કચ્છમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રેકોર્ડબ્રેક મતદાનની પ્રબળ શક્યતા
મતદારયાદીના ‘મહા-શુદ્ધિકરણ’ બાદ
૨.૧૪ લાખ નામો કમી થતા જનાદેશ વધુ સ્પષ્ટ બનશે : મતદાર યાદીમાંથી ‘ડેડ-વેઈટ’ સમાન નામો દૂર થતાં મતોની ગણતરી સાચા આંકડા પરથી થશે : મરણ જનાર, ડુપ્લીકેટ અને સ્થળાંતરિત મતદારોના નામ દૂર થતાં જનાદેશ વધુ સચોટ અને પ્રભાવશાળી રીતે ઉભરી આવશે
પુનર્ગઠનને કારણે કચ્છ જિલ્લામાં કુલ ૧૬૫ નવા મતદાન મથકોનો ઉમેરો : જે વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગને મતદાન કરવા માટે વધુ પ્રોત્સાહિત કરશે : સીધી હકારાત્મક અસર મતદાનના ગ્રાફ પર જોવા મળશે.
ભુજ - કચ્છઉદય :કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળશે તેવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના અંતે જે આંકડાકીય ફેરફારો સામે આવ્યા છે, તેને જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ વખતે કચ્છમાં લોકશાહીનો જનાદેશ વધુ સચોટ અને પ્રભાવશાળી રીતે ઉભરી આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જ મતદાનની ટકાવારી વધારવાનો અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવાનો રહ્યો છે, જેના પરિણામે હવે જિલ્લાના સાચા અને સક્રિય મતદારોની સંખ્યા જ મેદાનમાં બાકી રહી છે.
આ સઘન સુધારણા પ્રક્રિયા દરમિયાન વ્યાપક ચકાસણી કર્યા બાદ કચ્છ જિલ્લાની ડ્રાફ્ટ યાદીમાંથી અંદાજે ૨,૧૪,૧૭૫ જેટલા નામો કમી કરવામાં આવ્યા છે. અગાઉ જિલ્લામાં નોંધાયેલા કુલ મતદારોનો આંકડો ૧૬,૯૦,૫૮૪ હતો, જે આ શુદ્ધિકરણ બાદ ઘટીને હવે ૧૪,૭૬,૪૦૯ થયો છે. આટલી મોટી સંખ્યામાં નામો દૂર થવાનું મુખ્ય કારણ એ છે કે તેમાં ઘણા એવા મતદારો હતા જેઓ કાં તો અવસાન પામ્યા હતા, અથવા તો લાંબા સમયથી અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા હતા. આ ઉપરાંત ડુપ્લીકેટ નામોને પણ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. જ્યારે મતદાર યાદીમાંથી આવા ‘ડેડ-વેઈટ’ સમાન નામો દૂર થાય છે, ત્યારે મતદાનના દિવસે પડતા મતોની ગણતરી સાચા આંકડા પર થાય છે, જે પરિણામી મતદાનની ટકાવારીને કુદરતી રીતે જ ઊંચી લઈ જાય છે.
માત્ર નામોની સફાઈ જ નહીં, પરંતુ મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવા માટે ચૂંટણી પંચે ભૌતિક સુવિધાઓમાં પણ ધરખમ વધારો કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે પ્રત્યેક ૧૨૦૦ મતદાર દીઠ એક મતદાન મથક રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પુનર્ગઠનને કારણે કચ્છ જિલ્લામાં કુલ ૧૬૫ નવા મતદાન મથકોનો ઉમેરો થયો છે. અગાઉ જિલ્લામાં ૧૮૪૮ મતદાન મથકો હતા, જે હવે વધીને ૨૦૧૨ થયા છે. જ્યારે મતદાન મથક ઘરની નજીક હોય અને ત્યાં મતદારોની સંખ્યા મર્યાદિત હોય, ત્યારે લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે છે. આ સુવિધા ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગને મતદાન કરવા માટે વધુ પ્રોત્સાહિત કરશે, જેની સીધી હકારાત્મક અસર મતદાનના ગ્રાફ પર જોવા મળશે.
રાજકીય સમીક્ષકોના મતે, આ વહીવટી સુધારા કચ્છની ચૂંટણીના સમીકરણો બદલી નાખશે. જેમના નામ કોઈ કારણસર બાકાત થયા છે તેઓ હજુ પણ ફોર્મ-૬ ભરીને પુનઃ નોંધણી કરાવી શકે છે, જેનો અર્થ છે કે માત્ર જાગૃત અને ખરેખર મતદાન કરવા ઈચ્છતા નાગરિકો જ યાદીમાં પ્રાધાન્ય પામશે. આમ, એક તરફ શુદ્ધ થયેલી મતદાર યાદી અને બીજી તરફ વધેલા મતદાન મથકોની સુવિધા, આ બંને પરિબળો ભેગા મળીને ૨૦૨૬માં કચ્છમાં મતદાનની ટકાવારીને એક નવી ઊંચાઈ પર લઈ જશે તે નક્કી છે. તંત્રના આ ભગીરથ પ્રયાસોને કારણે હવે કચ્છનો સાચો જનાદેશ વધુ પારદર્શક રીતે બહાર આવશે અને લોકશાહીનું પર્વ વધુ તેજસ્વી બનશે.

Comments