Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ ખાતે રમાયેલી અન્ડર-૧૪ ક્રિકેટ મેચમાં કચ્છ રૂરલ વિજેતા

19 December



કેસીએ ભુજ અને કચ્છ રૂરલ વચ્ચે રમાઈ મેચ : કેસીએ ભુજના કેપ્ટન કિર્તન કોટકની સળંગ બીજી મેચમાં બીજી સદી : ૧૪૭ રન નોટ આઉટ

ગાંધીધામ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજીત આંતર જિલ્લા અંડર - ૧૪ ટેસ્ટ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટની ડીપીએસ ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે શરૂ થયેલી બીજી લીગ મેચની શરૂઆત નિલકંઠ સ્ટીલના એમડી અને ડીપીએસ સ્કૂલ ગાંધીધામના વાઇસ ચેરમેન નકુલ અયાચીના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવી હતી. આ સમયે ડૉ. સુબોધ થપલિયાલ (ડીપીએસ), શરદ શેટ્ટી સેક્રેટરી કેડીઆરસીએ, લાલ નવાણી, કૈલાશ ગોહિલ, અનિલ સિંઘ તેમજ જય જતીયાણી અને ડીપીએસના ગ્રાઉન્ડ સ્ટાફ ઉપરાંત કેસીએ ભુજ અડર ૧૪ ટીમના કોચ મહેશ પંડ્યા હાજર રહ્યા હતા.
ગાંધીધામ ખાતે રમાયેલી મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને કેસીએ ભુજની ટીમે બોલિંગ પસંદ કરી હતી. કચ્છ રૂરલ ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૯ વિકેટના નુકશાને ૯૦ ઓવરમાં ૨૯૮નો સ્કોર કર્યો હતો, જેમાં વ્યોમ અઠવાલના ૮૭ , વેદ હરસોરાના ૭૧ અને કુનાલ ગઢવીના ૫૨ રન મુખ્ય હતા. કેસીએ ભુજ વતી અરહાન આરબ, જયદીત્યસિંહ સોઢા અને વિશ્વરાજસિંહ જાડેજાએ ૨-૨ વિકેટ લીધી હતી. જવાબમાં દિવસના અંતે કેસીએ ભુજ ટીમે ૯ ઓવરમાં ૧ વિકેટના નુકશાને ૩૨ રન કર્યા હતા.
બીજા દિવસે કેસીએ ભુજ ટીમના કેપ્ટન કિતેન કોટકે જવાબદારી ભરી બેટિંગ કરતાં એક છેડો સાચવીને સતત બીજી મેચમાં બીજી સેન્ચુરી લગાવી ૧૪૭ રન નોટ આઉટ કર્યા હતા, જેને જયદીત્યસિંહ સોઢા ૨૪ રનનો સાથ મળ્યો હતો. બંને વચ્ચે ૮૧ રનની ભાગીદારી થઈ હતી. બીજા અન્ય કોઈ બેટ્‌સમેન જામી ન શકતા કચ્છ ભુજની ટીમ ૯૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૨૧૭ રન સુધી સીમિત રહી હતી. કચ્છ રૂરલ વતી ક્રીશ્વ સિંઘવીએ ૭ વિકેટ લીધી હતી. દિવસના અંતમાં કચ્છ રૂરલે બીજી ઇનિંગમાં ૧૧.૩ ઓવર બેટિંગ કરી ૩ વિકેટના નુકશાને ૬૨ રન કર્યા હતા. આમ કેસીએ ભુજ ટીમ પ્રથમ ઇનિંગમાં ૮૧ રન પાછળ રહી જતા કચ્છ રૂરલ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
કિર્તન કોટકને તેના સુંદર દેખાવ બદલ કચ્છ ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઇ મહેતા અને સહમંત્રી પ્રવીણભાઇ હીરાણી, રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ સિલેક્ટરો અશોકભાઈ મહેતા, ગિરીશભાઇ ઝવેરી, નવલસિંહ જાડેજા , મહિપતસિંહ રાઠોડે અભિનંદન પાઠવ્યા હતા. કચ્છની ટીમ સાથે કોચ તરીકે મહેશભાઈ પંડ્યા જોડાયેલા છે. 
-------

Comments

COMMENT / REPLY FROM