Trending News
સ્થાનિક સમાચાર

કલાક્ષેત્ર કથ્થક નૃત્ય સંસ્થાનના રજત જયંતિ મહોત્સવનું આયોજન

19 December



ભુજ - કચ્છઉદય : છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથ્થકને વરેલી સંસ્થા "કલાક્ષેત્ર કથ્થક નૃત્ય સંસ્થાન" પોતાનો રજત જયંતિ મહોત્સવ તા. ૨૧-૧૨ રવિવારના દિવસે ઉજવશે, જેને "અભિવ્યક્તિ - ૨૦૨૫" એવું નામ આપ્યું છે. સંસ્થાના સ્થાપક ડો. મીનાબેન લાલપુરા અને સ્વાતિબેન સોમપુરા તથા સંચાલિકા કૃપલ સોમપુરા - બાપોદરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ડૉ. મીનાબેન લાલપુરા અને સ્વાતિબેન સોમપુરા દ્વારા સ્થાપિત આ સંસ્થામાં કથ્થક નૃત્યના વર્ગ તેમના ગુરૂ ધરમશીભાઈ શાહની પ્રેરણાથી ભુજમાં ૨૦૦૦ના વર્ષમાં શરૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાને ૨૫ વર્ષ પૂર્ણ થાય છે. માત્ર કથ્થક નૃત્યને સમર્પિત સંસ્થામાંથી અનેક વિદ્યાર્થીઓએ કથ્થકની ઉત્કૃષ્ટ તાલીમ લઈને ભુજ, માધાપર અને મુન્દ્રા જેવા સ્થાનો પર કથ્થકના વર્ગો ચલાવી કચ્છમાં કથ્થકનો પ્રચાર - પ્રસાર કરી રહ્યા છે. મહોત્સવ અંતર્ગત આ સંસ્થાના વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીના સમયમાં કથ્થકનું પ્રશિક્ષણ પામેલ વિદ્યાર્થીઓ સાથે મળીને છેલ્લા ત્રણેક મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે. ઉજવણીને યાદગાર બનાવવા માટે દિલ્હીથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કથ્થક ગુરૂ પંડિત રાજેન્દ્ર ગંગાણીજી (જયપુર ઘરાના)ને નિમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ કચ્છમાં પ્રથમ વખત આવી રહ્યા છે. 
તા. ૨૧-૧૨ના રવિવારે સવારે કથ્થક નૃત્યના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુરૂ રાજેન્દ્રજી કથ્થકની બારીકીઓ તેમની સરળ શૈલીમાં શીખવશે. વર્કશોપમાં ભુજ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા તેમજ વડોદરાથી તેમજ ઓનલાઈન માધ્યમ દ્વારા અનેક કલા સાધકો જોડાઈ રહ્યા છે. જે હોસ્પિટલ રોડ સ્થિત લાયન્સ હોલમાં આયોજિત કરવામાં આવેલ છે. સાંજે ૫ વાગે ભુજના ટાઉન હોલમાં કથ્થક નૃત્યના નિદર્શનનો જાહેર કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં ભુજ નગરપાલિકા સહયોગી બનેલ છે. 
કાર્યક્રમની શરૂઆતમાં કચ્છની પ્રખ્યાત કથ્થક નૃત્યાંગના કૃપલબેન તથા કલાક્ષેત્રના  ભૂતપૂર્વ - વર્તમાનના અનેક વિદ્યાર્થીઓ કથ્થક નૃત્યનું નિદર્શન કરશે, જેમાં ડો. ધર્મેશ પરમાર (તબલા), ડો. વિશાલ બાપોદરા (પખાવજ), પ્રગતિબેન મહેતા (ગાયન), અર્પિત માંડવીયા (સારંગી), ચિંતન જોષી (હાર્મોનિયમ તથા ગાયન) પર સંગત કરશે. પં. રાજેન્દ્ર ગંગાણીજી તેમની વિશિષ્ટ જયપુર ઘરાના શૈલીમાં કથ્થક નૃત્યના વિવિધ આયામોનું મંચ પ્રદર્શન કરશે. તેમની સાથે સંગતમાં દિલ્હીના ફતેહસિંહ ગંગાણીજી (તબલા), વિનોદકુમાર (હાર્મોનિયમ તથા ગાયન) તથા અર્પિત માંડવીયા (સારંગી) પર રહેશે. કાર્યક્રમની તૈયારીમાં સંસ્થાના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ કલાક્ષેત્રના શુભેચ્છકો દ્વારા સાથ-સહકાર મળી રહ્યો છે. ભુજના કલારસિકજનોમાં પણ પં. રાજેન્દ્ર ગંગાણીજી જેવા મોટા ગજાના કલાકારની કલાનું રસપાન ઘરઆંગણે કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમમાં મહારાણી ઓફ કચ્છ પ્રિતિદેવી અધ્યક્ષ સ્થાને રહેશે. ઉપરાંત આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, ભગવતી ધામના મહંત પૂ. રાજુભાઈ જોશી ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે. અતિથી વિશેષ તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ શહેરના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, કચ્છ યુનિ.ના વી.સી. ડૉ. મોહનભાઇ પટેલ. કચ્છ ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, આશાપુરા ફાઉન્ડેશનના દીનાબેન સી. શાહ, કચ્છ જિલ્લા યુથ ડેવલપમેન્ટ અધિકારી દેવાંશીબેન ગઢવી તથા કેરા (હાલે મોમ્બાસા)ના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઇ ટાપરીયા હાજર રહેશે.
---


પંડિત રાજેન્દ્ર ગંગાણીજીનો પરિચય

ભુજ - કચ્છઉદય : પંડિત રાજેન્દ્ર ગંગાણીજી ભારતીય શાસ્ત્રીય ગીત, સંગીત, નૃત્યનો સમૃદ્ધ વારસો ધરાવતા ગંગાણી પરિવારમાં જન્મ્યા. તેઓએ કથ્થકની તાલીમ તેમના પિતા અને ગુરૂ પં. કુંદનલાલ ગંગાણીજી પાસેથી પ્રાપ્ત કરી છે. જયપુર ઘરાનાને વરેલ એવા પં. ગંગાણીજી પોતાની ઉત્કૃષ્ટ નૃત્ય શૈલી, અદ્દભૂત છટા અને ભરપૂર ઉર્જા સભર નૃત્ય દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકોને અભિભૂત કરતા રહ્યા છે. ૬ વર્ષની આયુથી જ નૃત્ય કરનાર આ નર્તકે સમગ્ર વિશ્વમાં કથ્થક નૃત્યનું પ્રદર્શન, પ્રચાર અને પ્રસાર કર્યું છે. વિદેશની ધરતી પર રાની એલિઝાબેથ હોલથી માંડીને પ્રથમ વખત કચ્છની ધરતી પર નૃત્ય પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. એશિયા, યુરોપ, અમેરિકા તેમજ આફ્રિકા ખંડના વિવિધ ૧૦૦૦ કરતા વધારે શહેરોમાં લાઈવ નૃત્ય પ્રદર્શન કરીને ભારતીય કલાને વિશ્વ સમક્ષ મુકીનેે ગૌરવ અપાવ્યું છે. નૃત્ય ઉપરાંત તબલા, હાર્મોનિયમ અને પખાવજ જેવા વાદ્યોમાં નિપૂણતા ધરાવે છે. તેઓને ૨૦૦૩ની સાલમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. એ.પી. જે. અબ્દુલ કલામના હસ્તે પ્રસિદ્ધ સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. ઉપરાંત શાસ્ત્રીય નૃત્ય ચુડામણી, સંગીત રાજ જેવા અનેક એવોર્ડથી નવાજિત કરેલા છે. આવી રીતે પં. રાજેન્દ્ર ગંગાણીજી ભવ્ય સાંસ્કૃતિક વારસાને પેઢી દર પેઢી આગળ વધારી રહ્યા છે.
---

Comments

COMMENT / REPLY FROM