Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-આદિપુરના પાંચ મનોરંજન બગીચાના મેન્ટેનન્સ માટે નવી એજન્સી નિમાશે

21 December

લાખો ખર્ચ છતાં બગીચાઓ ખંડેર : હવે ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે


ભુજ - કચ્છઉદય : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં આવેલા મનોરંજન બગીચાઓની દયનીય હાલતને લઈને અંતે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. દર મહિને લાખો 
રૂપિયાનું ચુકવણું એજન્સીઓને કરવામાં આવતું હોવા છતાં બગીચાઓની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જતાં હવે પાંચ મુખ્ય બગીચાના રખરખાવ અને સંચાલન માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે.ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તક જોડિયા શહેરોમાં નવથી વધુ મનોરંજન બગીચાઓ આવેલાં છે, જેના સંચાલન, જાળવણી અને મેન્ટેનન્સ વિવિધ એજન્સી અને સંસ્થાઓને 
સોંપવામાં આવ્યા હતા. આ માટે મહાનગરપાલિકા દ્વારા દર મહિને અંદાજે પોણા ત્રણ લાખ રૂપિયા જેટલું ચુકવણું કરવામાં આવતું હતું. તેમ છતાં બગીચાઓમાં સ્વચ્છતા, લીલોતરી, લાઈટિંગ, બેઠકો, બાળકોના રમકડાં સહિતની મૂળભૂત સુવિધાઓની હાલત અત્યંત ખરાબ હોવાની નાગરિકોની ફરિયાદો સતત સામે આવી રહી હતી.વિગતવાર જોઈએ તો સેક્ટર-૯/એમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કના મેન્ટેનન્સ માટે દર મહિને રૂા. ૫૫,૦૦૦, વલિડાડા પાર્ક માટે રૂા. ૧૭,૦૦૦, સેક્ટર વિસ્તારમાં આવેલા સુભાષચંદ્ર બોઝ પાર્ક માટે રૂા. ૨૭,૦૦૦, આદિપુર સેક્ટર-૩/એમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ક માટે રૂા. ૪૮,૦૦૦ તેમજ હાથી બગીચાના મેન્ટેનન્સ માટે પણ રૂા. ૪૮,૦૦૦ ચૂકવવામાં આવતાં હતા. આ રીતે માત્ર આ પાંચ બગીચાના જાળવણી પાછળ દર મહિને કુલ રૂા. ૧.૯૫ લાખ જેટલો ખર્ચ થતો હતો.આ ઉપરાંત શિવાજી પાર્ક માટે રૂા. ૪૮,૦૦૦ અને ટાગોર પાર્ક માટે રૂા. ૩૩,૦૦૦નું માસિક ચુકવણું કરવામાં આવતું હતું. જો કે, આદિપુર બસ સ્ટેન્ડ પાસે આવેલા પાર્ક સહિત કુલ ત્રણ બગીચાઓનું નવીનીકરણ થવાનું હોવાથી તેમના મેન્ટેનન્સનું ચુકવણું હાલ બંધ રાખવામાં આવ્યું છે. આ ત્રણેય બગીચાના વિકાસ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.બીજી તરફ, આદિપુરના રાજેન્દ્ર પાર્કનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ હજી સુધી પૂર્ણ થયું નથી. આ બગીચાના વિકાસ માટે શરૂઆતમાં રૂા. ૨ કરોડથી વધુ ખર્ચનો અંદાજ હતો, પરંતુ તત્કાલીન મનપા. કમિશનર મિતેશ પંડ્યાએ સમીક્ષા કર્યા બાદ ખર્ચ ઘટાડીને રૂા. ૧.૧૦ કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. તેમ છતાં બગીચાનું કામ અધૂરું રહેતા નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.હવે જે પાંચ બગીચાઓના મેન્ટેનન્સ પાછળ દર મહિને લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, તેની સંપૂર્ણ સમીક્ષા કરીને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યોગ્ય એજન્સીને કડક શરતો સાથે બગીચાઓનું સંચાલન અને જાળવણી સોંપવામાં આવશે.
નાગરિકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે કે, લાખો રૂપિયાનું ખર્ચ થવા છતાં બગીચાઓ મનોરંજનના સ્થળના બદલે ખંડેર સમાન બની રહ્યા છે. બાળકો, વડીલો અને પરિવાર માટે બનાવાયેલા બગીચાઓ યોગ્ય રીતે જાળવવામાં ન આવતાં લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. હવે નવી એજન્સી નિમાય ત્યારે નિયમિત દેખરેખ, ગુણવત્તાયુક્ત રખરખાવ અને જવાબદારી સાથે બગીચાઓ ફરી નાગરિકોના આનંદ અને મનોરંજનનું કેન્દ્ર બને તેવી દિશામાં તંત્ર ગંભીરતા દાખવે તેવી મજબૂત માંગ ઉઠી રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM