ નંબર પ્લેટની જગ્યાએ લગાવીને જાહેર માર્ગ ઉપર ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા છે. જે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સાથે માર્ગ સલામતી માટે પડકારરૂપ જોખમ સર્જી રહ્યા છે. આ પ્રકારના વાહનોની ઓળખ માર્ગ અકસ્માતના સમયે મુશ્કેલ બને છે એટલું જ નહીં અકસ્માતથી નિર્દોષ નાગરિકો ભોગ બને છે અને હીટ એન્ડ રનની ઘટના બને છે. ઓથોરિટીએ ટ્રાફિક પોલીસને બ્લેક ફિલ્મવાળા ગ્લાસ ધરાવતા, અસ્પષ્ટ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ખાસ અસરકારક ઝુંબેશ ચલાવવા સૂચના આપી દંડાત્મક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. 

Comments

COMMENT / REPLY FROM